અમદાવાદ શહેરમાં છેતરપીંડી કરતા ગઠીયાઓ સક્રિય
(પ્રતિનિધિ) અમદાવાદ: શહેરમાં ઓનલાઈન છેતરપીંડી આચરતા શખ્સો સક્રીય થયા છે. વિવિધ બહાના કે લાલચો આપીને નાગરીકોને ફસાવતા આ શખ્સો બાદમાં તેમના રૂપિયા પડાવી લે છે. આશ્ચર્યની વાત એ છે કે આવા શખ્સોની માયાજાળમાં ઉચ્ચ શિક્ષણ પામેલા નાગરીકો પણ ભરાઈ જાય છે અને બેંક એકાઉન્ટ ખાલી થયા બાદ તેમને પોતે ઠગાઈનો ભોગ બન્યાની જાણ થાયછે. વાસણાના એક યુવાનના ખાતામાંથી ૮પ હજાર ટ્રાન્સફર થયા છે. જયારે એસવીપી હોસ્પીટલના કર્મચારીના ખાતામાંથી ર૪ હજાર ઉપડી ગયા છે જયારે ઓઢવમાં આવેલી હોસ્પીટલના ડોકટરને આર્મીના નામે ઠગવામાં આવ્યા છે.
સોલા વિસ્તારમાં રહેતા અને પોતાનો કાપડનો શો રૂમ ધરાવતા જીતેન પટેલને અજાણ્યા શખ્સે ફોન કરીને પ્રધાનમંત્રી યોજના હેઠળ શિવણનું મશીન, ૧૮૦૦ રૂપિયા તથા પ્રમાણપત્ર લાગ્યું હોવાનું કહયું હતું આ ગઠીયાએ એ માટે તેમના પરિવારની આધારકાર્ડ, બેન્ક ડિટેઈલ સહીતની માહીતી વોટસઅપમાં લઈ લીધી હતી બાદમાં જીતેનભાઈના બેંક એકાઉન્ટમાંથી રૂ.૧.૯૮ લાખ સેરવી લીધા હતા જેની ફરીયાદ તેમણે સોલામાં નોંધાવી છે.
વાસણા જી.બી.શાહ કોલેજ પાછળ રહેતા અને ગાંધીનગર ખાતે પ્રાઈવેટ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા તપનભાઈ પરીખના ખાતામાંથી અજાણ્યા શખ્સે છ જેટલા ટ્રાન્ઝેકશન દ્વારા કુલ રૂ.૮પ,૦૦૦ હજાર ઉપાડી લીધા હતા.
એસવીપી હોસ્પીટલમાં જીઆરએફ તરીકે કાર્યરત અને જમાલપુર રાયખડ પોલીસ લાઈનના રહેવાસી મનીષભાઈ સોલંકીને ગત તા.રપ જુને ટાટા સફારી ઈનામમાં જીત્યા છો તેવો ફોન આવ્યો હતો અને એ માટે અજાણ્યા શખ્સોએ તેમને ટાટા સફારી અથવા તેના બદલામાં રોકડા લેવા માટે કહયું હતું મનીષભાઈ રોકડ લેવા તૈયા થતાં સંજય શર્મા અને નિતિન સિંઘ નામના શખ્સે તેમની પાસે વિવિધ ચાર્જ હેઠળ કુલ રૂ.૩૦ હજાર ભરાવ્યા હતા બાદમાં બંનેએ ફોન ઉપાડવાનું બંધ કરતા મનીષભાઈએ હવેલી પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
ઓઢવમાં આવેલી દવાની હોસ્પીટલમાં ડો. વસંત પટેલને ફોન કરી અજાણ્યા શખ્સે પોતાની આર્મી ઓફીસર તરીકેની ઓળખ આપી હતી અને પોતાના કર્નલની બોડી પુના ખાતે લઈ જવા માટે એમ્બ્યુલન્સ ભાડે કરવા કહયું હતું ડો. પટેલે ર૩ હજાર ભાડું નકકી કરતાં અજાણ્યા શખ્સે પોતાની પાસે રીવર્સ ડેબીટ કાર્ડ હોવાનું કહી પોતાના ખાતામાં પ રૂપિયા નખાવીને તેમને ૧૦ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ રીતે વિશ્વાસમાં લીધા બાદ ડો. પટેલને ર૩ હજાર પોતાના ખાતામાં નાખે તો પોતે ૪૬ હજાર રૂપિયા નાખશે તેમ કહયું હતું ગઠીયાની વાતોમાં આવેલા ડો. પટેલે ૪૬ હજાર ટ્રાન્સફર કરતાં અજાણ્યા શખ્સે ફોન બંધ કરી દીધો હતો. આ અંગે તેમણે પોતાની ફરીયાદ નોંધાવી છે.