શહેરના ર૦ જંકશનો પર “ડીટેઈલ ટ્રાફિક સર્વે” કરવામાં આવશે
વાહનોની દિશા તથા ૧૮ કલાકના ટ્રાફિક ભારણને ધ્યાનમાં લઈ ફલાય ઓવર બનાવવાની પ્રાયોરીટી નકકી થશે |
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ : શહેરની ટ્રાફિક સમસ્યા હળવી થાય તે માટે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નાના મોટા જંકશનો પર ફલાય ઓવર બનાવવામાં આવ્યા છે. મ્યુનિ. કોર્પોરેશને ર૦૧૧ ની સાલમાં તમામ જંકશનો પર ટ્રાફિક ભારણનો સર્વે કરાવ્યો હતો. સર્વે રીપોર્ટમાં ત્રણ ફેઝમાં ૩૪ જંકશનો પર ફલાય ઓવર બનાવવા સુચન કરવામાં આવ્યા હતા.
તેની પ્રાયોરીટી અંગે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સર્વે રીપોર્ટમાં દર્શાવેલ પ્રાયોરીટી મુજબ ફેઝ-૧ ના ફલાય ઓવર તૈયાર કરવામાં આવ્યા છે. ફેઝ-ર અને ફેઝ-૩ ના કામ શરૂ કરતા પહેલા વધુ એક વખત સર્વે કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ટ્રાફિકની દિશા અને સમય ને પ્રાધાન્ય આપવામાં આવશે. સદ્દર સર્વે રીપોર્ટના આધારે ફેઝ-ર ના ફલાયઓવર તૈયાર કરવામાં આવશે.
મ્યુનિ. કોર્પોરેશનના આંતરીક સુત્રોએ જણાવ્યા મુજબ શહેરમાં ફલાય ઓવર કે અંડરપાસ બનાવવા માટે દિલ્હી સ્થિત સેન્ટ્રલ રોડ રીસર્ચ ઈન્સ્ટીટયુટ નામની સંસ્થા પાસે ડીટેઈલ સર્વે કરાવવામાં આવે છે. સદ્દર સંસ્થા ના માર્ગદર્શન મુજબ ફલાયઓવર અંડરપાસ બનાવવામાં આવે છે. મ્યુનિ. કોર્પોરેશને ર૦૧૧-૧ર માં સી.આર. આર.આઈ. પાસે તમામ જંકશનો નો સર્વે કરાવ્યો હતો.
જેમાં ટ્રાફિક ભારણને ધ્યાનમાં લઈને ૩૪ જંકશનો પર ફલાય ઓવર કે અંડરપાસ બનાવવા માટે ભલામણ કરવામાં આવી હતી.સંસ્થાએ ફેઝ-૧માં ૧૭, ફેઝ-ર માં ૦૭ અને ફેઝ-૩માં ૧૦ ફલાય ઓવર બનાવવા માટે સુચન કર્યા હતા. જે પૈકી ફેઝ-૧ નો અમલ થઈ ગયો છે. ફેઝ-ર અને ફેઝ-૩ નો અમલ કરતા પહેલા પ્રવર્તમાન ટ્રાફિક મુજબ સર્વે કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે.
જેમાં જે તે જંકશન પર ટ્રાફિક ભારણની સાથે-સાથે ટ્રાફિકની દિશા સવારે ૬ વાગ્યા થી મધરાત ૧ર વાગ્યા સુધીનું ટ્રાફિક ભારણ તથા વાહનોના પ્રકારનો સર્વે કરવામાં આવશે. જેમાં પ્રાથમિક તબકકે નરોડા પાટીયા, સુભાષ બ્રીજ સર્કલ અને ચાંદખેડા ચાર રસ્તાનોસર્વે કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો. જેનું કામ અમદાવાદ સ્થિત આઈઆઈટીઆરએએમ નામની સંસ્થા ને ત્રણ જંકશનોના કમ્પેરીઝીવ ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટેશન સર્વે”નું કામ સોપવામાં આવ્યું હતું.
જે પૈકી નરોડા પાટીયાનો સર્વે થયા બાદ સંસ્થાની ભલામણ મુજબ ફલાય ઓવર નું કામ શરૂ કરવામાં આવ્યું છે. સદ્દર સંસ્થા ર૦ જંકશનોના સર્વે કરશે તથા તેની ભલામણ મુજબ ફલાયઓવર કે અંડરપાસ તૈયાર કરવામાં આવશે. અમદાવાદ ટ્રાફિક પોલીસ વિભાગે પણ સદ્દર સંસ્થા પાસે ૩૭ સીગ્નલાઈઝ જંકશનો સર્વે કરાવ્યો છે.મ્યુનિ. કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા “શહેરનો કોમ્પીટેન્સીવ રીપોર્ટ” તૈયાર કરવા માટે સંસ્થાને કામ સોંપવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ર૦૧રના વર્ષમાં રોડ રીસર્ચ ઈન્ડસ્ટ્રી દ્વારા કરવામાં આવેલ સર્વેમાં માત્ર ટ્રાફિક ભારણની જ નોંધ લેવામાં આવી હતી. જેના આધારે પ્રાયોરીટી નકકી થઈ હતી. સદ્દર સંસ્થાએ ફેઝ-૧ માં જે ૧૭ જંકશનો નો ફેઝ-૧ માં સમાવેશ કર્યો હતો તે પૈકી હેલ્મેટ સર્કલ, અંજલી ચાર રસ્તા (કામ ચાલુ છે.) દિનેશ ચેમ્બર્સ બાપુનગર, હાટકેશ્વર સર્કલ, ઈન્કમટેક્ષ જંકશન, ઓઢવ રીંગ રોડ, આઈ.આઈ.એમ.ચાર રસ્તા વિરાટનગર તથા નરોડા રેલવે ક્રોસીંગ પર અમલ થઈ ગયો છે.
જયારે શ્યામલ ચાર રસ્તા દિલ્હી દરવાજા અને જલારામ રેલવે ક્રોસીગ પર અમલ થઈ ગયો છે. જયારે શ્યામલ ચાર રસ્તા દિલ્હી દરવાજા અને જલારામ રેલવે ક્રોસીગ પર મેટ્રો દ્વારાફલાય ઓવર તૈયાર કરવામાં આવી રહયા છે. વેજલપુર રેલવે ક્રોસીંગ વાઈન્ડીગનું કામ પૂર્ણ થયું છે. થલતેજમાં અંડરપાસ બનાવવામાં આવ્યો છે. પ્રથમ ફેઝમાં માત્ર વાડજ જંકશનનું કામ બાકી રહયું છે.
ફેઝ-ર અને ફેઝ-૩ માં માનસી જંકશન, પરીમલ ગાર્ડન, સતાધાર ચાર રસ્તા, સાલ હોસ્પીટલ, પકવાન, જીવરાજ ચોક, પાંજરાપોળ, ચિરાગ મોટર્સ પુષ્કુંજ, દાણીલીમડા, વિજય ચાર રસ્તા, ભૈરવનાથ, મેમ્કો જંકશન, હીમાલયા મોલ જંકશન પર ફલાયઓવર કે અંડરપાસ બનાવવામાં આવશે. “ડીટેઈલ ટ્રાફિક સર્વે” રીપોર્ટ બાદ ફેઝ-ર અને ફેઝ-૩ નો અમલ કરવામાં આવશે. રીપોર્ટની ભલામણ મુજબ ફલાય ઓવરની દિશા અને પ્રાયોરીટી નકકી થશે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.