શહેરમાં કોરોનાની ગતિ ઘટી, કેસોની સંખ્યા લગભગ સ્થિર
અમદાવાદ: દિવાળીના તહેવારો બાદ કોરોનાના સંક્રમણને કારણે પોઝિટિવ કેસો અને મૃત્યુઆંકમાં અચાનક આવેલો ઉછાળો હવે શાંત પડ્યો હોય તેમ લાગી રહ્યું છે અને પોઝિટિવ કેસની સંખ્યા વધવાને બદલે સ્થિર થઈ રહી છે. શહેરમાં કોરોનાના કેસ વધવા માટે દિવાળીના તહેવારોની ભીડ અને ઠંડીની મોસમને કારણભૂત ગણવામાં આવી રહી છે. પરંતુ ખરેખર કોરોના ફરી ક્યાંથી ફેલાયો તે રહસ્ય અકબંધ છે.
તહેવારો સમયથી જ કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં ધડાધડ વધારો થતાં શહેરીજનોમાં ઘણા લાંબા સમય બાદ ભય જાેવા મળ્યો હતો. જાે કે, હવે સંક્રમણની ગતિ ઘટતા રાહત અનુભવાઈ રહી છે. કોરોનાના દર્દીની સારવાર માટે સંપાદિત કરાયેલી ખાનગી હોસ્પિટલોની સંખ્યા ૧૦૧ જેટલી થવા પામી છે અને કુલ બેડની સંખ્યા પણ વધીને ૩૨૯૨ થઈ ગઈ છે તેની સામે કોરોના દર્દીની સંખ્યા ઘટીને ૨૬૧૦ જેટલી નોંધાઈ છે. એટલું જ નહિં, ખાનગી હોસ્પિટલો દ્વારા સંચાલિક કોવિડ કેસ સેન્ટરમાં પણ દર્દીઓની સંખ્યા ઘટીને ૭૭ થઈ ગઈ છે.
જાે કે, ખાનગી હોસ્પિચલોમાં હજુ પણ ૨૦૩ જેટલા દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે. શુક્રવારે અમદાવાદમાં કોરોના વાયરસના નવા ૩૨૨ કેસ નોંધાયા છે જ્યારે બીજી બાજુ ૩૩૮ દર્દીઓ સાજા થઈને પરત ફર્યા છે. સુરતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૨૪૯ કેસ નોંધાયા છે
જ્યારે બીજી બાજુ ૨૭૩ દર્દીઓ સાજા થઈને પરત ફર્યા છે. વડોદરામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૭૪ કેસ નોંધાયા છે જ્યારે બીજી બાજુ ૧૩૯ દર્દીઓ સાજા થઈને પરત ફર્યા છે. રાજકોટમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૪૩ કેસ નોંધાયા છે જ્યારે બીજી બાજુ ૧૨૮ દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.