શહેરમાં રોડના કામોમાં ઝડપ આવશે
દૈનિક ત્રણ હજાર મે.ટન માલનો વપરાશ થશેઃ વાસણામાં અદ્યતન સ્કેટીંગ રીંગ બનાવવામાં આવશેઃ રમેશ દેસાઈ
(દેવેન્દ્ર શાહ)અમદાવાદ, સ્માર્ટસીટી અમદાવાદમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે તેમજ તહેવારો અને ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે. જેના કારણે નાગરીકોની સુખાકારી માટે પણ તંત્ર દ્વારા વિચાર શરૂ કરવામાં આવ્યા છે. ચોમાસાની સીઝનમાં તૂટી ગયેલા રોડ પર ખાડા પૂરવાની પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ છે આગામી દિવસોમાં પેચવર્ક અને નવા રોડના કામો શરૂ કરવામાં આવશે.
મ્યુનિ.રોડ એન્ડ બિલ્ડિંગ કમીટી ચેરમેન રમેશભાઈ દેસાઈના જણાવ્યા મુજબ શહેરમાં આગામી સપ્તાહથી રોડ રીસરફેસ અને પેચવર્કના કામમાં ઝડપી કરવામાં આવશે. મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા હાલ પાંચ પેવર મશીન અને ૧૫૦૦ મે.ટનનો દૈનિક વપરાશ કરવામાં આવે છે. બે-ત્રણ દિવસમાં જ પેવર મશીન અને હોટમીક્ષ માલનો વપરાશ લગભગ બમણો થઈ જશે. શહેરમાં દસ પેવર મશીનની મદદથી દૈનિક ત્રણ હજાર મે.ટન માલનો વપરાશ કરવામાં આવ્યો. જેમાં પેચવર્કની સાથે સાથે નવા રોડ પણ બનાવવામાં આવશે.
રોડ એન્ડ બિલ્ડિંગ કમીટીની બેઠકમાં નહેરૂબ્રીજના હયાત સ્થાનને હાઈડ્રોલીક જેકથી લીફ્ટ કરી બેરીંગ સર્વિસ કરવા તેમજ અમુક સ્થાનમાં બેરીંગ બદલી કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે.