શહેરમાં મે માસની સરખામણીમાં જૂનમાં કેસ-મરણ ઘટ્યા
રીકવરી રેટ વધીને ૭૭.પ૪ ટકા થયોઃ પશ્ચિમના વિસ્તારોમાં હજુ પણ ચિંતાજનક સ્થિતિ
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે અનલોક-૧ દરમ્યાન એ.પી.સેન્ટર માનવામાં આવતા મધ્ય ઝોનમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જ્યારે પશ્ચિમના વિસ્તારોમાં કેસની સંખ્યા સતત વધી રહી છે. જૂન માસ દરમ્યાન કોરોનાના કેસ ‘પીક પર રહ્યા બાદ તેમાં ઘટાડો થયો હતો. તેમજ મે મહિનાની સરખામણીમાં કેસ અને મરણની સંખ્યામાં પણ ઘટાડો જાવા મળ્યો છે. મ્યુનિસિપલ આરોગ્ય અધિકારીએ કેસ ઘટાડા માટે સરકારને શ્રેય આપ્યો છે.
શહેરમાં લોકડાઉન દરમ્યાન મધ્ય ઝોન અને દક્ષિણ ઝોન કોરોનાના હોટસ્પોટ બન્યા હતા. જ્યારે જૂન મહિનામાં અનલોક-વન દરમ્યાન પશ્ચિમ અને ઉતર ઝોન હોટ સ્પોટ બન્યા હતા. જૂન મહિનાના પ્રથમ દિવસ સુધી કેસ અને મૃત્યુમાં સતત વધારો જાવા મળ્યો હતો. જા કે જૂનના અંતિમ સપ્તાહ દરમ્યાન કેસ અને મરણમાં ઘટાડો થતાં તંત્રએ રાહતનો દમ લીધો છે. તેમજ મે મહિના કરતા પણ ઓછા કેસ અને મરણ જૂન માસમાં નોંધાયા હતા. સુત્રોએ જણાવ્યા અનુસાર મે મહિનામાં કોરોનાના ૮ર૬૩ કેસ અને ૬૮૬ મરણ થયા હતા. જયારે એપ્રિલ મહિનામાં ર૯૬૩ કેસ અને ૧૪૪ મરણ નોંધાયા હતા. એપ્રિલ મહિના સુધી કોરોના કાબુમાં રહ્યો હતો. પરંતુ મે મહિનામાં કોરોના વિસ્ફોટ થયો હોય એવો માહોલ જાવા મળ્યો હતો.
સરકારે અનલોક-૧ જાહેર કર્યા બાદ જૂન મહિનામાં પણ કેસ સતત વધી રહ્યા હતા. જૂન મહિનામાં કોરોનાના ૮૧રર કેસ અને પ૭૦ મરણ કન્ફર્મ થયા હતા. આમ, મે મહિનાની સરખામણીમાં જૂન મહિનામાં કેસ અને મરણની સંખ્યામાં ઘટાડો થયો હતો. જા કે દૈનિક સરેરાશ કેસની સંખ્યામાં ખાસ ફેરફાર થયો નહોતો. મે મહિનામાં દૈનિક સરેરાશ ર૬૬ કેસ નોંધાયા હતા. જ્યારે જૂન મહિનામાં દૈનિક સરેરાશ ર૭૦ કેસ કન્ફર્મ થયા હતા. જૂન મહિનામાં કેસ અને મરણ ઘટ્યા હતા. પરંતુ પશ્ચિમના વિસ્તારોમાં કેસનો વિસ્ફોટ થયો હતો. શહેરના પશ્ચિમ વિસ્તારમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.
