શહેરમાં વરસાદી પાણી ભરાતા ૯૦ સ્પોટ પર આરસીસી રોડ બનાવવામાં આવશે
અંદાજે ૩પ કિ.મી.ના આરસીસી રોડ બનાવવા રૂા.ર૦૦ કરોડનો ખર્ચ થશે
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વરસે ચોમાસા અગાઉ પ્રિ-મોન્સુન એકશન પ્લાન તૈયાર કરવામાં આવે છે જેના અમલીકરણ માટે કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે. ચોમાસાની સીઝન બાદ તંત્ર દ્વારા પોસ્ટ મોનસુન પ્લાન બનાવવામાં આવે છે જેમાં વરસાદના કારણે તુટેલા અને કદરૂપા બની ગયેલા રોડ- રસ્તાનો ચેકઅપ કરવા માટે ખર્ચ થાય છે. મ્યુનિ. શાસકો અને વહીવટીતંત્રના અધુરા અને અણધડ આયોજનના કારણે દર વરસે ચોમાસા પહેલા અને ચોમાસા બાદ અબજાે રૂપિયા ખર્ચ થાય છે. પરંતુ સદ્ર સમસ્યાના કાયમી ઉકેલ માટે કોઈ નક્કર આયોજન કરવામાં આવ્યા નથી.
ચોમાસાની સીઝનમાં વરસાદી પાણી ન ભરાય તે માટે સ્ટ્રોમ લાઈનો નાંખવામાં આવી છે તેમ છતાં ર૦૦ જેટલા સ્પોટ પર વરસાદી પાણી ભરાય છે જેના કારણે રોડ- રસ્તા તૂટી જાય છે તેવા તારણ બાદ સત્તાધારી પાર્ટી અને વહીવટીતંત્રએ વરસાદી પાણી ભરાય છે તેવા સ્પોટ પર આર.સી.સી રોડ બનાવવા નિર્ણય કર્યા છે જેના માટે રૂા.ર૦૦ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે.
સ્માર્ટ સીટી અમદાવાદમાં વરસાદી પાણી ભરાવા અને રોડ તુટવાની સમસ્યા લગભગ કાયમી બની ગઈ છે. શહેરમાં જે વિસ્તારમાં વરસાદના પાણી ભરાય છે તે વિસ્તારોમાં રોડ ધોવાણનું પ્રમાણ વધુ રહે છે તેમજ ચોમાસા બાદ રોડ રીપેર અને રીસરફેસ માટે રૂા.૧૦૦ કરોડ કરતા વધુ ખર્ચ થાય છે. મ્યુનિ. શાસકોએ રોડ ધોવાણ અને રીપેરીંગની ચેઈન તોડવા માટે માસ્ટર પ્લાન બનાવ્યો છે
વોટર લોગીંગ સ્પોટ પર ડામરના બદલે સીમેન્ટ- ક્રોકિટના રોડ બનાવવા માટે આયોજન કરવામાં આવ્યુ છે. જેના માટે તમામ સાત ઝોનમાં વોટર લોગીગ સ્પોટના સરવે કરી વધુ પાણી ભરાતા હોય તેવા ૯૦ સ્પોટ પર આર.સી.સી. રોડ માટે સરવે કરવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ ર૩ સ્પોટ પશ્ચિમ ઝોનમાં છે. મ્યુનિ. ઈજનેર વિભાગ દ્વારા કરવામાં આવેલ સર્વે મુજબ પાંચ સ્થળોએ એક કિ.મી. કરતા વધુ લંબાઈના આરસીસી રોડ બનાવવાની જરૂરિયાત રહેશે જેમાં મધ્યઝોનમાં ઓમનગર સર્કલથી ચામુંડા સર્કલ સુધી ૧ર૬પ મીટર લંબાઈ, પૂર્વ ઝોનમાં સત્યમનગર શાકમાર્કેટથી સંજયચોક સુધી ૧૧૬૦ મીટર લંબાઈ, જીવણવાડી કેનાલથી ખોડીયાર મંદિરથી સરદાર પટેલના સ્ટેચ્યુથી જીવણવાડી કેનાલ સુધી ૧ર૦૦ મી. લંબાઈ, મણીકણેશ્વર મહાદેવથી ન્યુ મણીનગર ડીસ્ટ્રીબ્યુશન સેન્ટર સુધી ૧૩૦૦ મી. લંબાઈ, તેમજ ઉત્તર ઝોનના નરોડા વોર્ડમાં હરિદર્શન ચાર રસ્તાથી વ્યાસવાડી રોડ સુધી ૧૧૦૦ મી. લંબાઈ અને ઓમકાર ક્રોસીંગથી મેમ્કો બ્રીજ સુધી ૧૧પ૦ મીટરના આરસીસી રોડ બનાવવા સરવે થયો છે.
