અમદાવાદ શહેરમાં સશસ્ત્ર લુંટારૂ ટોળકીઓ બેફામ
ઘાટલોડિયા સહિત ત્રણ વિસ્તારોમાં શસ્ત્રો બતાવી નાગરિકોને લુંટી લેતા પોલીસતંત્ર ચોંકી ઉઠયું
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરમાં આજકાલ લુંટની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે હાલ સુધી ફોન તથા સોનાના અછોડાની ચીલઝડપ કે લુંટ થતી હતી થોડા દિવસોથી ધોળા દિવસે સશસ્ત્ર લુંટ કરવાના બનાવમાં વધારો થયો છે. બે દિવસ અગાઉ જ રવિવારના દિવસે ઘાટલોડીયાની દુકાનમાં ઘુસી ચાકુની અણીએ વેપારીને મારી નાંખવાની ધમકી આપી લુંટ કરવાની ઘટના સામે આવી હતી.
આ ઘટના હજી તાજી જ છે ત્યાં જ સોમવારે આવી વધુ ત્રણ ફરીયાદ આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. શહેરમાં છેલ્લા બે દિવસથી સશસ્ત્ર લુંટારુ ટોળકીનો આંતક વધવા લાગ્યો છે સમગ્ર શહેરમાં આવી લુંટારુ ટોળકીઓ નાગરિકો અને વહેપારીઓને લુંટી રહી છે આ ઘટનાની હારમાળા સર્જાતા નાગરિકોમાં ફફડાટ જાેવા મળી રહયો છે.
લુંટારુ ટોળકીઓ દિવસ દરમિયાન જુદા જુદા વિસ્તારોમાં ત્રાટકે છે અને ઘટનાને અંજામ આપી ભાગી છુટે છે સમગ્ર શહેરમાં અચાનક જ આવી ઘટનાઓ વધવા લાગતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા છે ત્યારે બીજીબાજુ શહેરમાં કથળતી જતી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિના પગલે પોલીસતંત્રની કામગીરી ઉપર પણ સવાલો ઉઠવા લાગ્યા છે. લુંટારુ ટોળકીઓને પોલીસનો જાણે કોઈ ડર જ ન હોય તે રીતે ખુલ્લેઆમ લુંટફાટ કરવા લાગી છે. આ ઘટનામાં પોલીસ અધિકારીઓ તાત્કાલિક સઘન તપાસ કરી ટોળકીને ઝડપી લેવા માટે સ્થાનિક પોલીસને જરૂરી સુચનો આપ્યા હોવાનું જાણવા મળી રહયું છે.
અમદાવાદ શહેરમાં લોકડાઉન બાદ રાજય સરકારે અનલોક-૧ અને ત્યારબાદ અનલોક-ર ની જાહેરાત કરી છે અને તેમાં વ્યાપક પ્રમાણમાં છુટછાટો આપવામાં આવતા અમદાવાદ શહેરમાં ફરી એક વખત દુકાનો અને બજારો ખુલી ગયા છે અને સમગ્ર શહેર પુનઃ ધમધમતુ થઈ ગયું છે આ પરિસ્થિતિનો તસ્કરો અને લુંટારુઓ ગેરલાભ ઉઠાવી રહયા છે.
શહેરમાં ફરી એક વખત લોકડાઉન પહેલાની સ્થિતિ જાેવા મળી રહી છે જાેકે છેલ્લા ત્રણ દિવસથી તો શહેરમાં સશસ્ત્ર લુંટારુ ટોળકીએ ભારે આંતક મચાવ્યો છે એક પછી એક વિસ્તારમાં વહેપારીઓ અને નાગરિકોને લુંટવાની ઘટનાઓ બનવા લાગી છે. સૌ પ્રથમ બનાવ સરખેજ પોલીસ સ્ટેશનની હદમાં બન્યો છે ગુરૂદત્ત શર્મા (મોટેરા) સાણંદની એક્ષીસ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. તે પોતાની કાર લઈ સોમવારે સાંજે ઘરે પરત ફરી રહયા હતા ત્યારે સાંજે આઠ વાગ્યે એપલવુડ નજીક રીંગ રોડ પર પહોચ્યા ત્યારે અંધારાનો લાભ લઈ એક નંબર પ્લેટ વગરની એક્ટિવાના ચાલકે તેમને એક્સીડન્ટ કર્યુ હોવાના બહાને રોકયા હતા અને ઝઘડો કરી ગાડીની ચાવી લઈ લીધી હતી બાદમાં તેમને ગલીમાં લઈ જઈ ચાકુ કાઢીને જે પણ હોય એ આપી દે નહીતર મારીને ફેંકી દઈશ તેમ કહીને રોકડ ર૦૦૦ તથા તેમની હોન્ડા સીટી કારની લુંટ ચલાવીને પલાયન થઈ ગયો હતો.
બીજી ઘટના સેટેલાઈટ પોલીસની હદમાં બની છે. દીનાનાથ ગુપ્તા સેન્ટીંગના કોન્ટ્રાકટર તરીકેનો વ્યવસાય કરે છે તે ઈસ્કોન ચાર રસ્તા નજીક ચાલતી તેમની સાઈટ પરથી સોમવારે સાંજે સાત વાગ્યે પરત ફરતા હતા ત્યારે શિવાલીક શિલ્પની પાછળ એક શખ્સે તેમને ઉભા રાખીને કેવી રીતે એક્ટિવા ચલાવે છે તેમ કહી ચપ્પુ કાઢતા ડરી ગયેલા દિનાનાથ ચાલુ એક્ટિવા મુકી જાન બચાવી ભાગ્યા હતા થોડે આગળ જઈને ઉભા રહેતા અજાણ્યો શખ્સ તેમની એક્ટિવા લઈ રફુચક્કર થઈ ગયો હતો.
જયારે બાપુનગરમાં રહેતા પંકજભાઈ યાદવ (ઉ.રપ) તેમની માતા સાથે જમનાનગરના છાપરા નજીક ઉભા રહી ફોન ઉપર વાત કરતા હતા ત્યારે ચૌહાણનગર બાપુનગરમાં રહેતો સંજુ ઉર્ફે બાબા નામનો શખ્સ ત્યાં આવીને તમે અહીં કેમ ઉભા છો ? કહી ચપ્પુ બતાવીને પંકજભાઈનો ફોન ઝુંટવી લઈને ફરાર થઈ ગયો હતો. શહેરમાં સશસ્ત્ર લુંટની ઘટનાઓ બનતા નાગરીકો સાથે તંત્ર પણ ચિંતિત બન્યું છે.