જૂન મહિના દરમ્યાન પશ્ચિમ ઝોનમાં કોરોનાના ૧૬૯૧ કેસ નોંધાયા હતા. જે કુલ કેસના ર૦ ટકા કરતા વધારે છે. ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૮૦ર અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૭ર૮ કેસ નોંધાયા હતા. આમ, પશ્ચિમ વિસ્તારના ત્રણ ઝોનમાં ૩રર૧ કેસ કન્ફર્મ થયા હતા. એવી જ રીતે ઉતર ઝોનમાં ૧૪૭પ, પૂર્વ ઝોનમાં ૧પ૧૮ અને દક્ષિણ ઝોનમાં ૧૧ર૩ કેસ નોંધાયા હતા. જ્યારે મધ્યઝોનમાં માત્ર ૭૮ર કેસ જ નોંધાયા હતા. કોટ વિસ્તારમાં કેસ ઘટી રહ્યા છે. પરંતુ પૂર્વ, ઉત્તર અને પશ્ચિમના વિસ્તારોમાં કોરોના કેસ વધી રહ્યા છે. જેના કારણે તંત્રની ચિંતામાં વધારો થયો છે. જા કે નવા કેસની સામે ડીસ્ચાર્જ સંખ્યા વધી રહી હોવાથી તંત્રને થોડી-ઘણી રાહત જરૂર થઈ છે.
શહેરમાં બીજી જુલાઈ સુધી ર૦ર૯૩ કેસ નોંધાયા છે. જે પૈકી ૧પ૭૩૭ દર્દી રીકવર થઈ ગયા છે. શહેરમાં રીકવરી રેટ વધીને ૭૭.પ૪ ટકા થયો છે. જ્યારે અત્યાર સુધી કુલ ૧૪૧૩ દર્દીના મૃત્યુ થયા છે. શહેરમાં મૃત્યુ દર ૬.૯૬ ટકા છે જે ચિંતાનો વિષય છે. જ્યારે એક્ટીવ કેસની સંખ્યા માત્ર ૩૧૪૩ છે. શહેરના પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૬૭૪ એક્ટીવ કેસ છે
જયારે મધ્ય ઝોનમાં સૌથી ઓછા ર૧૦ એક્ટીવ કેસ છે. ઉતરપશ્ચિમ ઝોનમાં ૪૮૧, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૪૪ર, ઉત્તર ઝોનમાં ૪૬૬, પૂર્વ ઝોનમાં ૪૩૭ અને દક્ષિણ ઝોનમાં ૪૩૩ એક્ટીવ કેસ છે. જ્યારે સૌથી વધુ રીકવર મધ્યઝોનમાં થઈ છે.
મધ્ય ઝોનમાં નોંધાયેલા ૪૦૩૭ કેસ પૈકી ૩૪૬૬ રીકવર થયા છે. જ્યારે ૩૬૧ દર્દીના મૃત્યુ થયા છે. ઉત્તર ઝોનમાં ૩૬પ૯ કેસ પૈકી ર૯૧૪ દર્દી સાજા થયા છે. જ્યારે ર૭૯ના મરણ થયા છે. પશ્ચિમ ઝોનમાં ૩૧૯૦ કેસ પૈકી ર૩પ૧ રીકવર થયા છે જયારે ૧૬પ ના મૃત્યુ થયા છે.
મ્યુનિસિપલ આરોગ્ય વિભાગના વડા ડો.ભાવિન સોલંકીએ કેસની ઘટી રહેલી સંખ્યા અને મરણ મામલે રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ અધિકારીઓને શ્રેય આપ્યો હતો. તેમના જણાવ્યા અનુસાર રાજય સરકારની સુચના બાદ શરૂ કરવામાં ધનવન્તરી રથમાં દસ હજાર દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. ખાનગી દવાખાનામાં એક લાખ કરતા વધુ ઓપીડી થઈ છે.
એવી જ રીતે ડોર ટુ ડોર સર્વેલન્સ, ૧૦૪ની ઝડપી સેવા અને આરોગ્ય સેતુના કારણે પણ કોરોનાને નિયંત્રણમાં લેવામાં સફળતા મળી છે. હર્ડ ઇમ્યુનિટી કે વાયરસ નબળો પડી રહ્યો હોવાથી કેસ ઘટ્યા હોવાની વાતો તદ્દન ખોટી છે તેમ તેમણે વધુમાં જણાવ્યુ હતુ.