શહેર કોટડામાં રીઢા ગુનેગારે યુવાનની જાહેરમાં હત્યા કરતાં ચકચાર
લોકોએ હોબાળો મચાવતાં પોલીસે કાર્યવાહી કરી આરોપીને ઝડપી લીધો |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ શહેર ધીમે ધીમે ક્રાઈમ સીટી બનતું નજરે પડી રહયું છે. શહેરમાં ગંભીર પ્રકારનાં ગુનાઓનું પ્રમાણસહીત વધી રહયું છે. બેફામ બનેલાં ગુંડા તત્વો દ્વારા હત્યાની ઘટનાઓ વારંવાર બહાર આવી રહી છે. જેનાં પરીણામે શહેરીજનો સતત ભયમાં છે. આ સ્થિતીમાં સરસપુર વિસ્તારમાં વધુ એક મર્ડરની ઘટના બનતાં ચકચાર મચી છે.
સરસપુર ખાતે રહેતાં ચંદ્રકાંત પરમાર સીકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતાં હતા. જા કે છેલ્લા એક મહીનાથી તેમને કમળાની બીમારી થતાં તે ઘરે જ હતા. દરમ્યાન સોમવારે સાંજે બેતાલીસ વર્ષીય ચંદ્રકાંતભાઈ ઈંટવાડા સર્કલ નજીક ઉભાં હતા.
એ સમયે માથાભારે રીઢો ગુનેગાર દીક્ષીત શ્રીમાળી ત્યાં આવ્યો હતો. અને પોતાની પાસે રહેલા ચપ્પુ વડે તેમનાં પેટમાં ઉપરાછાપરી ઘા મારતાં તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડયા હતા. અને થોડીવારમાં તેમણે દમ તોડી દીધો હતો. ઘટનાને પગલે લોકોમાં નાસભાગ મચી હતી. અને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. હત્યા કર્યા બાદ દિક્ષીત ત્યાંથી રફુચકકર થઈ ગયો હતો.
ચંદ્રકાંતભાઈને હોસ્પીટલમાં લઈ જવાયા હતા. જયાં ફરજ પરનાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. જેનાં પગલે દવાખાનામાં લોકોનાં ટોળેટોળાં ઉમટયા હતા.
સૃત્રોના જણાવ્યા અનુસાર જાહેરમાં હત્યા થવા છતાં પોલીસે શરૂઆતમાં દીક્ષીત સામે ફરીયાદ નોધી ન હતા જેની પગલે લોકોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ હોબાળો કર્યો હતો. આ ઘટના બાદ ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. અને દીક્ષીત વિરૂધ્ધ કાર્યવાહી કરવાની બાંહેધરી આપતાં લોકોનો ગુસ્સો શાંત થયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે દિક્ષીત અગાઉ બે ખૂન કેસમાં ઝડપાઈ ચુકયો છે. લોકોનાં ગુસ્સા બાદ તાત્કાલીક કાર્યવાહી કરતાંશહેર કોટડા પોલીસે રાતભર શોધખોળ ચલાવી દીક્ષીતને ઝડપી લીધો હોવાનું જાણવા મળ્યું છે.