શહેરમાં ૭૩૪પ સુપર સ્પ્રેડરના ટેસ્ટ: ૧૩૩ પોઝીટીવ
(દેવેન્દ્રશાહ દ્વારા) અમદાવાદ, દિવાળી તહેવારોને ધ્યાનમાં રાખીને મનપા દ્વારા સુપર સ્પ્રેડરના એન્ટીજન (રેપીડ) ટેસ્ટ કરવામાં આવી રહયા છે જેના કારણે કોરોના ટેસ્ટ અને પોઝીટીવ કેસની સંખ્યામાં વધારો થયો છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા છેલ્લા પાંચ દિવસ દરમ્યાન સાત હજાર કરતા વધુ વેપારીઓના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેની સામે ૧૩૦ જેટલા પોઝીટીવ કેસ નોંધાયા છે. શહેરના પૂર્વ ઝોનમાં સુપર સ્પ્રેડરના સૌથી વધુ પોઝીટીવ કેસ કન્ફર્મ થયા છે. મ્યુનિ. કોર્પોરેશને કોરોના ટેસ્ટની સંખ્યામાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં લઈ પાંચ લાખ એન્ટીજન કીટની ખરીદી માટે ટેન્ડર જાહેર કર્યાં છે.
કોરોના વાયરસને નિયંત્રણમાં લેવા માટે મનપા દ્વારા અવાર નવાર સુપર સ્પ્રેડરના ટેસ્ટ કરવામાં આવે છે. ગત્ મે અને જુલાઈ મહીનામાં શાકભાજી, કરીયાણા, ડેરી પાર્લર, હેર કટીંગ સલૂન, મેડીકલ સ્ટોર્સના વેપાર સાથે સંકળાયેલા લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. હવે દિવ્ળીના તહેવારોની ભયમુક્ત ઉજવણી થઈ શકે તે માટે ફરસાણ, મીઠાઈ, કરીયાણા, રેડીમેઈડ સ્ટોર્સ, જવેલરી શોપ, ડેરી પાર્લર, સુપર મોલ્સના વેપાર સાથે સંકળાયેલ નાગરીકોના ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે.
મ્યુનિ. તંત્ર દ્વારા પાંચ નવેમ્બરથી સુપર સ્પ્રેડરના ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં નવ નવેમ્બર સુધી ૧૩૩ વેપારીઓ સંક્રમિત થયા હોવાની વિગતો જાહેર થઈ છે. મ્યુનિ. સુત્રોએ જણાવ્યા મુજબ પાંચ નવેમ્બરે ૧પ૪૬ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જે પૈકી ર૯ પોઝીટીવ કન્ફર્મ થયા હતા. ૦૬ નવેમ્બરે ૧૯૪૭ ટેસ્ટ થયા હતા. જેની સામે ૩૪ સુપર સ્પ્રેડર પોઝીટીવ જાહેર થયા હતા. ૦૭ નવેમ્બરે ૧૭ર૮ કેસ સામે ર૬ પોઝીટીવ, આઠ નવેમ્બરે ૧ર૭૩ ટેસ્ટ અને ર૭ પોઝીટીવ તથા ૦૯ નવેમ્બરે ૮ર૪ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા જે પૈકી ૧૭ પોઝીટીવ કન્ફર્મ થયા હતા. આમ, પાંચ દિવસમાં સુપર સ્પ્રેડરના ૭૩૪પ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેની સામે ૧૩૩ કોરોના સંક્રમિત જાહેર થયા હતા.
મ્યુનિ. કોર્પોરેશનના પૂર્વ ઝોનમાં સૌથી વધુ ર૮ સુપર- સ્પ્રેડર પોઝીટીવ હોવાની વિગતો બહાર આવી છે. પૂર્વ ઝોનમાં ૧૧૪૬ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જયારે મધ્યઝોનમાં ૧પ૬૧ ટેસ્ટ પૈકી ૧૭ પોઝીટીવ, દક્ષિણ ઝોનમાં ૭૯૭ ટેસ્ટ સામે ૧૩ પોઝીટીવ, પશ્ચિમ ઝોનમાં ૧૦પ૭ ટેસ્ટ સામે ૧૮ પોઝીટીવ, ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૧૧૯૭ ટેસ્ટ અને ર૬ પોઝીટીવ, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૭૩૦ ટેસ્ટ પૈકી ૧૪ પોઝીટીવ તેમજ ૮૬૩ ટેસ્ટ સામે ૧૭ કોરોના સંક્રમિત હોવાનું જાહેર થયુ છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા તમામ વોર્ડમાં વેપારીઓના સરવે કરવામાં આવ્યા હતા જેના આધારે વેપારીઓના એન્ટીજન ટેસ્ટ થઈ રહયા છે.
અમદાવાદ શહેરના નાગરીકોની સવલત માટે તમામ નાના-મોટા જંકશનો પર કોરોના એન્ટીજન ટેસ્ટ માટે ડીઓસ્ક ઉભા કરવામાં આવ્યા છે. પરંતુ કેટલાક નાગરીકો તેને મથકનું કેન્દ્ર બનાવી રહયા છે, તથા રોજે-રોજ ટેસ્ટ કરાવી રહયા છે જેના કારણે ટેસ્ટીંગ પર નિયંત્રણ લાદવાની તંત્રને ફરજ પડી છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ર૦ લાખ એન્ટીજન ટેસ્ટ કીટની ખરીદી કરવામાં આવી છે તથા હાલ પર્યાપ્ત જથ્થામાં એન્ટીજન કીટ ઉપલબ્ધ છે. તેમ છતાં ભવિષ્યની જરૂરીયાતને ધ્યાનમાં લઈ વધુ પાંચ લાખ કીટ ખરીદવા માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હોવાનું સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.