અમદાવાદમાં એક્ટિવ પેશન્ટ ઘટ્યા છતાં હોસ્પિટલો હાઉસફુલ
અમદાવાદ ( દેવેન્દ્ર શાહ) : શહેરમાં કોરોના નો કહેર વધી રહ્યો છે તેમજ છેલ્લા બે -ત્રણ દિવસથી રોજ 300 કરતા વધુ પોઝિટિવ કેસ જાહેર થઈ રહયા છે. પરંતુ બીજી તરફ ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે જેના કારણે એક્ટિવ કેસ ની સંખ્યામાં સતત ઘટાડો પણ જોવા મળી રહયો છે. અમદાવાદ મ્યુનિસિપલ માં છેલ્લા એક મહિનાથી પોઝિટિવ કેસ, ડિસ્ચાર્જ વગેરે ની આંકડાકીય સરખામણી માટે 5મી મે ને બેઝ બનાવવામાં આવ્યો છે.
આ રીતે પૂર્વ મ્યુનિ. કમિશનર અને વર્તમાન કોરોના ટીમ ની કામગીરીની સરખામણી થઈ રહી છે. શહેરમાં અનલોક 1 બાદ કેસ ની સંખ્યા વધી હોવાના કારણો દર્શાવી સરકારી અને ખાનગી હોસ્પિટલમાં માં હાઉસફુલ ના બોર્ડ લાગ્યા હોય તેવો માહોલ પેદા ઉભો થયો છે કે કરવામાં આવ્યો છે? તે બાબત ચર્ચા નો વિષય બન્યો છે. આ સંજોગોમાં વર્તમાન ટીમે સ્વંય નક્કી કરેલ 5 મી મે ને જ બેઝલાઈન બનાવી હાલ ની અને એક મહિના પહેલા ની પરિસ્થિતિ ની સરખામણી કરવી જરૂરી બની છે.
અમદાવાદ શહેરના પૂર્વ કમિશનર ના કાર્યકાળ દરમ્યાન ત્રીજી મે એ 3009 એક્ટિવ પેશન્ટ હતા.જયારે 4 મે એ 3180, 5 મે એ 3398 એક્ટિવ કેસ હતા. 5 મે ને બેઝલાઈન માનવામાં આવે તો તે દિવસે એસ.વી.પી.માં 530 તેમજ સિવિલમાં 750 દર્દીઓ સારવાર હેઠળ હતા. આ ઉપરાંત સોલા સિવિલ અને લોખંડવાળા માં પણ દર્દીઓને રાખવામાં આવ્યા હતા. જયારે ત્રણ ખાનગી હોસ્પિટલ અમીર દર્દીઓ માટે નક્કી કરવામાં આવી હતી. કેમ કે, આ હોસ્પિટલોમા સારવાર નો ખર્ચ આઠ થી દસ લાખ થાય છે. તદુપરાંત, સમરસ, હજ હાઉસ, લેમન ટ્રી સહિત છ સ્થળે કોવીડ સેન્ટર તૈયાર કરવામાં આવ્યા હતા.
આમ, 3 મે મુજબ એસ.વી.પી.ના 1000 તેમજ સિવિલ ના 1200 બેડ મુખ્ય હતા. જ્યારે સોલા સિવિલ કે અન્ય ખાનગી હોસ્પિટલ ના વધુમાં વધુ 500 બેડ ની ક્ષમતા ગણવામાં આવે તો દર્દીઓને સારવાર માટે 2700 થી 3000 બેડ હતા.જેના 10 ટકા લેખે ગણતરી કરવામાં આવે તો 300 બેડ પર વેન્ટીલેટર ની સુવિધાઓ મળી શકે તેમ માની શકાય. જયારે છ કોવીડ સેન્ટરો માં એક હજાર દર્દીઓને રાખવામાં આવે તેવો અંદાજ હતો.
આમ, પૂર્વ કમિશનર ના કાર્યકાળ દરમ્યાન 4 હજાર દર્દીઓને સારવાર મળી શકે તેવી સુવિધાઓ હતી. તે સમયે દર્દીઓને જૂની ગાઈડલાઈન મુજબ ડિસ્ચાર્જ કરવામાં આવતા હતા.પૂર્વ કમિશનર ના કાર્યકાળ ના અંતિમ દિવસો ની સામે વર્તમાન ટીમ ના સમયમાં હોસ્પિટલ, કોવીડ સેન્ટરો, ઉપલબ્ધ બેડ વગેરે બાબતો પર દૃષ્ટિપાત કરવો જરૂરી છે.
અમદાવાદમાં હાલ કોરોના દર્દીઓને નવી ગાઈડલાઈન મુજબ ડિસ્ચાર્જ કરવામાં આવી રહયા છે. જેના પરિણામે છેલ્લા 15 દિવસમાં ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો અને એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. શહેરમાં બીજી જૂને 3528 એક્ટિવ કેસ હતા. જયારે છેલ્લા ચાર દિવસ દરમ્યાન 8 જૂને 2905, 9 જૂને 2993 , 10 જૂને 3049 અને 11 જૂને 3091 એક્ટિવ પેશન્ટ હતા.આ અરસા માં એસ.વી.પી. , સીવીલ મેઘાણીનગર, સોલા સિવિલ, યુ એન.મેહતા, કિડની હોસ્પિટલ સહિત સાત સરકારી હોસ્પિટલ માં દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.
