શહેર પોલીસનો સપાટો : ચાર સ્થળે ત્રાટકીને ૨૫થી વધુ જુગારીઓની અટક
અમદાવાદ: શહેર પોલીસ તંત્રે રવિવારે સપાટો બોલાવતાં ચાર સ્થળે દરોડા પાડ્યા હતાં. અને જુગાર રમતાં ૨૫થી શખ્સોને ઝડપી લીધા હતાં. આ ઉપરાંત પોલીસે જુગારધામ પરથી લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ કબ્જે કર્યાનું બહાર આવ્યું છે. ગોમતીપુર પોલીસે મરીયમબીબી ચાર રસ્તા પાસે જાહેરમાં જ જુગાર રમતાં આઠ શખ્સોને રૂ.૧૨ હજારનાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે ગત સાંજે ચાર વાગ્યે નગરી મિલની સામે સાત ચાલીમાં પણ દરોડો પાડીને પાંચ જુગારીઓને ઝબ્બે કર્યા છે.
ઊપરાંત આનંદનગર ડી સ્ટાફે બાતમીનાં આધારે જાધપુર ગામ વિજય કોમ્પ્લેક્ષ ખાતે આંબલીવાલા મકાનમાં દરોડો પાડીને જુગાર રમતાં સાત શકુનીઓને પકડી લીધા હતા અને જુગારનાં સાધનો વાહનો રોકડ સહિત રૂ.૨.૧૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યાે હતો.
જ્યારે બહેરામપુરા ખોડીયાનગર, હનુમાન મંદિરની ચાલીમાં જુગાર રમાઈ રહ્યાં હોવાની માહિતી મળતાં જ દાણીલીમડા પોલીસનો સ્ટાફ સક્રિય થયો હતા અને મધરાતે ત્રાટકીને નવ જુગારીઓને રૂ.૭૩ હજારથી વધુનાં મુદ્દામાલ સાથે ઝડપી લેવાયાં છે. આ તમામ શખ્સો વિરૂદ્ધ જુગારધારાની કલમો લગાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસની કડક કામગીરીનાં કારણે જુગારીઓ તથા જુગારધામનાં સંચાલકોમાં પણ ભય ફેલાયો છે.