શહેરમાં મિની વેકેશનનો માહોલ: કંટાળેલા લોકો પ્રવાસન સ્થળોએ ફરવા ઉપડી ગયા
(એજન્સી) અમદાવાદ, હોળી-ધૂળેટીના તહેવારોનું આગમન થઇ ગયુ છે ત્યારે હોળી-ધૂળેટીના તહેવારોને કોરોનાને ભૂલીને ઉત્સવપ્રિય ગુજરાતીઓ મનાવવા મન બનાવી રહ્યા છે. સાથે શનિવાર-રવિવારની રજા સાથે આવતા મિની વેકેશન માહોલમાં લોકો આજથી જ ફરવા નીકળી પડ્યા છે.
છેલ્લા થોડા વર્ષોથી હોળી-ધૂળેટીના તહેવારમાં હરવા-ફરવાનું ચલણ વધી ગયુ છે. મિની વેકેશન જેવો માહોલ બનાવી લોકો ફરવાના મૂડમાં આવી નજીકના સ્થળો દ્વારકા, આબુ, સોમનાથ, દીવ, ઉદયપુર, મથુરા વગેરે જેવા સ્થળોએ ફરવા પહોંચી ગયા છે. ઘણા લોકો સમયથી આવી રીતે એકસાથે ત્રણ રજાઓ આવી ન હોવાથી કોરોનાનો ભય દૂર થતાં સામાન્ય દિવસોની જેમ જ પ્રતિબંધ વગર રંગોત્સવના થનગનાટ સાથે ફરવામાં મશગૂલ બન્યા છે.
બજારમાં રૂ.૧૦થી ૧૦૦૦ સુધીની પિચકારી ઃ આ વર્ષે રૂ.૧૦થી લઇ ૧૦૦૦ સુધીની પિચકારી બજારમાં વેચાઇ રહી છે, જેમાં એ પિચકારી નવી જાેવા મળી છે. આ પિચકારીમાં કલર પણ સાથે ભરવામાં આવે છે અને કલર જ પાણી સાથે મિક્સ થઇ બહાર ઊડે છે, જેની કિંમત ૧૦૦૦ રૂપિયા છે, સાથે જ ૨૦૦થી લઇને ૮૦૦ રૂપિયે કિલો સુધીના કલર પણ બજારમાં વેચવામાં આવી રહ્યા છે.
સામાન્ય રીતે દર વર્ષે પિચકારી-કલરના ભાવમાં ૧૦થી ૧૫ ટકાનો વધારો જાેવા મળે છે, પરંતુ આ વર્ષે ૨૫થી ૩૦ ટકાનો ભાવ વધારો કલર તેમજ પિચકારીમાં આવ્યો છે, તેમ છતાં લોકો તહેવારને મનાવવા માટે થનગની રહ્યા છે.
ધાણીના ભાવ ઘટ્યા, ખજૂરના ભાવ ગત વર્ષ જેટલા જ ઃ બજારમાં પણ ચહલપહલ જાેવા મળી રહી છે. વેપારીઓના જણાવ્યા મુજબ આ વર્ષે મકાઇનું સારું ઉત્પાદન થતા ધાણીના ભાવ ગત વર્ષ કરતા ઘટ્યા છે. ગત વર્ષે જે ધાણી રૂ.૧૫૦થી ૧૬૦માં પ્રતિકિલો વેચાતી હતી તે આ વર્ષે રૂ.૧૨૦થી ૧૩૦ પ્રતિકિલોના ભાવે વેચાઇ રહી છે. બીજી તરફ ખજૂરના ભાવ ગત વર્ષ જેટલા જ જાેવા મળી રહ્યા છે, જ્યારે ખજૂર રૂ.૧૦૦થી ૧૧૦ પ્રતિકિલો વેચાય છે.
માર્કેટયાર્ડમાં હોળી-ધૂળેટીના પર્વ નિમિત્તે ત્રણથી ચાર દિવસની રજા ઃ હોળી-ધૂળેટી આમ તો રાજસ્થાનનો મુખ્ય તહેવાર છે, પરંતુ દેશભરમાં પણ તે રંગોત્સવ તરીકે ધામધૂમથી ઊજવાય છે. ગુજરાતમાં પણ મારવાડીઓની સંખ્યા ખૂબ હોઇ રાજસ્થાની પરિવારો હોળીના તહેવારમાં વતન જતા હોવાથી અનેક જગ્યાએ વેકેશન આપવું પડે છે, જેમાં મુખ્યત્વે રાજસ્થાન નજીકના જિલ્લાના માર્કેટયાર્ડમાં હોળી-ધૂળેટી પર્વની રજાઓ રહે છે. ઊંઝા, ડીસા, પાટણ, વીસનગર, મહેસાણા, થરાદ, ધાનેરા, પાલનપુર સહિતનાં માર્કેટયાર્ડમાં હોળી-ધૂળેટીના પર્વ નિમિત્તે ત્રણથી ચાર દિવસની રજા રહેશે.