Western Times News

Gujarati News

શહેરમાં ચીકનગુનીયાના કેસમાં ત્રણ ગણો વધારોઃ મચ્છર બ્રીડીંગ રોકવા તંત્રની ઝુંબેશ

ગોતા, બોડકદેવ, ચાંદલોડિયા વિસ્તારમાં ડેન્ગયુના કેસમાં વધારો: દર્દીઓના ઘરે થી જ મચ્છર બ્રીડીંગ મળી આવ્યા

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરમાં ચોમાસાના આગમન સાથે જ પરંપરાગત મચ્છર અને પાણીજન્ય રોગચાળાએ માથુ ઉચકયુ છે. શહેરમાં ડેન્ગ્યુ, ચીકનગુનીઆ, કમળો અને કોલેરા જેવા જીવલેણ રોગચાળાના કેસમાં ચિંતાજનક હદે વધારો થયો છે. મચ્છરજન્ય રોગચાળાના નિયંત્રણમાં લેવા માટે દવા છંટકાવ અને ફોગીંગ કરવા માટે ભાજપના કોર્પોરેટરો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે. શહેરમાં ડેન્ગ્યુ અને ચીકનગુનીયાના કેસ ચિતાજનક હદે વધી રહયા છે જયારે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ચીનગુનીયાના કેસમાં ત્રણ ગણો વધારો થયો છે. રોગચાળાની ગંભીરતાને ધ્યાનમાં લઈ આરોગ્ય વિભાગે મેલેરીયા કર્મીઓની સાપ્તાહિક રજાઓ રદ કરી છે તેમજ મચ્છરના બ્રીડીંગ શોધવા ખાસ ઝુંબેશ શરૂ કરી છે જે અંતર્ગત ગુરૂવારે પ૧૧ કન્સ્ટ્રકશન સાઈટો પર તપાસ કરી હતી જયારે પ૭ કોમર્શીયલ એકમોમાં મચ્છરના બ્રીડીંગ મળી આવતા દંડ વસુલ કરવામાં આવ્યો છે.

વૈશ્વિક મહામારી કોરોનાના કેસમાં ઘટાડો થયો છે પરંતુ તેની સામે મચ્છરજન્ય રોગચાળો બેકાબુ બની રહયો છે. મ્યુનિ. આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યા મુજબ શહેરમાં છેલ્લા એક સપ્તાહ દરમ્યાન સાદા મેલેરીયાના ૬૦, ડેન્ગયુના ૬૪ તેમજ ચીકનગુનીઆના ૪૭ નવા કેસ કન્ફર્મ થયા છે. જયારે ૧ એપ્રિલ ર૦ર૧થી ૧૪ ઓગસ્ટ ર૦ર૧ સુધી સાદા મેલેરીયાના ર૭૮, ઝેરી મેલેરીયાના ૧પ, ડેન્ગયુના ર૩૬ તેમજ ચીકનગુનીઆના રર૯ કેસ નોંધાયા છે જેની સામે ર૦ર૦માં આ જ સમયગાળા દરમ્યાન સાદા મેલેરીયાના ૩૧૦, ઝેરી મેલેરીયાના ૧૭, ડેન્ગ્યુના ર૦પ તેમજ ચીકનગુનીઆના ૭૧ કેસ નોંધાયા હતા.

