શહેરમાં તૈયાર થતી રાજકીય ટાંકીઓઃ પ્રજાનાં પૈસા પાણીમાં
વર્ષાેથી તૈયાર થયેલ લાંભા અને સરદારનગરની ટાંકીઓ બિનવપરાશીઃ મોટાભાગની ટાંકીઓ ૨૦થી ૩૦ ટકા ભરાય છેઃ પંદર દિવસ પહેલાં જ લોકાર્પણ થયેલ મેટલ ડેપોની ટાંકી ભરાતી નથી
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા શહેરીજનોની જરૂરિયાતને ધ્યાનમાં રાખી દૈનીક ૧૪૦૦ એમ.એલ.ડી. પાણીનો જથ્થો સપ્લાય કરવામાં આવે છે. મનપા દ્વારા માથાદીઠ દૈનિક ૭૫૦ લીટર પાણી જરૂરિયાતની ગણતરી કરવામાં આવે છે. તથા તે મુજબ પાણી સપ્લાય થાય છે. શહેરના નાગરીકોને તેમના વિસ્તારમાં જ તૈયાર કરવામાં આવેલા વો.ડી.સેન્ટર મારફતે શુદ્ધ પાણી સપ્લાય થાય છે. અમદાવાદ શહેરમાં હાલ ૨૦૯ વો.ડી.સેન્ટર છે. તેમજ ભવિષ્યમાં વધુ ૪૦ જેટલા વોટર ડીસ્ટ્રી.સેન્ટર તૈયાર કરવાના આયોજન થઈ રહ્યા છે. શહેરમાં નાગરીકોની સંખ્યા અને જરૂરિયાત કરતા વધઉ વો.ડી.સેન્ટર બની રહ્યા હોવાથી ૨૦ ટકા કરતા ટાંકીઓ પૂરતી ભરવામાં આવતી નથી. તેવી જ રીતે પાણી નેટવર્ક પણ આએછા હોવાના કારણે સપ્લાય પણ ઓછું રહે છે. મ્યુનિ.કોર્પાેરેશનમાં આવા વો.ડી.સેન્ટરનું “પોલીટીકલ ટાંકી” કહેવામાં આવે છે. રાજકીય જીદ સંતોષવા માટે તૈયાર થઈ રહેલી ટાંકીઓના કારણે નાગરીકોના કરોડો રૂપિયા વેડફાઈ રહ્યા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.
અમદાવાદ શહેરમાં થોડા વર્ષાે પહેલાં “પોલીટીકલ બસ સ્ટેન્ડ”ની બહુ બોલબાલા હતી. બિલ્ડરોના મકાનોના સરળતાપૂર્વક વેચાણ થાય તે માટે રાજકીય દબાણવશ નવી સ્કીમની બાજુમાં એએમટીએસના બસ સ્ટોપ મૂકવામાં આવતાં હતા તથા સ્કીમ પૂર્ણ થયા બાદ તેને દૂર કરવામાં આવતા હતા. આ પ્રકારના આક્ષેપો જેતે સમયે થતા હતા. પરંતુ છેલ્લા એક દાયકાથી આ બસ સ્ટેન્ડનું સ્થાન પાણીની ટાંકીઓએ લીધું છે. બસ સ્ટોપ તો દૂર થઈ શકતા હતા પરંતુ આ પોલીટીકલ ટાંકીઓ હટાવી શકાતી નથી તેમજ તેનો ઉપયોગ પણ ઘણો ઓછો થઈ રહ્યો છે. શહેરીજનોને પાણીની સમસ્યા ન થાય તે માટે વો.ડી.સ્ટેશન બનાવવા જરૂરી છે. પરંતુ માત્ર ૨૦-૩૦ ટકા જ ઉપયોગ થતો હોય તેવા વો.ડી.સ્ટેશન બનાવવા બિનજરૂરી ખર્ચ ન થાય તેની તકેદારી રાખવી પણ જરૂરી છે.
શહેરમાં હાલ ૨૦૯ વો.ડી.સ્ટેશન છે. નવા ૨૨ વો.ડી.સ્ટેશનના કામ ચાલી રહ્યાં છે તેમજ ૧૫ વો.ડી.સ્ટેશનના વિસ્તૃતીકરણ કામ ચાલી રહ્યા છે. આમ, આગામી બે વર્ષમાં ૨૪૦ જેટલા વો.ડી.સ્ટેશન તૈયાર થઈ જશે. એક સામાન્ય ગણતરી મુજબ બેથી ત્રણ હજાર ચોરસ મીટરના પ્લોટમાં તૈયાર કરવામાં આવેલા વો.ડી.સ્ટેશન મારફતે ઓછામાં ઓછા ૫૦ હજાર લોકોને પાણી સપ્લાય થઈ શકે છે. અમદાવાદ શહેરમાં ૭૦ લાખની વસ્તી મુજબ ગણતરી કરવામાં આવે તો ૧૪૦ વો.ડી.સ્ટેશનની જરૂરીયાત છે. જેમાં ૧૦ ટકા વધુ ગણતરી થાય તો ૧૫૫થી વધી વો.ડી.સ્ટેશનની જરૂરિયાત અણધડ આયોજન અને રાજકીય દબાણના કારણે દર વરસે ૧૫ જેટલા નવા વો.ડી.સ્ટેશન બની રહ્યા છે.
