શહેરમાં કોરોનાના કુલ કેસના ૩૦ ટકા કેસ એપ્રિલમાં નોંધાયા
માર્ચ- ર૦ર૦થી ૧૮-૨૦૨૧ એપ્રિલ સુધી કુલ-૯૭૮૪૦ કેસ કન્ફર્મ થયા: એપ્રિલમાં ર૯૮૦૪ કેસ નોંધાયા
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણમાં ચિંતાજનક હદે વધારો થયો છે તેમજ અગાઉ જેટલા કેસ એક મહીનામાં કન્ફર્મ થતા હતા તેટલા કેસ એક દિવસમાં બહાર આવી રહયા છે. જેના કારણે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બેડ ફુલ થઈ ગયા છે. દર્દીઓ સારવાર માટે વલખા મારી રહયા છે અને સારવારના અભાવે કેટલાક દર્દીઓના કરૂણ મૃત્યુ પણ થયા છે. શહેરમાં કોરોનાની ભયાનકતાનો એ બાબત પરથી અંદાજ આવી શકે છે કે છેલ્લા એક વર્ષમાં કોરોનાના જેટલા કેસ નોંધાયા છે તેના ૩૦ ટકા એટલે કે લગભગ ત્રીજા ભાગના કેસ એપ્રિલમાં કન્ફર્મ થયા છે તેમજ છેલ્લા ૦૬ મહીનામાં નોધાયેલા કુલ કેસ જેટલા કેસ માત્ર એપ્રિલમાં જ કન્ફર્મ થઈ રહયા છે.
અમદાવાદ શહેરમાં માર્ચ- ર૦ર૦માં કોરોનાનો પ્રથમ કેસ કન્ફર્મ થયો હતો માર્ચ ર૦ર૦થી ૧૮ એપ્રિલ ર૦ર૧ સુધી શહેરમાં કોરોનાના ૯૭૪૮૭ કેસ અને રપપ૭ મૃત્યુ નોધાયા છે. શહેરમાં હાલ ર૦પ૬ર એકટીવ દર્દી છે એક્ટીવ દર્દીની સંખ્યમાં માત્ર સાત દિવસમાં લગભગ ચાર ગણો વધારો થયો છે. ૧૧ એપ્રિલે એકટીવ કેસની સંખ્યા પ૭૦પ હતી જે હાલ ર૦ હજાર કરતા વધારે છે.
જેનું મુખ્ય કારણ કેસમાં થઈ રહેલો વધારો છે. શહેરમાં છેલ્લા એક વર્ષમાં જેટલા કેસ નોંધાયા છે તેના ૩૩ ટકા મતલબ કે ત્રીજાભાગના કેસ એપ્રિલમાં કન્ફર્મ થયા છે. શેહરમાં કોરોનાના કુલ ૯૭૪૮૭ કેસ નોંધાયા છે જે પૈકી એપ્રિલના પ્રથમ ૧૮ દિવસમાં ર૯૮૦૪ કેસ કન્ફર્મ થયા છે શહેરમાં માર્ચ- ર૦ર૦થી ૧૮ એપ્રિલ- ર૦ર૧ સુધી નોંધાયેલા કુલ કેસના લગભગ ૩૩ ટકા કેસ એપ્રિલમાં કન્ફર્મ થયા છે આ આંકડા ચિંતાજનક અને ચોંકાવનારા છે. શહેરમાં કોરોનાની ત્રીજી લહેર છે પ્રથમ લહેર મે અને જુન મહીનામાં આવી હતી તે સમયે કોરોનાના કુલ ૧૭૮૩૧ કેસ અને ૧ર૯૦ મૃત્યુ નોધાયા હતા કોરોનાની બીજી લહેર દિવાળી સમયે આવી હતી
નવેમ્બર અને ડીસેમ્બર મહીનામાં બીજી લહેર સમયે કોરોનાના કુલ ૧૪૧૮૦ કેસ નોધાયા હતા ત્રીજી લહેર હાલ ચાલી રહી છે જેમાં છેલ્લા ૧૮ દિવસમાં જ ર૯૮૦૪ કેસ નોંધાયા છે. ચોંકાવનારી બાબત એ છે કે ૧ એપ્રિલે કોરોનાના ૬૧૩ કેસ નોંધાયા હતા જેની સામે ૧૮ એપ્રિલે ૩૬૪૧ કેસ નોંધાયા છે આમ માત્ર ૧૭ દિવસમાં જ દૈનિક કેસમાં પાંચ ગણો વધારો થયો છે.
શહેરમાં કોરોનાની ત્રીજી લહેર ૧પ માર્ચથી શરૂ થઈ છે મહાનગરપાલિકા ચૂંટણી અને ક્રિકેટ મેચના કારણે કોરોના સંક્રમણમાં વધારો થયો હોવાનું માનવામાં આવી રહયુ છે હાલ જે રીતે કેસ વધી રહયા છે તેને કાબુમાં લેવા જરૂરી છે જેના માટે સરકાર તરફથી તમામ કાર્યવાહી થઈ રહી છે સાથે સાથે નાગરીકો પણ સહકાર આપે તે આવશ્યક છે.