શહેરના માર્ગો પર બાઈકર્સ ગેંગ રેસ લગાવી લોકોના જીવ જોખમમાં મૂકી રહી છે
અરવલ્લી જિલ્લામાં પોલિસની સારી કામગીરીની પ્રસંશા પર કેટલાક અસામાજિક તત્વો તેમજ બાઈકર્સ ગેંગ પાણી ફેરવી દે તેવું લાગી રહ્યું છે. મોડાસા શહેરમાં છેલ્લા લાંબા સયમથી બાઈકર્સ ગેંગને કારણે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે, જોકે મોડાસા ટાઉન પોલિસ બાઈકર્સ ગેંગ સામે ઘૂંટણિયે પડ્યું હોય તેવું લાગી રહ્યું છે. મોડાસાના મેઘરજ બાયપાસ થી પાવનસિટી તેમજ માલપુર રોડ પર મોડી રાત્રે બાઈકર્સ ગેંગ દ્વારા રેસિંગ કરવામાં આવતી હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા કેટલાય સમયથી આ પ્રકારની ઘટનાઓ ઘટી રહી છે, પણ ટાઉન પોલિસના બહેરા કાને તેનો અવાજ પહોંચતો નથી કે સાંભળવામાં નથી આવતો તે એક સવાલ છે.
ગુરુવારે મોડી રાત્રે દસ થી અગિયાર વાગ્યાના અરસામાં મેઘરજ રોડના પાવનસિટી વિસ્તારમાં ત્રણ બાઈક વચ્ચે ટક્કર થતાં એક યુવક ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં મોડી રાત થાય એટલે જાણે બાઈકર્સ માટે મોકળુ મેદાન મળી ગયું હોય તેમ રાહદારીઓ તેમજ સ્થાનિક લોકો માટે મુસિબતનું કારણ બની જાય છે, એટલું જ નહીં બસો થી વધારે સીસી એંજિન ધરાવતા બાઈકર્સની અહીં જાણે રેસ જામતી હોય તેમ બેફામ રીતે જાહેર માર્ગો પર વાહનો હંકારતા નજર પડતાં હોય છે. બેફામ રીતે વાહન હંકારી લોકોના જીવ પડિકે બંધાતા હોય છે, પણ ટાઉન પોલિસને લોકોની જરાય ચિંતા ન હોય તેમ માત્ર તમાશો જોવામાં જ મસ્ત હોય તેવું લાગી રહ્યું છે.
મોડી રાત્ર બનેલી આ ઘટનાને કારણે લોકોમાં રોષ જોવા મળ્યો હતો, અને બાઈક વચ્ચે ટક્કર થતાં લોકોનો આક્રોશ જોવા મળ્યો અને ટપલી દાવ થતાં બે જેટલા યુવકો પર લોકોએ હાથ સાફ કરી દીધા હતા. એટલું જ નહીં કેટલાક લોકોએ તો કાયદો જ હાથમાં લઇને જાતે જ ન્યાય અપાવવાની કાર્યવાહી કરી દીધી હતી. ઘટનાની જાણ થતાં મોબાઈલ વાન પહોંચી તો ખરી પણ મોડે મોડ. ટોળુ વિખેરાઈ ગયું, ઇજાગ્રસ્ત વ્યક્તિ હોસ્પિટલમાં પહોંચી ગયો અને મામલો થાળે પડી ગયો પછી શાંતિથી પોલિસ પહોંચી અને માહિતી મેળવવા લાગી હતી.
મોડાસા ટાઉન પોલિસ સામે બાઈકર્સ ગેંગ એ મોટો પડકાર છે, પણ ટાઉન પોલિસના પેટનું પાણી જ નથી હલતું તેવું લોકોચર્ચાએ મોડી રાત્રે જોર પકડ્યું હતું. બાઈકર્સ દ્વારા યોજવામાં આવતી રેસ અને પૂરપાટ ઝડપે બાઈક હંકારતા લોકોને ટાઉન પોલિસ ક્યારે પાઠ ભણાવશે તે એક સવાલ છે, હાલ તો પોલિસ પણ કોરોના સમયમાં સુસ્ત પડી હોય તેવું લાગી રહ્યું છે. પણ સવાલ એ થાય છે કે, બાઈક રેસ થી જો કોઇ મોટી દુર્ઘટના કે જાનહાનિ થાય તો શું.