શહેરમાં રૂ.૧૬પ કરોડના ખર્ચથી ૪૦૦ કી.મી.ની. મોડેલ ફૂટપાથો બનશે
દર વરસે ફૂટપાથ માટે સરેરાશ રૂ.ર૦ કરોડનો ખર્ચઃ આગામી એક વર્ષમાં જ રૂ.ર૦૦ કરોડનો ખર્ચ થશે
(દેવેન્દ્ર શાહ) (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નાણાંકીય વર્ષ ર૦ર૦-ર૧ ના ડ્રાફટ બજેટમાં કમિશ્નરે રૂ.પાંચ હજાર કરોડના વિકાસ કામો કરવાના દાવા કર્યા છે જેનો મોટો હિસ્સો ઈન્ફ્રાસ્ટ્રકચર માટે ખર્ચ થાય એવી શક્યતાઓ છે. મ્યુનિસિપલ કમિશ્નરને પણ ‘દેખાય એવા કામો’ કરવામાં રસ હોય તેમ લાગી રહ્યુ છે. તેથી બજેટ મંજુર થયા બાદ બ્રિજ, રોડ અને ફૂટપાથના કામો કરવા પર ભાર મુકી રહ્યા છે. તથા તેની ડીઝાઈનો તૈયાર કરી ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ થઈ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિષ્ફળ પ્રોજેક્ટ‘ મોડેલ રોડ’ને ફરીથી રૂ.૧૮૧ કરોડની સંજીવની બુટ્ટી આપવામાં આવી રહી છે.
જ્યારે રાહદારીઓની સરળતા માટે ૪૧૮ કિલોમીટર લંબાઈની ફૂટપાથ બનાવવા માટે ટેન્ડર પણ જાહેર થઈ ગયા છે. નવી ડીઝાઈનની ફૂટપાથમાં સાયકલ ટ્રેકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ચોંકાવનારી વિગત એ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દર વર્ષે ફૂટપાથ માટે વધુમાં વધુ રૂ.૧પ થી ર૦ કરોડ ખર્ચ થાય છે. જ્યારે ર૦ર૦-ર૧ માં રૂ.ર૦૦ કરોડ કરતા પણ વધુ રકમ ખર્ચ કરવામાં આવી રહ્યો છે.
આગામી વર્ષથી શહેરીજનોને વાહન ચલાવવા માટે નાના રસ્તા અને ચાલવા માટે મોટી ફૂટપાથ મળી શકે છે. સ્માર્ટ સીટી અમદાવાદમાં હાલ ૮૦૯ કિલોમીટરની ફૂટપાથ છે. જે છેલ્લા પાંચ છ દાયકામાં જરૂરીયાત મુજબ બનાવવામાં આવી છે. જ્યારે આગામી વર્ષમાં જ વધુ ૪૧૮ કિલોમીટરની ફૂટપાથ બનાવવા માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૧૧૩ કિલોમીટરની લંબાઈની હયાત ફૂટપાથને તોડીને નવી ડીઝાઈન મુજબ તૈયાર કરવામાં આવશે.
જ્યારે ૩૧પ કિલોમીટર લંબાઈની નવી ફૂટપાથ બનાવવામાં આવશે. શહેરના પૂર્વ ઝોનમાં ૭૧ કી.મી., પશ્ચિમ ઝોનમાં ૭પ, દક્ષિણ ઝોનમાં ૧૬, મધ્ય ઝોનમાં ૦પ, ઉત્તર ઝોનમાં ૪૧, ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૮૬ તથા દક્ષિણ પશ્ચિમ ઝોનમાં રર કિલોમીટર લંબાઈની નવી ફૂટપાથ બનાવવા માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યા છે. જેના માટે રૂ.૧૬પ કરોડના ખર્ચનો અંદાજ તૈયાર કરવામાં આવ્યો છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના આંતરીક સુત્રોએ જણાવ્યા અનુસાર રાહદારીઓને ચાલવાની અનુકૂળતા રહે તે મુજબ ડીઝાઈન તૈયાર કરવામાં આવી છે. જેની પહોળાઈ ઓછામાં ઓછી ૧.૮ મીટર અને વધુમાં વધુ ૬ મીટર રહેશે. શહેરમાં હાલ ર૪૭૦ કિલોમીટર લંબાઈના રોડ છે. જેમાં લગભગ ૧ર૦૦ કી.મી.ની ફૂટપાથ બનાવવામાં આવશે. ફૂટપાથની નવી ડીઝાઈનમાં રર સાયકલ ટ્રેક અને ૩૪૭પ કેચપીટને આવરી લેવામાં આવશે. જ્યારે ૧૦ હજાર કરતા વધુ વૃક્ષ લગાવવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રી-ડેવલપ કરવામાં આવેલ સી.જી. રોડની ફૂટપાથ ડીઝાઈન મુજબ નવી ફૂટપાથો તૈયાર કરવામાં આવશે. જેનો મૂળ આશય ટ્રાફિક અને પા‹કગ સમસ્યાને હળવી કરવાનો રહેશે.
શહેરમાં જનમાર્ગ પ્રોજેક્ટના અમલીકરણ સમયે ૬ મીટર પહોળાઈની ફૂટપાથ એક-બે સ્થળે બનાવવામાં આવી હતી. પરંતુ ટ્રાફિક સમસ્યાના કારણે તેને તોડીને નાની કરવામાં આવી છે. તેથી નવી ડીઝાઈનમાં ૬ મીટર પહોળી ફૂટપાથનો સમાવેશ થાય એવી શક્યતાઓ ઓછી છે. જે તે રોડની જરૂરીયાત મુજબ ફૂટપાથની પહોળાઈ નક્કી કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ ખાતાની નિષ્ક્રિયતાના કારણે ફૂટપાથ પર દબાણ થઈ જાય છે. તથા અનેક વિસ્તારોમાં ફૂટપાથનો પાર્કિગ તરીકે પણ ઉપયોગ થાય છે.
આ સમસ્યા નિવારવા માટે ફૂટપાથ પર જ પે એન્ડ પાર્ક માટે પણ વિચારણા થઈ શકે છે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે, છેલ્લાં ઘણાં સમયથી ફૂટપાથો બનાવવાનાં નામે બિલ્ડરોનાં લાભાર્થે પાર્કિગ પ્લોટો બનાવવામાં આવ્યાં હોય તેવી સ્થિતિ જાવા મળી રહી છે. તમામ ફૂટપાથો રાહદારીઓ માટે ચાલવાની જગ્યાનાં બદલે વાહનચાલકો તેનાં ઉપર વાહન પાર્ક કરી રહ્યાં છે. જેનાં પરીણામે રાહદારીઓને રસ્તા ઉપર ચાલવાં મજબૂર બનવું પડે છે અને કેટલાંક કિસ્સાઓમાં અક્સ્માતમાં રાહદારીઓ મોતને પણ ભેટતાં હોય છે.