Western Times News

Gujarati News

શહેરની ટ્રાફિક સમસ્યા હળવી કરવા આઠ સ્થળે ફ્લાયઓવરના કામ નિર્માણધીન

Files Photo

મુખ્યમંત્રીના હસ્તે વિવેકાનંદનગર રીવરબ્રિજ અને જગતપુર ફ્લાયઓવરના ખાતમુર્હૂત થશે

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરની ટ્રાફિક સમસ્યાને હળવી કરવા માટે મ્યુનિ.કોર્પાેરેશને કમર કસી છે. શહેરના નાના-મોટા જંક્શનો તથા રેલવે લાઈન પર જરૂરીયાત મુજબ ફ્લાય ઓવર અને રેલવે અંડરપાસ તૈયાર કરવાની દિશામાં નક્કર કામગીરી હાથ ધરવામાં આવી છે. નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ના અંદાજપત્રમાં ૨૦ ફ્લાયઓવર બ્રીજ અને ૧૫ રેલવે ઓવરબ્રીજ-અંડરપાસ બનાવવા જાહેરાત કરવામાં આવી હતી. જે પૈકી રાજ્ય સરકારે સાત ફ્લાયઓવર માટે મંજૂરી આપી છે. શહેરમાં હાલ નવ સ્થળે ફ્લાય ઓવર તથા રેલવે ઓવરબ્રીજના કામ ચાલી રહ્યા છે. જ્યારે અન્ય એક ફ્લાયઓવર તથા રેલવે અંડરપાસ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યા છે. આગામી વર્ષે કોઈ અંતરાપ ન આવે તો મનપા દ્વારા નવા ૨૦ જેટલા ફ્લાયઓવર, રેલવે બ્રીજ તથા અંડરપાસના કામ પૂર્ણ કરવામાં આવી શકે છે.

અમદાવાદના નગરજનોને ટ્રાફિક-સમસ્યામાંથી મુક્તિ મળે તેમજ શહેર ખરા અર્થમાં સ્માર્ટસીટી બને તે માટે મ્યુનિ.બ્રીજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા નક્કર આયોજન કરવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યા મુજબ શહેરમાં હાલ ચાર સ્થળે ફ્લાયઓવર અને ચાર રેલવે ઓવરબ્રીજના કામ ચાલી રહ્યા છે. જેમાં રાજેન્દ્ર પાર્ક જંક્શન ખાતે રૂા.૭૦.૬૮ કરોડ, અજીતમીલ જંક્શન ખાતે રૂા.૫૦.૩૦ કરોડ, વિરાટનગર જંક્શન પાસે રૂા.૪૫.૩૮ કરોડ તથા વિવેકાનંદ નગર-વિનોબાભાવે નગર પાસે રૂા.૨૪.૬૭ કરોડના ખર્ચથી ફ્લાયઓવરના નિર્માણ ચાલી રહ્યા છે. જ્યારે નરોડા રેલવે ક્રોસીંગ પર રૂા.૮૯.૨૩ કરોડ, અમદાવાદ-વિરમગામ રેલવે લાઈન પર સીમ્સ ઓવરબ્રીજ રૂા.૫૯.૦૪ કરોડ, ખોખરા રેલવે ઓવરબ્રીજ માટે રૂા.૩૨.૩૯ કરોડ તથા અમદાવાદ-વિરમગામ રેલવે લાઈન પર ચેનપુરથી જગતપુરને જાેડતો રેલવે ઓવરબ્રીજ માટે રૂા.૬૬.૭૦ કરોડના ખર્ચથી કામ ચાલી રહ્યા છે. તદુપરાંત ચાંદલોડિયાથી ખોડીયાર રેલવે સ્ટેશન સુધી રૂા.૭.૯૫ કરોડના ખર્ચથી અંડરપાસનું નિર્માણ થઈ રહ્યું છે.

