Western Times News

Gujarati News

શહેરની પ્રાઈવેટ હોસ્પિટલોમાં હવે એક પણ કોરોના દર્દી નહીં

પ્રતિકાત્મક

અમદાવાદ: ૧૮ અને ૧૯ જુલાઈના રોજ શહેરમાં એક જ કોરોના દર્દી હોસ્પિટલમાં હતા જેઓ ઓક્સિજન સપ્લાય પર હતા, પરંતુ સોમવારના રોજ આ દર્દી પણ સ્વસ્થ થઈ જતા ડિસ્ચાર્જ આપવામાં આવતાં શહેરની ૭૦થી વધુ પ્રાઈવેટ હોસ્પિટલોમાં ઉપલબ્દ કુલ ૩૪૭૩ કોવિડ બેડનો મોર્નિંગ રિપોર્ટમાં સામે આવ્યું છે કે હવે હોસ્પિટલોમાં કોરોનાના એક પણ દર્દી નથી. હવે આ રિપોર્ટ કેમ આટલો ખુશ કરનારો છે તેને સમજવું હોય તો આપણે બે-ત્રણ મહિના પહેલાના રિપોર્ટ પર નજર કરવી જાેઈએ અને તેના આંકડા જાેવા જાેઈએ. અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશનના રિપોર્ટ મુજબ માર્ચના મધ્યથી મેના મધ્યભાગ સુધી ત્યારે તૈયાર કરવામાં આવેલા ૫૬૦૨ કોરોના બેડ પૈકી ૮૦ ટકા બેડ ભરાયેલા રહેતા હતા. જ્યારે આઈસીયુ અને વેન્ટિલેટર બેડ તો મોટાભાગે ૯૫ ટકાથી વધુ ભરાયેલા રહેતા હતા.

મે મહિનાના મધ્યભાગ પછીથી કોવિડ કેસોની સંખ્યા ઘટવાનું શરૂ થયું અને દૈનિક નવા કેસ પાછલા ૩૦ દિવસમાં ૨૦૦ કરતા આગળ વધી શક્યા નથી. જેથી, હોસ્પિટલોમાં બેડ ઓક્યુપન્સીમાં પણ ઘટાડો નોંધાયો છે. ૐદ્ગછના પ્રમુખ ડો.ભરત ગઢવીએ જણાવ્યું હતું કે ”એપ્રિલ ૨૦૨૦માં શહેર સ્થિત બે ખાનગી હોસ્પિટલોને કોવિડ દર્દીઓ દાખલ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. ત્યારથી બેડ ઓક્યુપન્સી અગાઉ ક્યારેય શૂન્યને સ્પર્શી નહોતી. આમ, આ દિવસ તે ખરેખર શૂન્ય દિવસ છે.” તકનીકી દ્રષ્ટિએ આ બરાબર હોઈ શકે,

પરંતુ ‘કોવિડ દર્દીઓ’ ની સંખ્યા ઝીરો થઈ નથી એમ નિષ્ણાતોએ સ્પષ્ટ કર્યું હતું. “સૈદ્ધાંતિક રીતે સંક્રમણ થયા પછી વ્યક્તિ લગભગ બે અઠવાડિયા સુધી પોઝિટિવ રહે છે. પછીથી, વાયરલ લોડ ઓછો થાય છે અને આરટી-પીસીઆર પરીક્ષણ નેગેટિવ આવે છે. પરંતુ દર્દીને કોવિડની અસરને કારણે અન્ય સ્વાસ્થ્ય સંબંધીત મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે અને આવી સ્થિતિમાં વધુ કાળજી લેવાની જરૂર છે.

આવા દર્દીઓની સંખ્યા સેંકડોમાં હોઈ શકે, એમ શહેર સ્થિત એક હોસ્પિટલના ડિરેક્ટરએ જણાવ્યું હતું.રાજ્યની સૌથી મોટી કોરોના કેર હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ છે જ્યાં સૌથી મોટી કોવિડ કેર સુવિધા આપવામાં આવી છે. જેમાં પણ મંગળવારના ડેટા મુજબ ફક્ત ૧૬ જ કોરોના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડો.જે.પી. મોદીએ જણાવ્યું હતું કે, અમારા માટે શૂન્ય દિવસ ૧૬ જુલાઇનો હતો જ્યારે મહામારી દરમિયાન પહેલીવાર કોવિડ ઓપીડી કે ટ્રાઇએજ એરિયામાં એક પણ કેસ જાેવા મળ્યો ન હતો. ”સોમવારે અમે ત્રણ નવા દર્દીઓ દાખલ કર્યા. આ સંખ્યા ખૂબ પ્રોત્સાહક છે અને અમને યાદ અપાવે છે કે આપણે હજુ પણ જરાય ઢીલાશ મુકવાની જરુર નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.