શહેરીજનોને પાણી ઉકાળીને પીવા પાટણ નગરપાલિકાની અપીલ
માહિતી બ્યુરો, પાટણ શહેરમાં નર્મદા કેનાલ આધારીત સુજલામ સુફલામ યોજના અંતર્ગત કેનાલથી ખોરસમ પમ્પિંગ સ્ટેશન સુધી પાઇપ લાઇન દ્વારા પાટણ પદ્મનાભ જંકશન ઉપર આવતું પાણી ખુલ્લી કેનાલ દ્વારા સિદ્ધિ સરોવરમાં આવે છે. ત્યાંથી ઇન્ટેકવેલમાંથી પાણી લિફ્ટિંગ કરીને ફિલ્ટર પ્લાન્ટ દ્વારા પાણી શહેરના વિવિધ વિસ્તારમાં પૂરું પાડવામાં આવે છે.
નર્મદા કેનાલમાંથી નીચેના સ્તરેથી પાણી સિદ્ધિ સરોવરમાં આવતું હોઈ છેલ્લા દશ દિવસથી ડહોળાશવાળું તેમજ પીળાશ પડતું પાણી આવે છે. જાેકે આ પાણીને ફિલ્ટર પ્લાન્ટમાં ક્લોરિફિકેશન કરવામાં આવે છે પરંતુ તેમ છતાં શહેરીજનોના આરોગ્ય અને સુખાકારીને ધ્યાનમાં રાખીને પાણી ઉકાળીને પીવા માટે પાટણ નગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.જેથી પાણીજન્ય રોગચાળાથી બચી શકાય એમ ચીફ ઑફિસર, પાટણ ની અખબારી યાદીમાં જણાવ્યું છે