અમદાવાદના વેપારીઓ સાથે સરેરાશ રોજ ૧૦ લાખની ઠગાઈ થાય છે
(એજન્સી)અમદાવાદ, વેપારીઓ અને સીટના વડા વચ્ચે સીધો સંપર્ક બને તેમજ વેપારીઓને માર્ગદર્શન મળી રહે તે માટે અમદાવાદ વેપારી મહાજન દ્વારા ખાસ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ વેપારી મહાજનના પ્રમુખ હર્ષદ ગીલીટવાળાએ જણાવ્યું હતું કે અમદાવાદમાં વેપારીઓ સાથે રોજ સરેરાશ ૧૦ લાખની છેતરપિંડી થાય છે અને મહીને આ આંક ૧૦ કરોડને પાર થઈ જાય છે.
મોટા ભાગના વેપારીઓ પોલીસ ફરીયાદ કરવાથી ડરે છે. તાજેતરમાં સરકારે વેપારીઓના નાણાંની સલામતી માટે ખાસ સીટની રચના કરાઈ છે. આ સીટના વડા જેસીપી ગૌતમ પરમારે વેપારીઓને છેતરપિંડીથી બચવા અને સીટમાં આવીને ફરીયાદ કરવા માટે સમજાવ્યાં હતા. આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના વિવિધ એસોસીએશનના પ્રતિનીધીઓ તેમજ વેપારીઓ હાજર રહયાં હતાં.
વેપારીઓને માર્ગદર્શન આપતા ગૌતમ પરમારે જણાવ્યું હતું કે, અમદાવાદના ૮૦૦ વેપારીઓએ તેમની સાથે થયેલી છેતરપિંડી અંગે ફરીયાદ કરી હતી. જેમાંથી ૪૦૦ વેપારીઓને તેમના ફસાયેલા નાણા પરત મળ્યા છે.
વેપારીને ઉધાર માલ આપતી વખતે તે પાર્ટીની પુરેપુરી ચકાસણી કરવી જાેઈએ. જાે તમારી સાથે કોઈ બનાવ બંને તો વેપારીએ સંકોચ વગર ફરીયાદ કરવા માટે આગળ આવવું જાેઈએ, ફરીયાદ કરતી વખતે વેપારીએ કોઈ પ્રકારનો ડર રાખવાની જરૂર નથી.