શહેરો-જીલ્લાઓમાં ૧૦૦ ટકા વેક્સિનેશન ઝડપથી પૂર્ણ કરવા સરકારની સુચના

(એજન્સી) અમદાવાદ, ગુજરાતમાં ઓમિક્રોન અને કોરોનાના વધતા જતાં કેસો સામે સરકાર સફાળી જાગી ગઈ છે. રાજયના ચીફ સેક્રેટરી પંકજકુમારે જીલ્લા કલેકટરો અને મહાનગરોના ઉચ્ચ અધિકારીઓ સાથે મંત્રણા કરી કોવિડ પ્રોટોકોલના ચુસ્ત પાલન માટે આદેશ કર્યો હતો.
સરકારે એવો આદેશ પણ આપ્યો છે કે રાજ્યભરમાં ૧૦૦ ટકા વેક્સિનેશન ઝડપથી પૂર્ણ કરવામાં જીલ્લાઓ અને શહેરોમાં અધિકારી ઓ સહયોગ આપે. પ્રત્યેક જીલ્લા કલેકટર અને મ્યુનિસિપલ કમિશ્નર પાસેથી કોરોના નિયંત્રણની વ્યુહરચનાની વિગતો પણ મેળવવામાં આવી છે.
આ મંત્રણા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવી હતી. આ બેઠકમાં કોરોના ટેસ્ટીંગ, કોન્ટેક્ટ ટ્રેસિંગ વધારવા, કોવિડ પ્રોટોકોલનો ચુસ્ત અમલ કરવા તેમજ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન સહિતના ઉપાયો અંગેે ચર્ચા કરવામાં આવી છે. આ ઝોનમાં ક્વોરેન્ટાઈનનો ભંગ ન થાય તેની તકેદારી રાખવા દિવસભર પોલીસ વિઝીટ ઉપરાત પ્રતિદિન એક સીનિયર અધિકારીને પણ સ્થળ પર વિઝીટ કરવાના આદેશ કરવામાં આવ્યા છે.
કોરોના કેસો વધતા સરકાર હરકતમાં આવી છે. કોરોના વાયરસ અને તેના સંક્રમણને અટકાવવાના પગલાની સમીક્ષા તેમજ આદેશો કરવામાં આવ્યા છે. રાજ્યની હોસ્પીટલોમાં ઈન્ફ્રાસ્ટ્રકચર, બેડની સંખ્યા, ઓક્સિજનની સુવિધા, વેન્ટીલેટર, માસ્ક પીપીઈ કીટ સેનિટાઈઝર્સ અને આવશ્યક દવાઓની પુરતી માત્રામાં જથ્થા સંદર્ભેે પણ સમીક્ષા કરવામાં આવી છે.