આમ, ર૦ર૦ની સરખામણીેએ ર૦ર૧માં મેલેરીયાના કેસની સંખ્યા સ્થિર રહી છે જયારે ડેન્ગયુ અને ચીકનગુનીયાના કેસમાં ચિંતાજનક હદે વધારો થાય છે. ખાસ કરીને પાછલા વર્ષની તુલનામાં ચાલુ વરસે ચીકનગુનીયાના કેસમાં ત્રણ ગણો વધારો થયો છે. ડેન્ગ્યુ અને ચીકનગુનીયાના કેસમાં થઈ રહેલા વધારાના કારણે તંત્ર દોડતુ થયુ છે તેમજ મચ્છર બ્રીડીંગને નિયત્રણમાં લેવા માટે ઝુંબેશ શરૂ કરી છે, મ્યુનિ. મેલેરીયા વિભાગ દ્વારા ૧ ઓગસ્ટથી ૧૪ ઓગસ્ટ સુધી ડેન્ગયુના દર્દીઓના ઘરે સરવે કરવામાં આવતા દર્દીઓના ઘરેથી જ મચ્છર બ્રીડીંગ મળી આવ્યા છે જમાં ગોતા વોર્ડમાં સેકટર-પ, ચાણક્યપુરી, ગોતા વોર્ડમાં ભાગ્યોદય ચોક, ચાંદલોડીયામાં નિરાંતનગર સોસાયટી, થલતેજ વોર્ડમાં શ્રી રામ એપાર્ટમેન્ટ ગુરૂકુલ, સરખેજમાં અલહબીબ ફલેટ, દરીયાપુરમાં નવી વડવાળી પોળ, ઈન્દ્રપુરીમાં ઉદયનગર ચાલી, નરોડા વોર્ડમાં ચંદ્રલોક સોસાયટી, રાણીપમાં સરસ્વતીનગર વિભાગ-ર અને નવરંગપુરામાં રાજહંસ સોસાયટીમાં ડેન્ગયુના દર્દીઓ અને તેમના ઘરેથી મચ્છર બ્રીડીંગ મળી આવ્યા છે.

શહેરમાં મચ્છરોની ઉત્પતિ રોકવા માટે મ્યુનિ. આરોગ્ય વિભાગ દ્વારા બાંધકામ સાઈટો અને કોમર્શીયલ મિલ્કતોમાં ચકાસણી શરૂ કરવામાં આવી છે જે દરમ્યાન પ૧૧ કન્સ્ટ્રકશન સાઈટની તપાસ કરી ૩૪૮ને નોટિસ આપવામાં આવી હતી જયારે રૂા.૬.૭૦ લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. જયારે પ૭ કોમર્શીયલ મિલ્કતોમાં બ્રીડીંગ મળી આવતા પેનલ્ટી લેવામાં આવી છે. જેમાં અમરાઈવાડીમાં આસીમા ગ્રુપ, ખાડીયામાં સુમેલ બિઝનેશ પાર્ક, મણીનગરમાં વીલીયમ ઝોન પીત્ઝા, જાેધપુર વોર્ડમાં શિલ્પ ઝવેરી, ઈસનપુરમાં એપેક્ષ હોન્ડા શો રૂમ, નવરંગપુરામાં દેવનંદન મોલ, ચાંદખેડામાં નક્ષત્ર મોલ, બહેરામપુરામાં આર.વી.ડેનીમ, રાણીપમાં સાવત સ્કવેર, થલતેજમાં સિગ્નેચર કોમ્પલેક્ષમાં મચ્છર બ્રીડીંગ મળી આવ્યા છે.

અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળાની સાથે-સાથે પાણીજન્ય રોગચાળો પણ વકરી રહયો છે. ચાલુ માસમાં ૧૪ ઓગસ્ટ સુધી ઝાડા ઉલ્ટીના ૧૯૧, કમળાના ૮૬ તેમજ ટાઈફોઈડના ૧પર કેસ નોંધાયા છે જયારે ચાલુ વર્ષ દરમ્યાન ઝાડા ઉલ્ટીના ર૧૬૭, કમળાના ૬૮૭, ટાઈફોઈડના ૧૧૭૯ તેમજ કોરોનાના પ૯ કેસ નોંધાયા છે જેની સામે ર૦ર૦માં આ જ સમયગાળા દરમ્યાન ઝાડા ઉલ્ટીના ૧૬પ૮, કમળાના પ૦૪, ટાઈફોઈડના ૮૪૦ અને કોલેરાના શૂન્ય કેસ નોધાયા હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.