શહેરમાં પેસેન્જર વાહનોને પ્રવેશ નહીં આપતા હાઈકોર્ટમાં પીટીશન
(એજન્સી) અમદાવાદ, શહેરમાં સવારે ૮ વાગ્યાથી રાત્રીના ૧૦ વાગ્યા સુધી ભારે વાહનો ઉપર પ્રવેશ બંધીના નામે પેસેન્જર બસોને પ્રવેશ નહીં આપવાના જાહેરનામા વિરૂધ્ધ ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન ફાઈલ કરવામાં આવી છે.
તેની પ્રાથમિક સુનાવણી બાદ કોર્ટે પોલીસ કમિશ્નરને નોટીસ કાઢીને વધુ સુનાવણી તા.૮મી ફેબ્રુઆરીના રોજ રાખી છે. કેસની વિગતો જાેઈએ તો શ્રીનાથ ટ્રાવેલ્સ દ્વારા એક અરજી કરીને રજુઆત કરવામાં આવી હતી કે શહેરમાં ટ્રાફિકના પ્રશ્નો ન થાય અને રસ્તા ઉપર વાહનચાલકોની સુરક્ષા માટે પોલીસ કમિશ્નર દ્વારા સમયાંતરે એક જાહેરનામુ બહાર પાડીને દરરોજ સવારના ૮ થી રાત્રીના ૧૦ વાગ્યા સુધી ભારે વાહનો માટે પ્રવેશબંધી ફરમાવવામાં આવે છે.
પરંતુ પોલીસ દ્વારા એનું ખોટુ અર્થઘટન કરીને ભારે વાહનોમાં પેસેન્જર વાહનો અને બસને પણ પ્રવેશ કરવા દેવામાં આવતો નથી. તેના કારણે ખાનગી બસ ઓપરેટરો દ્વારા મુસાફરોને શહેરની બહાર રીંગ રોડ ઉપર જ ઉતારી દેવા પડે છે. અને તેના કારણે મહિલાઓ, બાળકો અને વૃધ્ધોને ખાસ્સી તકલીફ પડે છે. તેમના સુરક્ષાના પ્રશ્નો પણ ઉભા થાય છે. તેઓને શહેરમાં આવવા માટે બીજા વાહનોનો ઉપયોગ કરવો પડે છે. અને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
પીટીશનમાં વધુમાં રજુઆત કરી હતી કે ભારે વાહનોની વ્યાખ્યામાં મુસાફરની બસનો સમાવેશ થતો નથી. ભારે વાહનોમાં માત્ર વસ્તુઓને લઈ જતાં ટ્રક કે અન્ય ગુડસ વાહનોનો સમાવેશ થાય છે. આથી પોલીસ કર્મચારીઓ દ્વારા જાહેરનામાનું ખોટુ અર્થઘટન કરવામાં આવી રહ્યુ છેે જે બંધ કરાવે.