શહેરોમાં કાલથી હેલ્મેટ ફરજીયાત થાય તેવી શક્યતા
ગુરૂવારે મળનારી કેબીનેટની બેઠકમાં નિર્ણય લેવાય તેવી સંપૂર્ણ શક્યતા
(પ્રતિનિધિ) અમદાવાદ: કેન્દ્રીય વાહન વ્યવહાર વિભાગે દેશભરમાં હેલ્મેટ ફરજીયાત સહિતના જાહેર કરેલા નિયમોનું રાજયના મુખ્યમંત્રીએ રાજયના શહેરોમાં હેલ્મેટ પહેરવામાંથી મુકિત આપતો નિર્ણય લીધો હતો પરંતુ આ મુદ્દે રોડ સેફટી કાઉન્સીલે સ્પષ્ટતા માંગતા આખરે રાજય સરકાર આ મુદ્દે ફરી ગંભીર બની છે અને રાજય સરકારે હેલ્મેટના કાયદામાં આપેલી છુટછાટો પરત ખેંચી લેવાનો સંકેત આપ્યો છે અને આવતીકાલે મળનારી કેબીનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવશે તેવું સુત્રોમાંથી જાણવા મળી રહયું છે જેના પગલે આવતીકાલથી સમગ્ર રાજયમાં હેલ્મેટનો કાયદો ફરજીયાત બનશે.
દેશભરમાં ટ્રાફિક નિયમનનો કડક અમલ કરવામાં આવી રહયો છે કેન્દ્ર સરકારના આદેશથી રાજય સરકારોએ આ નિયમોને અમલમાં મુકયો છે અકસ્માતો ઘટાડવા માટે લેવાયેલા આ નિર્ણય સામે અનેક રાજયોમાં ઉગ્ર વિરોધ થઈ રહયો છે
ગુજરાતમાં હેલ્મેટના કાયદાનો ઉગ્ર વિરોધ થતાં રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાજેતરમાં રાજયના શહેરોમાંથી હેલ્મેટ પહેરવામાંથી વાહનચાલકોને મુકિત આપી હતી. મુખ્યમંત્રીએ આપેલી આ છુટછાટને કેન્દ્ર સરકારે ગંભીરતાથી લીધી હતી અને સંબંધિત વિભાગો દ્વારા રાજય સરકાર પાસેથી સ્પષ્ટતાઓ મંગાવવામાં આવી હતી
જેના પગલે રાજય સરકારે સ્પષ્ટ જણાવ્યું હતું કે હેલ્મેટમાંથી મુકિત આપવાનો નિર્ણય તે માત્ર રાહતરૂપે લેવામાં આવ્યો છે જેના પગલે કેન્દ્ર સરકારે આ નિર્ણયનો અમલ કરવા માટે જણાવ્યું હતું. કેન્દ્ર સરકારના આદેશના પગલે રાજય સરકારે હવે હેલ્મેટના કાયદામાં આપેલી છુટછાટો પાછી ખેંચવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ગઈકાલે ગુજરાત સરકાર દ્વારા આ અંગે સ્પષ્ટતા કરવામા આવી હતી અને નાગરિકોને ફરી હેલ્મેટ પહેરવાની તૈયારીઓ શરૂ કરવા જણાવી દેવામાં આવ્યું હતું. ગુજરાત સરકારની આવતીકાલે કેબીનેટની બેઠક મળવાની છે કેબીનેટની બેઠકમાં ખેડૂતોના પ્રશ્નો પર મુખ્ય ચર્ચા થવાની છે આ ઉપરાંત હેલ્મેટના મુદ્દે કેબીનેટની બેઠકમાં ચર્ચા થશે તેવું જાણવા મળી રહયું છે. કેન્દ્ર સરકારના સંબંધિત વિભાગો દ્વારા હેલ્મેટ ફરજીયાત કરવાના મુદ્દે આ બેઠકમાં સઘન ચર્ચા કરવામાં આવનાર છે
સાથે સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપેલી છુટછાટો પર ચર્ચા થશે. જાકે હેલ્મેટનો કાયદો દેશભરમાં અમલીત છે ત્યારે ગુજરાતમાં પણ આ કાયદાનો અમલ થાય તે માટે ફરી એક વખત તૈયારીઓ શરૂ કરી દીધી છે. આવતીકાલની કેબીનેટની બેઠકમાં હેલ્મેટના મુદ્દે ફરી આ નિર્ણય ફરજીયાત કરવામાં આવે તેવુ જાણવા મળી રહયું છે. કેબીનેટની બેઠક બાદ સરકારના પ્રવકતા મંત્રીઓ દ્વારા આ નિર્ણય જાહેર કરવામાં આવનાર છે.
કેબીનેટની બેઠક પૂર્વે રાજયના મંત્રી દ્વારા આ અંગેનો નિર્દેશ આપી દેવામાં આવ્યો છે જેના પગલે ટુંક સમયમાં જ રાજયમાં હેલ્મેટનો કાયદો ફરી વખત લાગુ પડશે તેવુ સ્પષ્ટપણે માનવામાં આવી રહયું છે ત્યારે આવતીકાલે મળનારી કેબીનેટની બેઠકમાં જ આ નિર્ણય લેવામાં આવે તેવી સંપૂર્ણ શકયતા છે. કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફીક નિયમનનો અમલ દેશભરમાં લાગુ કરી દેવાયો છે અન્ય નિયમોનો અમલ થઈ રહયો છે અને હવે તેની સાથે ગુજરાતમાં હેલ્મેટના કાયદાનો પણ અમલ શરૂ થઈ જશે.
રાજયના શહેરી વિસ્તારો અને ખાસ કરીને રાજકોટમાં હેલ્મેટનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. જેના પગલે આ છુટછાટ આપવામાં આવી હતી જાકે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સ્પષ્ટતા કરી હતી કે હેલ્મેટનો કાયદો રદ કરવામાં આવ્યો નથી આ માત્ર છુટછાટના ભાગરૂપે જ નિર્ણય લેવામાં આવ્યો છે. જેના પગલે હવે આવતીકાલથી રાજયભરમાં હેલ્મેટનો કાયદો ફરી અમલી બનશે તેવુ સુત્રોમાંથી જાણવા મળી રહયું છે.