૨૦૧૬-૧૭થી ૨૦૨૦-૨૧માં રૂા.૫૦૦ કરોડના ખર્ચથી ૪૬ વો.ડી.સ્ટેશન બનાવવામાં આવ્યા છે. મ્યુનિ.કોર્પાેરેશન તૈયાર કરવામાં આવેલા નવા વો.ડી.સ્ટેશનો પૈકી મોટાભાગની ટાંકીઓનો ૨૦થી ૩૦ ટકા જ ઉપયોગ થાય છે. જ્યારે ત્રણથી ચાર ટાંકીઓના લોકાર્પણ થઈ ગયા છે પરંતુ તેનો ઉપયોગ શરૂ થયો નથી.
મ્યુનિ.કોર્પાેરેશનના આંતરીક સૂત્રોએ જણાવ્યા મુજબ લાંભા ઈન્દીરાનગર વિભાગ-એક અને વિભાગ-બેની ટાંકીઓ તૈયાર થઈને ધૂળ ખાઈ રહી છે. ૨૦૧૭-૧૮ના વર્ષમાં આ બે ટાંકીઓ બનાવવા માટે રૂા.૨૦ કરોડનો ખર્ચ થયો હતો. પરંતુ હજી સુધી તેનો ઉપયોગ શરૂ થયો નથી. માત્ર રાજકીય અહંમ સંતોષવા માટે નાગરીકોની જરૂરિયાતને ધ્યાનમાં લીધા વિના આવા વો.ડી.સ્ટેશન તૈયાર થઈ રહ્ છે. ૨૦૧૯-૨૦માં સરદારનગર ઈસ્કોન વીલા ટાંકી તૈયાર કરવામાં આવી હતી જેના માટે રૂા.૧૩.૩૪ કરોડ ખર્ચ થયો છે. આ ટાંકીનો હજી સુધી ઉપયોગ શરૂ થયો નથી. શહેરની હદમાં સમાવિષ્ટ નવા વિસ્તારોમાં વો.ડી.સ્ટેશન બનાવવામાં આવે તે સમજી શકાય છે. પરંતુ જૂના વિસ્તારો કે જ્યાં કોઈ તકલીફ નથી તેવા વિસ્તારો કે જ્યાં કોઈ તકલીફ નથી તેવા વિસ્તારોમાં પણ “પોલીટીકલ ટાંકી”બની રહી છે.
જેમાં નવા વાડજ વિસ્તારની મહેસાણા પાર્ક સોસાયટીની ટાંકી મુખ્ય છે. આ વિસ્તારમાં કિરણ પાર્ક અને શ્રીનાથ વો.ડી.સેન્ટર પરથી પાણી સપ્લાય થતા હતા તેમજ કોઈ મોટી સમસ્યા નહતી તેમ છતાં રાજકીય અહંમ પોષવા માટે આ ટાંકી બનાવવામાં આવી છે. આ ટાંકીની ક્ષમતા ૧૦.૬૦ એમએલડી છે. જે પૈકી રોજ માત્ર ૨.૭૫ એમએલડી ભરવામાં આવે છે. પાલડી સ્કાઉટભવન ખાતે નવી ટાંકી બનાવવામાં આવી છે. આ વિસ્તારમાં ગીતાબાગ અને શહીદવનના વો.ડી.સેન્ટરથી પાણી સપ્લાય થતા હતા. પરંતુ ભગવાનના ટેકરાની સમસ્યાના નામે સ્કાઉટભવન પાસે નવી ટાંકી બનાવવામાં આવી છે. જેની ક્ષમતા ૭.૨૫ એમએલડી છે. પરંતુ માત્ર ૨.૪૮ એમ.એલ.ડી.પાણી જ ભરવામાં આવે છે.
મધ્ય ઝોનમાં ૨૦ દિવસ પહેલાં જ લોકાર્પણ કરવામાં આવેલ “મેટલ ડેપો”વો.ડી.સ્ટેશનમાં પાણી જ ભરવામાં આવતુ નથી. આ ટાંકીનું લોકાર્પણ થયું તે સમયથી તેનો ઉપયોગ થયો જ નથી. રાણીપ વિસ્તારના આકાશ વો.ડી.સ્ટેશન પણ ૧૧.૪૦ એમએલડી સામે ૪.૫૪ એમ.એલ.ડી.ભરાય છે.
શહેરમાં છેલ્લા પાંચ વર્ષમાં જે ટાંકીઓ બની છે તે પૈકી મોટાભાગની ટાંકીઓ પૂરતો ઉપયોગ થતો નથી. વારંવાર બદલાતા સીમાંકનના કારણે પોલીટીકલ ટાંકીઓ બની રહી છે. ચૂંટણી બાદ સીમાંકનમાં થતા ફેરફારના કારણે કોર્પાેરેટરો તેમના નવા મતવિસ્તારમાં નવી ટાંકી બનાવવા આગ્રહ રાખે છે. તેવી જ રીતે નેટવર્કના કામ ઝોન લેવલથી થતા હોવાથી બીજા વોર્ડ કે ઝોનમાં નેટવર્ક નાંખવામાં ન આવે તે માટે પણ રાજકીય દબાણ થતા હોય છે. શહેરમાં પાણી ટાંકીના “કમાન્ડ એરીયા”માટે હજીપણ અસમંજસની સ્થિતિ છે. તેમાં રાજકીય દબાણના કારણે તૈયાર થતાં વો.ડી.સ્ટેશન અને નેટવર્કના કારણે પાણીની સમસ્યાનો ઉકેલ આવતો નથી તેમ નિષ્ણાંતો માની રહ્યા છે.