Western Times News

Gujarati News

અમદાવાદમાં ૮૯ કિ.મી.ના રોડ તૂટ્યાઃ રીપેરીંગ માટે રૂા.૬.રપ કરોડનો ખર્ચ થયો

Files Photo

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, સ્માર્ટ સીટી અમદાવાદમાં ફરી એક વખત તૂટેલા રોડનો મુદ્દો ઉછળ્યો છે. ર૦૧૭ની સાલમાં હાઈકોર્ટની ફીટકાર બાદ મ્યુનિ. શાસકો અને અધિકારીઓ સફાળા જાગ્યા હતા. તેમજ ૯પ જેટલા તુટેલા રોડ રીપેર કરવામાં આવ્યા હતા. તદ્‌પરાંત ત્રણ કોન્ટ્રાકટરોને બ્લેક લીસ્ટ કરી ઈજનેર ખાતાના નાના-મોટા ર૭ જેટલા અધિકારીઓને શો-કોઝ નોટિસ પણ આપવામાં આવી હતી.

ર૦ર૧ના વર્ષમાં ફરી એક વખત ર૦૧૭નું પુનરાવર્તન થઈ રહયું હોય તેમ લાગી રહયું છે જેના કારણે સોમવારે મેયર અને સ્ટેન્ડીંગ કમીટી ચેરમેને તાકીદે ઈજનેર ખાતાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી જેમાં તૂટેલા રોડ, ખાડા અને નવરાત્રિ બાદ કરવા લાયક નવા રોડ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

સ્માર્ટ સીટી અમદાવાદમાં ચોમાસાની સીઝનમાં રોડ તૂટવા સામાન્ય બાબત બની ગઈ છે. જાેકે ર૦૧૭ના કડવા અનુભવ બાદ ઈજનેર અધિકારીઓ રોડના કામ માટે વધુ ચોકસાઈ રાખી રહયા છે. ર૦૧૭માં જે રોડ તુટ્યા હતા તેમાં હલકી ગુણવતાના માલસામાનનો વપરાશ અને સુપરવીઝનનો અભાવ સ્પષ્ટ જાેવા મળ્યા હતા પરંતુ ર૦ર૧માં આવી ભુલ થઈ નથી જેના કારણે ડીફેકટ લાયેબીલીટીમાં હોય તેવા કોઈ જ રોડ તૂટ્યા નથી તેવા દાવા પણ થયા હતા.

મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન હિતેશભાઈ બારોટના જણાવ્યા મુજબ ચાલુ વરસે વરસાદ તથા અન્ય કારણોસર ૧૬૦પ૬ જેટલા ખાડા પડયા છે જે પૈકી ૧પ૮૪ર જેટલા ખાડા પુરવામાં આવ્યા છે માત્ર ર૧૪ ખાડા ભરવાના બાકી રહયા છે જયારે સાત ઝોનના ૪૮ વોર્ડમાં ૩પ૦ જેટલા રોડ તૂટ્યા છે જેની અંદાજીત લંબાઈ ૮૯.૭પ કીલોમીટર છે જેમાં સૌથી વધુ ર૯.૬૧ કીલોમીટરના રોડ પૂર્વઝોનમાં તૂટ્યા છે.

જયારે પશ્ચિમ ઝોનમાં ૧૧.૯૧ કીલોમીટર, ઉ.પ.ઝોનમાં ૧૩.૦પ કી.મી., દ.પશ્ચિમ ઝોનમાં ૧૦.૦૮ કિ.મી. દક્ષિણ ઝોનમાં ૧૭.પ૯ કી.મી. મધ્યઝોનમાં ૧.૧૭ કિ.મી તથા ઉ.ઝોનમાં ૬.૩પ કીલો મીટરના રોડ તૂટ્યા છે જેની સામે ૬૮.પ૧ કીલોમીટરના રોડ રીપેર થયા છે. પૂર્વઝોનમાં ર૩.૬ર કીલોમીટરના રોડ રીપેર થયા છે. ચોમાસા દરમ્યાન તૂટેલા રોડના રીપેરીંગ પેટે રૂા.૬.ર૭ કરોડનો ખર્ચ થયો છે.

ઈજનેર ખાતાના અધિકારીઓની બેઠકમાં દશેરા બાદ નવા રોડ બનાવવા માટે ચર્ચા કરવામાં આવી છે. દશેરાથી એપ્રિલ-ર૦રરર સુધી રૂા.રરપ કરોડના ખર્ચથી રરપ કિલોમીટર લંબાઈના રોડ બનાવવામાં આવશે.

શહેરના ઉત્તરઝોનમાં રૂા.૩૦ કરોડના ખર્ચથી ૩૭ રોડ, ઉ.પ.ઝોન અને દ.પ.ઝોનમાં રૂા.ર૩ કરોડના ખર્ચથી ૪ર રોડ, દક્ષિણ ઝોનમાં રૂા.૩૬ કરોડના ખર્ચથી ૯૮ રોડ, મધ્યઝોનમાં રૂા.ર૪ કરોડના ખર્ચથી ૩૭ કરોડ, પૂર્વમાં ૪૮ રોડ માટે રૂા.ર૪ કરોડનો ખર્ચ તેમજ પશ્ચિમમાં રૂા.૩૩ કરોડના ખર્ચથી પ૭ કરોડ બનાવવામાં આવશે. ચાલુ વરસે જે રોડ તૂટ્યા છે તે તમામ રોડ ત્રણ વર્ષ પહેલા બનાવવામાં આવ્યા છે તથા ડીફેકટ લાયેબીલીટીનો કોઈ જ રોડ નથી તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.