શહેરમાં ડીસ્ચાર્જ દર્દીઓની ટકાવારીઃ આંકડાકીય માયાજાળ
૦પ મે થી ર૧ મે સુધી કોરોના કેસ ૧૧૩ ટકા અને મરણમાં ૧ર૮ ટકા વધ્યો
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ચાલુ મહિનામાં માત્ર બે જ દિવસ રપ૦ કરતા ઓછા કેસ નોંધાયા છે. કોરોના કેસની સંખ્યા વધવાની સાથે ડીસ્ચાર્જ કરવામાં આવતા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શુક્રવારે દાવો કરવામાં આવ્યો હતો કે ંપાંચમી મે ની સરખામણીમાં રરમી મે ના રોજ ડીસ્ચાર્જ દર્દીઓની સંખ્યાની ટકાવારીમાં ૧૪૦ ટકા જેટલો નોંધપાત્ર વધારો થયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડીસ્ચાર્જ દર્દીઓ માટે કરવામાં આવેલા દાવા ૧૦૦ ટકા સાચા છે. પરંતુ તેની સામે સતત વધી રહેલા કેસ અને મરણની સંખ્યા અને તેની ટકાવારી મામલે પણ જવાબદાર અધિકારીઓ દ્વારા ચિત્ર સ્પષ્ટ કરવામાં આવે તે જરૂરી છે.
પૂર્વ મ્યુનિસિપલ કમિશ્નરે કેસના આંકડાના બદલે કેસ ડબલીંગ અને તેની ટકાવારીના ગણિત રજુ કર્યા હતા. જેના કારણે નાગરીકોમાં અસમંજસની Âસ્થતિ જાવા મળતી હતી. વર્તમાન કમિશ્નર તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓએ પાંચમી મે ને બેઝ બનાવીને ડીસ્ચાર્જ દર્દીઓની ટકાવારી જાહેર કરી છે. તેથી આ જ તારીખને બેઝ બનાવી કેસ અને મૃત્યુની ટકાવારીની ચકાસણી કરવામાં આવે તો ખુબ જ ચોંકાવનારા આંકડાઓ મળી આવે છે. પૂર્વ કોંગી નેતાએ પણ અધિકારીઓની આંકડાકીય માયાજાળ અને કેસની સંખ્યા છુપાવવા બદલ આક્રોશ વ્યક્ત કર્યો છે.
રાજ્ય સરકાર દ્વારા કોરોના માટે ખાસ નિયુક્ત કરવામાં આવેલા ઉચ્ચ અધિકારીઓએ અમદાવાદ શહેરમાં ડીસ્ચાર્જ દર્દીઓની ટકાવારીમાં ૧૪૦ ટકા વધારો થયો હોવાની શુક્રવારે જાહેરાત કરી હતી. તેમના જણાવ્યા અનુસાર પાંચમી મે એ ડીસ્ચાર્જ ટકાવારી વધીને ૩૮.૧ ટકા થઈ છે. તેથી ૦પ થી ર૧ તારીખ સુધીના સમયગાળામાં રીકવરી રેટમાં રર.રપ ટકાનો વધારો થયો છે. આમ, આ સમયગાળા દરમ્યાન ડીસ્ચાર્જ ટકાવારીમાં ૧૪૦ ટકા જેટલો અસામાન્ય વધારો થયો છે. આ જ અરસા દરમ્યાન રાજ્યમાં ૯ર ટકા અને દેશમાં ૪૩ ટકાનો વધારો થયો હોવાના દાવા કરવામાં આવ્યા છે. કોરોનાના દર્દીઓ વધુ સંખ્યામાં સાજા થાય તે સારા સંકેત છે. પરંતુ છેલ્લા આઠ-દસ દિવસ દરમ્યાન જે દર્દીઓને રજા આપવામાં આવી છે તેમાં મહત્તમ દર્દીઓને નવી ગાઈડલાઈન મુજબ ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
પૂર્વ મ્યુનિસિપલ કમિશ્નરે જે રીતે આંકડાકીય માયાજાળ બતાવવા પ્રયાસ કર્યો હતો તે જ પેટર્ન પર ડીસ્ચાર્જ દર્દીઓ માટે જાહેરાત થઈ હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાંચમી મે થી ર૧મી મે સુધી ડીસ્ચાર્જ દર્દીઓની વિગતો જાહેર કરવામાં આવી છે. પરંતુ કેસ અને મરણના આંકડા અધ્યાહાર રાખવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોેરશનના સુત્રોએ જણાવ્યા અનુસાર પાંચમી મે એ કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા ૪૩પ૮ હતી. ર૧મી મે એ દર્દીઅીની સંખ્યા વધીને ૯૩૦પ થઈ હતી. આમ, ૦પ થી ર૧ તારીખ સુધીના સમયગાળા દરમયાન ૪૯૪૭ કેસ વધ્યા છે.
જેની ટકાવારી લગભગ ૧૧૩ ટકા આસપાસ થાય છે. ડીસ્ચાર્જ દર્દીઓમાં જે મુજબ રર.રપ ટકાનો રેશિયો દર્શાવવામાં આવ્યો છે તે મુજબ ગણતરી કરવામાં આવતા ૧૧૩ ટકા કેસ નવા નોંધાયા છે. એવી જ રીતે મૃત્યુના આંકડા પર દ્રષ્ટીપાત કરવામાં આવે તો પાંચમી મે સુધી ર૬૯ મૃત્યુ નોંધાયા હતા. ર૧ મી મે એ મૃત્યુની સંખ્યા ૬૧ર થઈ હતી. આમ, ૦પ થી ર૧મી મે સુધી ૩૪૬ નવા મૃત્યુ નોંધાયા હતા. જેનો રેશિયો લગભગ ૧ર૭ ટકા આસપાસ થાય છે. જ્યારે પ મી મે એ શહેરમાં મૃત્યુદર ૬.૧૭ ટકા હતો જે ર૧મી મે એ ૬.૬૧ ટકા રહ્યો હતો.
મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા સુરેન્દ્રભાઈ બક્ષીએ આ અંગે તીવ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે તંત્ર દ્વારા સાચા આંકડા જાહેર કરવામાં આવતા નથી. કેસની સંખ્યા છુપાવવામાં આવી રહી છે. નાયબ મુખ્યમંત્રી એ પણ કોરોનાની આંકડાકીય માહિતી ડો.રાજીવ ગુપ્તા દ્વારા જાહેર કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યુ હતુ. પરંતુ ડો.રાજીવ ગુપ્તા તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ દ્વારા પુરતી અને સાચી માહિતી આપવામાં આવતી નથી. જ્યારે ડીસ્ચાર્જ દર્દીઓની ટકાવારી જાહેર કરીને આંકડાકીય માયાજાળ રચવામાં આવી રહી છે. ડીસ્ચાર્જ દર્દીઓની સાથે સાથે કેસ અને મરણની પણ તુલનાત્મક વિગતો જાહેર કરવામાં આવે તે જરૂરી છે.
વૈશ્વિક મહામારી દરમ્યાન નાગરીકો સમક્ષ વાસ્તવિક્તા આવે તે આવશ્યક છે. ડીસ્ચાર્જ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે તે બાબત નકારી શકાય તેમ નથી પરંતુ કેસ અને મૃત્યુમાં પણ વધારો થયો છે તે બાબતનો સૌએ સ્વીકાર કરવો જરૂરી છે તેમ તેમણે વધુમાં જણાવ્યુ હતુ.