મ્યુનિ.કોર્પાેરેશનના બજેટમાં ૨૦ ફ્લાયઓવર માટે જાહેરાત કરવામાં આવી હતી. જે પૈકી રાજ્ય સરકાર દ્વારા રૂા.૩૩૦ કરોડના ખર્ચથી સાત ફ્લાયઓવર માટે મંજૂરી આપવામાં આવી છે. જેમાં ખારી નદી પર વિવેકાનંદ રીવરબ્રીજ (ચારલેન), વાડજ જંક્શન ફ્લાય આવેર (ચાર લેન), પલ્લવ ચાર રસ્તા ફ્લાય ઓવર (બે લેન), પ્રગતિનગર જંક્શન ફ્લાય ઓવર (બે લેન), સત્તાધાર જંક્શન (ચાર લેન), ઘોડાસર ફ્લાય ઓવર (બે લેન) તથા નરોડા પાટીયા જંક્શન ફ્લાય ઓવરનો સમાવેશ થાય છે. રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવ્યા બાદ મ્યુનિ.બ્રીજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા ઘોડાસર જંક્શન ફ્લાય ઓવર માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યા છે. જેના માટે રૂા.૭૮.૫૦ કરોડના ખર્ચનો અંદાજ મૂકવામાં આવ્યો છે.

તથા આગામી દિવસો દરમ્યાન પલ્લવ અને પ્રગતિનગર જંક્શન પર સ્પ્લીટ ફ્લાય ઓવર તથા સત્તાધાર જંક્શન પર ફ્લાય ઓવર માટે ટેન્ડર જાહેર કરવામાં આવશે. સાબરમતી નદી પર નહેરૂબ્રીજ રીેહેબીલીટેશન માટે ટેન્ડર મંજૂર થયા બાદ જૂના ઐતિહાસિક એલીસબ્રીજના રીહેબીલીટેશન માટે ટેન્ડર જાહેર થઈ શકે છે. જ્યારે આગામી દિવસોમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ખારી નદી પર વિવેકાનંદ રીવર બ્રીજ અને જગતપુર ફ્લાયઓવરના ખાતમુર્હૂત કરવામાં આવી શકે છે. અત્રે નોંધનીય છે કે મનપાના બજેટમાં જે ૨૦ ફ્લાય ઓવર માટે જાહેરાત કરવામાં આવી હતી તે પૈકી સાતને રેલવે બ્રીજનું કામ ચાલી રહ્યું છે. મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા ૨૦ ફ્લાય ઓવર માટે રૂા.૯૬૮ કરોડનો અંદાજ તૈયાર કરવામાં આવ્યો છે. જ્યારે રૂા.૧૫૨ કરોડના ખર્ચથી ૧૫ સ્થળે રેલવે ઓવરબ્રીજ અથવા અંડરપાસ માટે જાહેરાત કરી હતી જે પૈકી પાલડી જલારામ મંદિર પાસે અંડરપાસ માટેનું કામ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે સાત ફ્લાયઓવર માટે પ્રથમ વર્ષે કુલ ખર્ચના ૧૦ ટકા લેખે રૂા.૩૩.૫૦ કરોડની રકમ ફાળવી છે.

શહેરના જંક્શનો પર ફ્લાય આવેર બનાવવા માટે ૨૦૧૨માં સરવે કરાવવામાં આવ્યો હતો. જેમાં ૩૬ જંક્શનો પર ફ્લાય ઓવર બનાવવા સૂચન કરવામં આવ્યા હતા. જે પૈકી ફેઝ-૧ના કામ પૂર્ણ થઈ ગયા છે. તાજેતરમાં ફ્લાયઓવરની દિશા નક્કી કરવા માટે અમદાવાદની સંસ્થા દ્વારા સરવે કરવામાં આવ્યો હતો. જેમાં વાડજ જંક્શન પર વધુ ટ્રાફિક ભારણ હોવાની વિગતો બહાર આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.