શહેરના ૩૦ મંદિરોએ જન્માષ્ટમી ઉજવણી મોકૂફ રાખી
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા માટે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાનો ચુસ્ત અમલ થાય તે માટે મ્યુનિ. કોર્પોરેશન સજાગ બન્યુ છે. મ્યુનિ. કોર્પોરેશનની વિવિધ ટીમો દ્વારા મોલ્સ, મોટા માર્કેટ, હોટેલ્સ વગેરેની મુલાકાત લેવામાં આવે છે તથા સોશ્યલ ડીસ્ટન્સ કે માસ્કનો અમલ થતો ન હોય તેવા સંજાેગોમાં તાત્કાલીક સીલીંગની કાર્યવાહી કરવામાં આવે છે. હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહય ોછે. જેમાં જન્માષ્ટમીના તહેવારની ઉજવણી કરવામાં આવે તો કોરોના સંક્રમણ વધી શકે છે તેવી જ રીતે મહોરમનો તહેવાર પણ આવી રહયો છે તહેવારના દિવસોમાં ભીડ એકત્રિત ન થાય તેમજ કોરોનાનો વ્યાપ ન વધે તે હેતુથી મ્યુનિ. સોલીડ વેસ્ટ વિભાગની ટીમ દ્વારા જુદા-જુદા ધાર્મ્ક સ્થાનોની મુલાકાત લેવામાં આવી હતી તેમજ કોરોનાની માર્ગદર્શિકાથી માહિતગાર કરવામાં આવ્યા હતા જેના ફળ સ્વરૂપ ૩૦ મંદિરો દ્વારા જન્માષ્ટમી ઉજવણી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
મ્યુનિ. કોર્પોરેશનના સુત્રોએ જણાવ્યા મુજબ ધાર્મિક સ્થાનોમાં ભીડ થતી રોકવા માટે સોલિડ વેસ્ટની ટીમો દ્વારા મંદિર, મસ્જિદ, ગુરુદ્વારાની મુલાકાત લેવામાં આવી હતી તેમજ કોરોનાની માર્ગદર્શિકાથી વાકેફ કરવામાં આવ્યા હતા. ૩૦ મંદિરોના વ્યવસ્થાપક મંડળે સકારાત્મક અભિગમ અપનાવી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી રદ કરવામાં આવી છે. શહેરના જગન્નાથજી મંદિર, રાધાકૃષ્ણ મંદિર, રણછોડજી મંદિર, ગણપતિ મંદિર, વલ્લભ સદન, કામેશ્વર મંદિર, રામજી મંદિર, શ્રીનાથજી હવેલી, લંગડીયા હનુમાન મંદિર, રામેશ્વર મહાદેવ મંદિર, સિધ્ધિ વિનાયક ગણપતિ મંદિર, બાલા હનુમાન મંદિર, ચકુડીયા મહાદેવ મંદિર, વ્રજધામ હવેલી, સીમા હોલ પાછળ, રણછોડરાયજી મંદિર ૧૩ર ફીટ રોડ, ગોકુલનાથ હવેલી, વૈકુઠ ધામ મંદિર, વલ્લભવાડી મંદિર, રણછોડરાય ટ્રસ્ટ મંદિર (સરસપુર) મહાપ્રભુજીની બેઠક, બ્રહ્મકુમારી લોટસ મંદિર, કલ્યાણ પૃષ્ટિ હવેલી વસ્ત્રાપુર, ભાગવત વિદ્યાપીઠ મંદિર (એસ.જી.હાઈવે) ઈસ્કોન મંદિર સહીત ૩૦ મંદિરોમાં જન્માષ્ટમીની ઉજવણી બંધ રાખવામાં આવી છે.
મ્યુનિ. સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા ૪૬૯ ધાર્મિક સ્થાનોની મુલાકાત લેવામાં આવી હતી જેમાં ૩૩ર મંદિર, ૯૧ મસ્જિદ, ર૮ દેરાસર, ૦૯ ચર્ચ, ૦૭ ગુરુદ્વારા અને ૦ર આશ્રમનો સમાવેશ થાય છે. મ્યુનિ. ટીમે ધાર્મિક સ્થળોએ જઈને વ્યવસ્થાપક મંડળને ગાઈડલાઈનની સમજુતી આપવામાં આવી હતી ઝોન દીઠ ધાર્મિક સ્થળો મુજબ પૂર્વ ઝોનમાં પ૮, પશ્ચિમ ઝોનમાં ૬૯, ઉત્તરઝોનમાં ૬૪, દક્ષિણ ઝોનમાં ૧૪ર, મધ્યઝોનમાં ૭૬, ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૩૦ અને દક્ષિણ પશ્ચિમ ઝોનના ૩૦ ધાર્મિક સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી જેમાં તમામ ધાર્મિક સ્થળના વ્યવસ્થાપક મંડળ- વહીવટદારોએ પુરતો સહયોગ આપવાની ખાત્રી આપી હતી.