શહેરમાં સરેરાશ અડધા ઈંચ વરસાદે એક ભુવો પડે છે
(દેવેન્દ્ર શાહ) : અમદાવાદ: સ્માર્ટસીટી અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ રોડના ધોવાણ અને ભુવા પડવા તે સામાન્ય બાબત બની ગયા છે. દર વરસે રૂા.૧પ૦૦ કરોડનો વેરો ચુકવતા નાગરીકો ચોમાસામાં ખાડા અનુ ભુવા વચ્ચે રોડ શોધતા નજરે પડે છે. મ્યુનિ. કોર્પોરેશન તેમના કરદાતાઓને શુધ્ધ પાણી, પુરતી લાઈટ, ડ્રેનેજ વ્યવસ્થા અને મજબુત રોડ આપવામાં નિષ્ફળ સાબિત થઈ રહયુ છે જેના માટે વહીવટીતંત્ર અને ચૂંટાયેલી પાંખ બંને સરખા ભાગે જવાબદાર છે. કારણ કે રોડના કોન્ટ્રાકટ, રીસરફેસ સહીત તમામ કામોમાં ગાંધી-વૈદ્યનું સહીયારુ ચાલી રહયુ છે. જેના કારણે જ રોડ કૌભાંડના દોષિતોને સજા થતી નથી. તેમજ રોડની નબળી ગુણવત્તાના કારણે દર વરસે કરોડો રૂપિયાનું નુકશાન થઈ રહયુ છે. સ્માર્ટસીટીમાં ર૦ર૦ના વર્ષ દરમ્યાન માત્ર ૧પ ઈંચ વરસાદમાં જ ૩૦ ભુવા પડી ગયા છે. જેના રીપેરીંગ માટે પણ અડધો કરોડ કરતા વધુ ખર્ચ થઈ ગયો છે.
અમદાવાદ શહેરમાં દર અડધા ઈંચ વરસાદે એક ભુવો પડે છે તે બાબત ર૦ર૦ના વર્ષમાં પણ સાચી સાબિત થઈ છે. મ્યુનિ. ઈજનેર વિભાગે એક માત્ર ભુવા મામલે તેમનું સાતત્ય જાળવી રાખ્યુ છે. શહેરમાં ચાલુ વરસે ૦૮ ઓગસ્ટ સુધી ૧પ ઈંચ વરસાદ થયો છે. જેની સામે ૩૦ ભુવા પડ્યા છે.
ભુવાની સંખ્યા “ઓન રેકોર્ડ” છે. જયારે ન નોંધાયેલા કે સેટલમેન્ટમાં ગણત્રી કરવામાં આવેલા ભુવાની સંખ્યા થોડી વધારે હશે. શહેરના ૩૦ પૈકી રપ ભુવાના મરામત કામ માટે રૂા.પ૦.ર૬ લાખનો ખર્ચ થયો છે. જયારે એક ભુવા રીપેરીંગનો ખર્ચ પાડવાનો બાકી છે. શહેરના ઉતર-પશ્ચિમ ઝોનમાં ૦ર, દક્ષિણ ઝોનમાં ૦૩, પશ્ચિમ ઝોનમાં ૦૬, મધ્યઝોનમાં ૦૭, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૦૩, ઉતરમાં ૦૧ અને પૂર્વઝોનમાં ૦૪ ભુવા પડયા છે. આ સંખ્યા ૧પ જુલાઈ સુધીની જ છે. ત્યારબાદ મધ્ય, દક્ષિણ અને પશ્ચિમ ઝોનમાં નવા ભુવા પડયા હતા.
જેના રીપેરીંગ કામ ચાલી રહયા છે. શહેરના ઉત્તર-પશ્ચિમ ઝોનના બે ભુવાના રીપેરીંગ માટે રૂા.૪.રપ લાખ, દક્ષિણ ઝોનમાં રૂા.ર.પ૦ લાખ, પશ્ચિમ ઝોનમાં રૂા.૧૪.૩પ લાખ, દક્ષિણ- પશ્ચિમ ઝોનમાં રૂા.૧.૬૦ લાખ, ઉત્તર ઝોનમાં માત્ર એક ભુવા માટે રૂા.૪.પ૦ લાખ તથા પૂર્વ ઝોનના ચાર ભુવા માટે રૂા.૧૩.૩૧ લાખનો ખર્ચ થયો છે. દક્ષિણ- પશ્ચિમ ઝોનના બે ભુવાનો રીપેરીંગ ખર્ચ પાડવાનો બાકી છે. જયારે નવરંગપુરા વિસ્તારમાં માણેકબાગ ક્રોસ રોડ અને મક્તમપુરા મીનેશનગર સોસાયટી પાસેના ભુવાનું રીપેરીંગ કામ ચાલી રહયુ છે. તેથી રૂા.પ૦.ર૬ લાખનો ખર્ચ રર ભુવા માટે જ થયો છે. આ ખર્ચમાં હજી વધારો થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. જયારે ર૬ ભુવા બાદ જે પાંચ સ્થળે ભુવા પડ્યા છે તેના ખર્ચની ગણત્રી અલગથી કરવામાં આવશે. શહેરમાં ર૦૧૯ના વર્ષ દરમ્યાન ૬૬ ભુવા પડ્યા હતા
જેના રીપેરીંગ માટે રૂા.ર.૮૮ કરોડનો ખર્ચ થયો હતો. શહેરમાં છેલ્લા આઠ વર્ષમાં પ૦૦ કરતા વધારે ભુવા પડ્યા છે. ર૦૧૭ની સાલમાં સૌથી વધુ ભુવા પડયા હતા. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ભુવા દીઠ સરેરાશ રૂા.પાંચ લાખનો ખર્ચ થાય
છે. નોંધનીય બાબત એ છે કે પ્રતિ કિ.મી. રૂા.આઠ કરોડના ખર્ચથી તૈયાર કરવામાં આવેલા જનમાર્ગમાં પણ વિશાળ ભુવા પડી રહયા છે. આ બાબત જ રોડના કાર્યોમાં થતા ભ્રષ્ટાચારને સાબિત કરી રહી છે.