શહેરમાં પાર્કિંગની સમસ્યાને લઈને પોલીસની મેગા ડ્રાઈવ
અમદાવાદ: અમદાવાદ શહેરમાં લોકડાઉન બાદ ટ્રાફિક પોલીસ દ્વારા ફરી એકવાર મેગા ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ ડ્રાઈવમાં રસ્તા પર બેફામ પાર્ક કરેલા વાહનો માટે વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને લોકોને પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવામાં આવ્યું હતું.
૨૩ માર્ચ બાદ સમગ્ર દેશમાં લોકડાઉન હતું. જે બાદ ૧ જૂનથી અનલોક શરૂ થતાં રાબેતા મુજબ કામકાજ શરૂ થયું હતું. ત્યારે અગાઉ જે પ્રમાણે ટ્રાફિકની સમસ્યા અને પાર્કિંગની સમસ્યા સર્જાતી હતી તેવી સ્થિતિને લઈને શહેરના ભરચક એવા રીલીફ રોડ ખાતે પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી.
રીલીફ રોડ પર વાહન પાર્કિંગ માટે ઓડ ઇવન સિસ્ટમ રાખવામાં આવી છે. પરંતુ કેટલાક લોકો રસ્તાની બંને તરફ વાહન પાર્ક કરતાં હતાં જેના કારણે ટ્રાફિકની સમસ્યા ઉભી થતી હતી. જેને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ દ્વારા એક એક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં એસીપી, પી.આઈ, પી.એસ.આઇ શહીદ ૧૦૦થી વધુ પોલીસકર્મીઓ ડ્રાઈવમાં જોડાયાં હતાં.ડ્રાઈવ શરૂ થઇ તે અગાઉ પોલીસ દ્વારા એનાઉન્સ કરીને લોકોને વાહન હટાવી લેવા સૂચના આપવામાં આવી હતી.
પરંતુ ડ્રાઇવ શરૂ થયા બાદ જે વાહનોનો પાર્કિંગમાં પાર્ક કર્યાં હતાં તે તમામને પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યાં હતાં અને કેટલાક વાહનચાલકોને સ્થળ પર જ મેમો આપવામાં આવ્યો હતો.કહી શકાય કે લોકડાઉન પૂરું થતા હવે પોલીસ પણ સક્રિય થઇ છે અને અગાઉ જે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવતી હતી તે કાર્યવાહી પોલીસે ફરી એકવાર શરૂ કરી છે.