Western Times News

Gujarati News

શહેરમાં 4 બિલ્ડરોના ર૪ સ્થળો પર આયકરના દરોડા

૪ બિલ્ડરો પર સવારથી જ દરોડાની કાર્યવાહીમાં પ્રાથમિક તપાસમાં જ થોકબંધ દસ્તાવેજા મળી આવ્યા : રાંચરડા પાસે કરોડો રૂપિયાની જમીનના સોદા બાદ આયકર વિભાગ હરકતમાં આવ્યું  

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં મંદી બાદ રિયલ એસ્ટેટ ક્ષેત્રે તેજી જાવા મળી રહી છે. અમદાવાદ શહેર તથા આસપાસના વિસ્તારોમાં જમીનોના મોટા સોદા થવા લાગતા ઈન્કમટેક્ષ વિભાગ સતર્ક બની ગયું છે. વાર્ષિક લક્ષ્યાંક હાંસલ કરવા માટે કાળા નાણાંની હેરફેર કરનાર વહેપારીઓ ઉપર નજર રાખવામાં આવી રહી છે આ દરમિયાનમાં રાચરડા પાસે કરોડોની જમીનનો સોદો થયો હોવાની વિગતો મળતા ઈન્કમટેક્ષ અધિકારીઓ દ્વારા ખાનગી રાહે તપાસ શરૂ કરવામાં આવી હતી અને તેમાં મહત્વપૂર્ણ વિગતો જાણવા મળી હતી જેના આધારે આજે સવારથી જ આયકર વિભાગના અધિકારીઓની આગેવાનીમાં ર૪ સ્થળો પર અમદાવાદ શહેરમાં સામુહિક રીતે ચાર બિલ્ડરોને ત્યાં દરોડા પાડવામાં આવતા વહેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

ગઈકાલ રાતથી જ આયકર વિભાગની કચેરીમાં ભારે ધમધમાટ જાવા મળતો હતો અને દરોડાની કાર્યવાહી માટે અન્ય શહેરોમાંથી આયકર વિભાગના અધિકારીઓને અમદાવાદ બોલાવવામાં આવ્યા હતાં. પ્રાથમિક તપાસમાં જ કરોડો રૂપિયાનું કાળુ નાણું મળી આવ્યું હોવાનું જાણવા મળે છે તથા સંખ્યાબંધ લોકરો સીલ કરી થોકબંધ વાંધાજનક દસ્તાવેજા જપ્ત કરવામાં આવ્યા છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં લાંબા સમયની મંદી બાદ બાંધકામ ક્ષેત્રે થોડી તેજી જાવા મળી રહી છે જેના પગલે બિલ્ડરો દ્વારા નવી સાઈટો માટે જમીનોનું ખરીદ વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેર તથા આસપાસના વિસ્તારોમાં મોટાપાયે જમીનોના સોદા શરૂ થતા જ આયકર વિભાગ દ્વારા આ તમામ સોદા પર નજર રાખવામાં આવી રહી છે

આ તપાસ દરમિયાન અમદાવાદ નજીક રાચરડા પાસે આવેલા થોર ગામ નજીક એક વિશાળ જમીનનો કરોડો રૂપિયાનો સોદો થયો હોવાની વિગતો આયકર વિભાગને મળી હતી જેના પગલે આયકર વિભાગના અધિકારીઓએ ખાનગીરાહે તપાસ કરાવતા આ સોદામાં કરોડો રૂપિયાના કાળા નાણાંનો વ્યવહાર થયો હોવાનું જાણવા મળ્યુ હતું આ વિગતો બહાર આવતા જ આયકર વિભાગના અધિકારીઓએ આ સોદો કરનાર બિલ્ડરો પર નજર રાખવાનું શરૂ કર્યું હતું

જેમાં કેટલાક નામો બહાર આવ્યા હતાં. આ સોદામાં અજય શ્રીધર, રાજુભાઈ પટેલ તથા દિનેશ જૈન નામના બિલ્ડરો તથા જમીનોની લે-વેચ કરતા અગ્રણીઓના નામો ખુલ્યા હતા આ ઉપરાંત શરદ પટેલ નામના અન્ય એક બિલ્ડરનું નામ પણ બહાર આવ્યું હતું જેના આધારે આ ચારેય બિલ્ડરો પર નજર રાખવામાં આવી રહી હતી.


કરોડો રૂપિયાના જમીનના સોદા બાદ આયકર વિભાગ દ્વારા શરૂ કરાયેલી કામગીરી દરમિયાન તમામ વિગતો મેળવી લેવામાં આવી હતી જમીનના સોદા અંગેની સંપૂર્ણ વિગતો મળી ગયા બાદ આયકર વિભાગ દ્વારા આ ચારેય બિલ્ડરોના ધંધાના તથા રહેણાંકના સ્થળોને નકકી કરી દેવામાં આવ્યા હતાં છેલ્લા એક સપ્તાહથી આયકર વિભાગના અધિકારીઓ આ વહેપારીઓને ત્યાં દરોડો પાડવા માટે સતર્ક બન્યા હતાં અને આ માટે સશસ્ત્ર  બંદોબસ્તની માંગણી પણ કરવામાં આવી હતી. આયકર વિભાગના અધિકારીઓએ આ ચારેય બિલ્ડરોના કુલ ર૪ સ્થળો શોધી કાઢયા હતાં જેના આધારે આયકર વિભાગના અધિકારીઓની આગેવાનીમાં કુલ ર૪ ટીમો બનાવવામાં આવી હતી.

અમદાવાદ શહેરમાં નકકી કરાયેલા આ ચારેય બિલ્ડરોના ર૪ સ્થળો પર દરોડાની કાર્યવાહી કરવા માટે અમદાવાદ બહારથી આયકર વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓને ગઈકાલે જ બોલાવી લેવામાં આવ્યા હતાં. આજે સવારથી જ આયકર વિભાગની કચેરીમાં ભારે ધમધમાટ જાવા મળતો હતો અને પોલીસ બંદોબસ્ત સાથે ર૪ ટીમો તૈયાર થઈ ગઈ હતી


આ તમામ ટીમોને આયકર વિભાગના અધિકારીઓએ સરનામા સાથેના કવર સુપ્રત કરતા સવારથી જ શહેરના સેટેલાઈટ,વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં આવેલા આ બિલ્ડરોના ધંધાના તથા રહેણાંકના સ્થળો પર સામુહિક રીતે દરોડા પાડવામાં આવતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. રાજપથ કલબની પાછળ તથા થલતેજ જવાના રસ્તા પર આવેલા ધંધાના અને રહેણાંકના સ્થળો પર વ્યાપક પ્રમાણમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ હતું પ્રાથમિક કામગીરીમાં જ મહત્વપૂર્ણ વિગતો આયકર વિભાગને મળી હતી. અજય શ્રીધર, રાજુભાઈ પટેલ તથા દિનેશભાઈ જૈન આ ત્રણેય ધંધામાં એક બીજા સાથે સંકળાયેલા છે જયારે શરદભાઈ પટેલ અલગથી જમીનની લે-વેચ કરી રહયા છે.

આયકર વિભાગે દરોડા પાડતાંની સાથે જ સર્ચ ઓપરેશન શરૂ કરતા થોકબંધ વાંધાજનક દસ્તાવેજા કબજે કરવામાં આવ્યા છે આ ઉપરાંત સંખ્યાબંધ લોકરો પણ સીલ કરી દેવામાં આવ્યા છે. આમ પ્રાથમિક તપાસમાં જ મોટી રકમનું કાળુ નાણું મળી આવ્યાનું જાણવા મળી રહયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.