Western Times News

Gujarati News

શહેરના વોટર લોગીંગ સ્પોટ દૂર કરવા રૂ.૮૩૬.૯૧ કરોડનો ખર્ચ થશે

વરસાદી પાણીના નિકાલ માટે બોપલ અને ઘુમા તળાવ પાસે રૂ.૧૭ કરોડના ખર્ચથી સ્ટ્રોમ વોટર પંપીગ સ્ટેશન બનાવવામાં આવશે: દેવાંગ દાણી

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ,
અમદાવાદ શહેર સામાન્ય વરસાદમાં પણ જળબંબાકાર થઈ જાય છે જેના કારણે નાગરિકો ત્રાહિમામ પોકારી જાય છે અને લાખો રૂપિયાની મિલકતોને નુકશાન પણ થાય છે. શહેરમાં પાછલા વર્ષે ચોમાસા દરમિયાન પ૦ કરતા વધુ જગ્યાએ પાણી ભરાયા હતા. ગત વર્ષની સ્થિતિનું ફરીથી નિર્માણ ન થાય તે માટે કોર્પોરેશન દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે અને ૩૩ સ્થળે વોટર લોગીંગ દુર કરવા માટે રૂ.૭૦૦ કરોડ કરતા વધુ રકમના ખર્ચથી કામ કરવામાં આવી રહયા છે.મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વરસાદી પાણી ભરાવવાની સમસ્યાના કાયમી નિરાકરણ માટે ૩૩ સ્થળે અલગ અલગ પ્રકારના કામ કરવામાં આવી રહયા છે. જેના માટે રૂ.૮૩૬.૯૧ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. ૩૩ પૈકી ર૯ સ્થળે રૂ.૬૪૪.૩૪ કરોડના કામ શરૂ થઈ ચુકયા છે.

જયારે રૂ.૩૭.પ૭ કરોડના કામો મંજુરી હેઠળ છે. તેમજ ૧પપ કરોડના એક કામ માટે ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા જે સ્થળે વરસાદના વધુ પાણી ભરાય છે તેવા સ્થળો નકકી કરી અને કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં પશ્ચિમ ઝોનના વાસણામાં માણેકબાગથી સાબરમતી સુધી રૂ.૧પપ કરોડના ખર્ચથી માઈક્રો ટર્નલીંગનું કામ કરવામાં આવશે જેનો અંદાજ મંજુરી માટે રાજય સરકારને મોકલવામાં આવ્યો છે. આ ઉપરાંત રાણીપમાં પણ કાળી ગરનાળાથી ૧૩ર ફુટ રીંગરોડ સુધીના ચંદ્રભાગા નાળાને રીમોલ્ડ કરવામાં આવી રહયું છે. જેના માટે રૂ.૧૪૬.૪ર કરોડનો ખર્ચ થશે. આ કામ હાલ શરૂ થઈ ગયું છે અને ર૦ર૭માં પૂર્ણ થાય તેવી શક્યતા છે.

તેવી જ રીતે સરખેજ વોર્ડમાં રોપડા તળાવ શ્રીનંદનગરથી સાબરમતી નદી સુધી રૂ.૩૬.ર૭ કરોડના ખર્ચથી સ્ટ્રોમ વોટર બોક્ષ બનાવવાનું કામ ચાલી રહયું છે. આ ઉપરાંત ૧પમા નાણાંપંચની ગ્રાંટ અંતર્ગત પશ્ચિમ વિસ્તારના મહંમદપુરા, મકરબા, રોપડા, બેદાર, આઝાદનગર, મલકાણી અને ન્યુ લેક તળાવને લીંક કરવાનું કામ રૂ.૭૮.૧૮ કરોડના ખર્ચથી કરવામાં આવ્યું છે. જે ફેબ્રુઆરી ર૦ર૬માં પૂર્ણ થાય તેવી શકયતા છે.

મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટિ ચેરમેન દેવાંગ દાણીએ ઉપરોકત માહિતી આપતા વધુમાં જણાવ્યું હતું કે કોર્પોરેશન દ્વારા થલતેજ વોર્ડમાં વોટર લોગીંગ સ્પોર્ટ બંધ કરવા માટે કબીર એન્કલેવથી ઘુમા તળાવ સુધી ૧ર૦૦ એમ.એમ.ની વરસાદી પાણીની લાઈન નાંખવાનું કામ ચાલી રહયું છે. આ ઉપરાંત બોપલ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે બોપલ તળાવ પાસે તેમજ ઘુમા તળાવ પાસે વોટર પંપીગ સ્ટેશન બનાવવાનું કામ ચાલી રહયું છે. દક્ષિણ ઝોનના લાંભામાં લાંભા તળાવથી અસલાલી તળાવ થઈ કેનાલ સુધી રૂ.૪.૮૮ કરોડના ખર્ચથી ઓવર ફલો લાઈન નાંખવામાં આવી રહી છે. આ ઉપરાંત મણીનગર વોર્ડમાં ઉત્તમનગર ગાર્ડન પાસે વોટર લોગીંગ સ્પોર્ટ દુર કરવા રૂ.૬.ર૭ કરોડના ખર્ચથી અને વટવા વોર્ડમાં મહાલક્ષ્મી તળાવથી એસ.પી. રીંગ રોડ કરી સામેથી બાજુએ આવેલા રોપડા તળાવ સુધી રૂ.૯૭.૯૯ કરોડના ખર્ચથી વરસાદી લાઈન નાંખવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.