મ્યુનિ. રોડ એન્ડ બિલ્ડીંગ ચેરમેન મહાદેવભાઈ દેસાઈનો સંપર્ક કરતા તેમણે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે મધ્યઝોનમાં કુલ ૧ર સ્થળે પાણી ભરાય છે જે પૈકી પાંચ સ્થળે આરસીસી રોડ બનાવવામાં આવશે જેનો અંદાજીત માપ ૩૪૬૭૦ મીટર છે તેના માટે રૂા.૧૦.૭૪ કરોડ ખર્ચ થશે. પૂર્વ ઝોનમાં ૧ર૭૧૮૦ ચો.મીટરના આરસીસી રોડ માટે ૬૩.પ૯ કરોડનો ખર્ચ થશે. પૂર્વ ઝોનમાં ઓઢવ ફાયરબ્રિગેડ પાસે ૧૦૦ ફુટ પહોળાઈનો રોડ છે તેમજ બીઆરટીએસનો રૂટ હોય સદર રોડ પ્રોજેકટ વિભાગ તૈયાર કરશે જયારે ગોમતીપુરમાં રાયપુર મીલ સર્કલથી બીઆરટીએસ સુધી ૪પ૦ મીટરનો રોડનો થોડોક ભાગ ઉત્તરઝોનમાં પણ આવે છે
તેમ છતાં તેની ગણતરી પૂર્વ ઝોનમાં થઈ છે. ઉત્તર ઝોનમાં ૯પ૮૪૪૦ ચો.મીટરના રોડ બનાવવા માટે રૂા.૧૯.૬ કરોડનો ખર્ચ થશે. જયારે ઉત્તર પશ્ચિમ ઝોનમાં ર૧૭૦૦ ચો.મીટર (અંદાજે ર.૩પ કિ.મી) રૂા.૧પ.ર૦ કરોડનો ખર્ચ થશે. જાેકે આ ઝોનમાં મોટાભાગના વિસ્તારમાં વરસાદ બંધ થયા પછી ૩૦ થી ૪પ મીનીટમાં પાણીનો નિકાલ થઈ શકશે. પશ્ચિમ ઝોનમાં ર૩ સ્થળે વરસાદી પાણી ભરાય છે આ વિસ્તારમાં સૌથી વધુ ૧૧ કિ.મી. લંબાઈનો આરસીસી રોડ બનાવવા માટે આયોજન થશે જેના માટે રૂા.૭૧.૩૦ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. ઝોનના રાણીપ અને કાળીગામના ગરનાળા આરસીસીના હોવાથી તે સ્થળે રોડ બનાવવામાં આવશે નહી. દક્ષિણ ઝોનમાં અંદાજે ૪ કિ.મી. લંબાઈના રોડ માટે રૂા.૧૪ કરોડનો ખર્ચ થશે જે પૈકી મણીનગર વોર્ડના પાંચ સ્થળે રોડ મંજુર થઈ ગયા છે જેમાં બે જગ્યાએ રોડના કામ ચાલુ પણ છે અને મધ્યઝોનમાં અંદાજે ર કિ.મી.ના વરસાદી પાણી ભરાય છે તેવા ર કી.મી.ના આરસીસી રોડ માટે રૂા.૧૦.૭૪ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.