જ્યારે સમરસ, તાપી અને ચેપીરોગ હોસ્પિટલમાં સરકારી કોવીડ સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે. સરકારી હોસ્પિટલો પૈકી એસ.વી.પી. માં એક હજાર અને સિવિલ માં 1200 બેડ છે. જ્યારે અન્ય પાંચ હોસ્પિટલ ના મળી 800 બેડ ગણવામાં આવે તો સાત સરકારી હોસ્પિટલમાં અંદાજે બે હજાર દર્દીઓનો સમાવેશ થઈ શકે તેમ છે. જ્યારે સમરસ કોવીડ સહિત ત્રણ સરકારી કોવીડ સેન્ટરો ની ક્ષમતા પણ 1000 ની છે .
આમ, સરકારી હોસ્પિટલ અને કોવીડ સેન્ટરમાં ત્રણ હજાર દર્દીઓને રાખી શકાય તેમ છે. જ્યારે તંત્ર ઘ્વારા 50 ખાનગી હોસ્પિટલો સાથે કરાર કરવામાં આવ્યા છે. જેમાં શહેર ની શ્રેષ્ઠ કહી શકાય તેવી સ્ટર્લિંગ, સેલબી, બોડીલાઈન, જીવરાજ મહેતા, સંજીવની, સાલ, એચ,.સી.જી, બોપલ ટ્રોમાં સેન્ટર, સીમ્સ, સ્ટાર હોસ્પિટલ, એસ.એમ.એસ, સેવીયોર જેવી હોસ્પિટલ નો સમાવેશ થાય છે. આ તમામ હોસ્પિટલ દેશ વિદેશમાં પ્રખ્યાત છે તેમજ તમામ પ્રકારના સાધનો ઉપલબ્ધ છે. આ 50 ખાનગી હોસ્પિટલમાં લગભગ ચાર હજાર બેડ ની સુવિધા છે. જે પૈકી માત્ર 10 ટકા બેડ પર વેન્ટિલેટર કે ઓક્સિજન ની સુવિધા હોય તો પણ 400 બેડ પર દર્દીઓને વેન્ટિલેટર કે ઓક્સિજન ની સગવડ મળી શકે તેમ છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન માં કોરોના માટે નિયુક્ત સરકારી અધિકારીઓએ 50 ખાનગી હોસ્પિટલ ની સાથે 16 કરતા વધુ ખાનગી કોવીડ સેન્ટર પણ તૈયાર કરાવ્યા છે. જેમાં લોખંડવાળા હોસ્પિટલ, હજ હાઉસ, હોટેલ લેમન ટ્રી, પૃથ્વી હોટેલ, સિફ હોસ્પિટલ વગેરે નો સમાવેશ થાય છે. ખાનગી કોવીડ સેન્ટરમાં ઓછા માં ઓછા 300 દર્દીઓને રાખવાની સુવિધાઓ હશે તેવું માની શકાય તેમ છે.
આમ, સાત સરકારી હોસ્પિટલમાં 2000 તેમજ 50 ખાનગી હોસ્પિટલમાં 4000 બેડ નો અંદાજ મૂકવામાં આવે તો પણ દર્દીઓને સારવાર માટે 6000 બેડ ઉપલબ્ધ થઈ શકે છે. જેના 10 ટકા લેખે ગણતરી મૂકવામાં આવે તો 600 બેડ પર દર્દીઓને વેન્ટિલેટર તેમજ અન્ય ઇમરજન્સી સુવિધાઓ મળવી જોઈએ.શહેરમાં 5 મી મે એ 3398 એક્ટિવ પેશન્ટ સામે 11 જૂને 3091 એક્ટિવ પેશન્ટ છે. આમ, બેઝલાઈન કરતા એક્ટિવ પેશન્ટ ની સંખ્યામાં ઘટાડો થયો છે. તેની નોંધ લેવી જરુરી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા જાહેર કરવામાં આવતા આંકડા મુજબ રોજ 60 થી 65 દર્દીઓ જ વેન્ટીલેટર પર હોય છે. તો પછી ખાનગી હોસ્પિટલ વેન્ટિલેટર કે અન્ય સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાના કારણો આપી દર્દીઓને શા માટે દાખલ કરતી નથી? શુ સામાન્ય દિવસોમાં આ હોસ્પિટલ વાળા તેમના દર્દીઓને આવા કારણો આપી પરત મોકલે છે? ઓક્સિજન લેવલ 95 થી ઓછું હોય તો “નો એડમિશન” ની નીતિ જીવરાજ મહેતા જેવી હોસ્પિટલ અપનાવી રહી છે.
સામાન્ય દિવસો માં આ જ નિયમ નો અમલ થાય છે? આ તમામ સવાલ ના જવાબ પૂછવાની જવાબદારી સરકાર ઘ્વારા નિયુક્તિ અધિકારીઓની છે. પરંતુ અગમ્ય કારણોસર ખાનગી હોસ્પિટલવાળાઓને છાવરવામાં આવી રહયા હોય તેવા આક્ષેપો પણ થઈ રહ્યા છે. શહેર માં છ હજાર બેડ હોવા છતાં દર્દીઓને અન્ય શહેર માં મોકલવાની વાતો પણ વહેતી થઈ છે. જો આ બાબત સાચી હોય તો સ્માર્ટસિટી ના શાસકો અને વહીવટીતંત્ર માટે અત્યંત શરમજનક બાબત હોઈ શકે છે.