શહેરમાં કોરોનાના એક્ટિવ કેસ સામે ૧૫૨ બેડ ખાલી
અમદાવાદ: હંફાવતા કોરોનાના કારણે ઓક્સિજનનો ગણતરીની મિનિટોમાં ભરાઈ રહી છે, આવામાં અમદાવાદમાં સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ માત્ર ૧૫૨ બેડ જ ઉપલબ્ધ છે જ્યાં ઓક્સિજનની સુવિધા મળી રહી છે. શહેરની મોટાભાગની હોસ્પિટલો હાઉસ ફૂલ થઈ ગઈ છે. કોર્પોરેશન દ્વારા ચાલતા ૩૭ બેડ, ખાનગી હોસ્પિટલના ૨૮ બેડ, સોલા અને અસારવા સિવિલના ૩૬ બેડ અને નર્સિંગ હોમ્સમાં ૫૧ બેડ ખાલી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
એક તરફ કોરોનાના નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ શહેરમાં આવેલા ૧૫,૦૦૦ બેડમાંથી મોટાભાગના ફૂલ થઈ ગયા છે. રાજ્ય સરકારના આંકડા પ્રમાણે અમદાવાદમાં કુલ ૫૬,૦૭૬ એક્ટિવ કેસ છે, જેમાંથી ૪૯,૫૨૧ દર્દીઓ કોરન્ટાઈન છે. મંગળવારે કોરોનાના કારણે વધુ ૨૬ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. ૨૪ કલાકમાં અમદાવાદમાં ૨,૦૦૩ દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો ૯૦,૭૮૯ પર પહોંચ્યો છે. રાજ્યના એડિશનલ ચીફ સેક્રેટરી ડૉ. રાજીવ કુમાર ગુપ્તા જણાવે છે
કોર્પોરેશન પાસે ૧૬૮ ડેઝિગ્નેટેડ હોસ્પિટલો, ૧૮૦ નર્સિંગ હોમ અને હોસ્પિટલ કોવિડ દર્દીઓની સારવાર માટે ઉપલબ્ધ છે. આ સિવાય કોરોનાના દર્દીઓની સારવાર માટે હોસ્ટેલ, હોટલ અને સામાજિક વાડીઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પહેલા માર્ચમાં માત્ર ૭૫૦૦ બેડ જ ઉપલબ્ધ હતા. ઝડપથી દોઢ મહિનાની અંદર નવી સુવિધા ઉભી કરવામાં આવી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
આમ છતાં કોરોનાના સતત કેસ વધવાના કારણે દર્દીઓ વલખા મારી રહ્યા છે. એવું પણ કહેવાય છે કે, માત્ર અમદાવાદના જ નહીં પરંતુ અમદાવાદ બહારથી પણ દર્દીઓ અમદાવાદમાં સારવાર લેવા માટે આવતા હોવાના કારણે મોટાભાગની હોસ્પિટલો ફૂલ થઈ ગઈ છે. શહેરમાં માત્ર સરકારી જ નહીં પરંતુ ખાનગી હોસ્પિટલો પણ દર્દીઓથી ઉભરાઈ રહી છે. બીજી તરફ કોરોનાની મહામારીને જાેતા ઓક્સિજનની અછત પણ મોટી સમસ્યા બની રહી છે.