શહેરની પ૧૦૦ હોટેલ- રેસ્ટોરન્ટનો રૂા.૪ર કરોડનો મિલકત વેરો માફ થશે
પાર્ટી પ્લોટ સહિત તમામ વેપાર ઉદ્યોગોનો મિલકત વેરો માફ કરવા માંગણી
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: કોરોના અને લોકડાઉનના કારણે વેપાર-ધંધા ભાંગી પડયા છે. રાજય સરકારે ર૦ર૦માં આત્મનિર્ભર યોજના અંતર્ગત કોમર્શીયલ મિલ્કતધારકોને ર૦ ટકા રીબેટ આપ્યુ હતુ જેના કારણે નાના વેપારીઓને ઘણી રાહત થઈ હતી અમદાવાદ શહેરમાં જ સદર યોજનામાં રૂા.૮પ કરોડનું વળતર આપવામાં આવી રહયુ છે. ર૦ર૧ની પરિસ્થિતિ ર૦ર૦ કરતા ઘણી જ કપરી છે જેના કારણે વિવિધ વેપારી અને ઔદ્યોગિક એશોસીએશનો દ્વારા રાહતની માંગણી થઈ રહી છે. લોકડાઉન અને કોરોનાના કારણે ટુરીઝમ ઉદ્યોગ પણ ઠપ્પ થઈ ગયો છે
તેથી રાજય સરકારે હોટેલ, કલબ, વોટરપાર્ક વગેરેને એક વર્ષ માટે પ્રોપર્ટી ટેક્ષ અને વીજ બીલના ફીક્સમાંથી માફી આપી છે. રાજય સરકારની જાહેરાતના પગલે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રૂા.૪૦ કરોડ કરતા વધુ રકમ રાહત આપવામાં આવશે. કોંગ્રેસ પક્ષ દ્વારા દરેક એશોસીએશનને અલગ-અલગ રાહત આપવાના બદલે પાછલા વર્ષની માફક તમામ માટે વળતર યોજના જાહેર કરવાની માંગણી કરવામાં આવી છે.
રાજય સરકાર તરફથી કલબ, હોટેલ, વોટરપાર્ક અને રેસ્ટોરન્ટ માટે પ્રોપર્ટીટેક્ષ અને વીજબીલમાં માફીની યોજના જાહેર કરવામાં આવી છે. અમદાવાદ શહેરની લગભગ પ૧૦૦ હોટેલ, કલબ, રેસ્ટોરન્ટને પ્રોપર્ટી ટેક્ષમાંથી રાહત મળશે. રાજય સરકારની જાહેરાતના પગલે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રૂા.૪ર કરોડની રાહત આપવામાં આવશે. અગાઉ ૪૦ ચો.મી. થી નાની ૬.૪૦ લાખ મિલ્કતો માટે પણ પ્રોપર્ટી ટેક્ષ માફી જાહેર કરવામાં આવી હતી જેમાં પણ રૂા.૪પ કરોડની રાહત આપવામાં આવી છે.
રાજય સરકારની જાહેરાત બાદ પાર્ટી પ્લોટ અને ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા પણ રાહત પેકેજની માંગણી કરવામાં આવી છે. કોરોનાના કારણે છેલ્લા દોઢ વર્ષથી લગ્ન પ્રસંગો પર છુટછાટ આપવામાં આવી નથી તેવા સંજાેગોમાં પાર્ટી પ્લોટ અને ડેકોરેશન સાથે સંકળાયેલા લોકોની પરિસ્થિતી વિકટ બની છે તેથી પાર્ટી પ્લોટને પણ પ્રોપર્ટી ટેક્ષમાંથી રાહત મળે તે માટે રજુઆતો થઈ રહી છે.
મ્યુનિ. કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા સુરેન્દ્રભાઈ બક્ષીએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે છેલ્લા દોઢ વર્ષથી તમામ વેપાર ધંધા ઠપ છે તેમાં પણ નાના વેપારીઓની હાલત ખુબ જ ખરાબ થઈ ગઈ છે તેથી રાજય સરકારે માત્ર એકાદ બે ઉદ્યોગોને રાહત આપવાના બદલે તમામ વેપારીઓ અને ઉદ્યોગોને મિલ્કતવેરામાંથી એક વર્ષ માટે રાહત આપવી જાેઈએ તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.