શહેરની શાન સમા ટાઉન હોલનો સ્લેબ તૂટી પડ્યો
અમદાવાદ: શહેરની શાન સમા એલીસબ્રીજ સ્થિત શેઠ મંગળદાસ ટાઉન હોલને સજાવવા માટે બે વર્ષ પહેલાં જ લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હતો. એવામાં ગઈકાલની રાત્રે ટાઉન હોલની છતની બાજુનો સ્લેબ તૂટ્યો હતો. જાે કે રાત્રિનાં કારણે કોઇ હાજર ના હોવાંથી કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે, બે વર્ષ પહેલાં જ આ હોલ પાછળ લાખો રૂપિયા ખર્ચવા છતાં તે દયનીય હાલતમાં મૂકાયો છે.
અમદાવાદ શહેરની શાન ગણાતાં શેઠ મંગળદાસ ટાઉન હોલ ઉપરાંત પાલડીનાં રવિન્દ્રનાથ ટાગોર હોલ સહિત છ હોલ છે. આ હોલમાં સૌથી મોટો બોડકદેવ વિસ્તારમાં આવેલા પંડિત દિનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ છે. જયારે ટાઉન હોલ અને ટાગોર હોલમાં ૬૬૯ સીટોની સંખ્યા છે. આ ઉપરાંત સરસપુર, સીટીએમ તથા નિકોલમાં હોલ ઊભા કરાયાં છે. આ સિવાય મ્યુનિ. પાર્ટી પ્લોટ, સ્ટેડિયમ થિએટર તેમજ પીકનીક હાઉસ અને બેન્કવેટ, કોન્ફરન્સથી માંડીને એક્ઝિબિશન હોલ ઊભા કરાયા છે. વસ્ત્રાપુરમાં ઓપન એર થિએટર તેમજ એમ્ફી થિએટર આવેલું છે. ૬૭ જેટલાં જુદા-જુદા પ્રકારનાં હોલ, પાર્ટી પ્લોટ તેમજ પીકનીક હાઉસ વગેરે ધરાવતી કોર્પોરેશન દ્વારા દર વર્ષે મરામત અને માવજત પાછળ લાખો રૂપિયા ખર્ચ કરે છે. તેની સામે આવક પણ થાય છે.
શહેરની શાન સમા શેઠ મંગળદાસ ટાઉન હોલ જાણીતા નાટકો અને કોલેજનાં કલ્ચરલ કાર્યક્રમો માટે ખૂબ જાણીતો છે. આ હોલમાં ગઈકાલની રાત્રિએ છતનો કેટલોક ભાગ તૂટયો હતો. આ અંગેની જાણ થતાં જ ફાયર બ્રિગ્રેડનાં સ્ટાફે સવારે હોલ પર પહોંચીને તાબડતોબ વિસ્તારને કોર્ડન કરીને કાટમાળ ખસેડી લીધો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.