શાંતિ વાર્તાની આડમાં ચીન કરે છે ખતરનાક તૈયારીઓ
સરહદે તનાવભરી પરિસ્થિતિ વચ્ચે ભારતે ચીની સેનાનો કોર્પોરલ વાંગ યા લાંગ દેમચોક વિસ્તારમાંથી ઝડપાયો
નવી દિલ્હી, ચીન-ભારત સરહદે ગંભીર તણાવની સ્થિતિ છે. અહીં ચીને ૬૦ હજારથી વધારે જવાનો ખડક્યા છે અને બીજી બાજુ તે ભારત સાથે વાતચીતનું નાટક પણ કરી રહ્યું છે. મહત્વની વાત એ છે કે, ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓમાં અનેક સ્તરની સૈન્ય વાતચીત થઈ પરંતુ કોઈ નિશ્ચિત પરિણામ સુધી પહોંચી શકાયુ નથી. બીજી બાજુ શાંતિ વાર્તાની આડમાં ચીન સરહદે ભારે માત્રામાં શસ્ત્રો ખડકી રહ્યું છે. ચીનની આ હરકતો ઘણી સૂચક છે. ચીનના આ વલણથી એવી ચર્ચા જાગી છે કે, ચીન અંદરખાને યુદ્ધની તૈયારીઓ કરી રહ્યું છે. ડ્રેગન ભારતને વાતચીતમાં વ્યસ્ત રાખીને યુદ્ધની તૈયારીઓ કરી રહ્યું હોવાની શક્યતા છે.
સરહદે તનાવભરી સ્થિતિ વચ્ચે ભારતે ચીની સેનાનો કોર્પોરલ વાંગ યા લાંગ દેમચોક વિસ્તારમાંથી ઝડપાયો હતો. ભારતીય સેનાના સત્તાવાર બયાન પ્રમાણે કોર્પોરલ યાંગ ભૂલથી સરહદ પાર કરીને ભારત તરફ આવી ગયો હતો. ભારત-પાકિસ્તાન સરહદે મોટા ભાગના વિસ્તારોમાં ફેન્સિંગ કરેલું છે. ચીન સરહદમાં એવુ કોઈ બંધન નથી, મોટે ભાગે સરહદ ખુલ્લી છે. વળી જ્યાંથી એ ભારતમાં ઝડપાયો એ લદ્દાખનો દક્ષિણ વિસ્તાર ગીચ ઝાડી-ઝાંખરા ધરાવે છે. સરહદ પર સ્પષ્ટ માર્કિંગ ન હોવાથી કોઈ પણ ત્યાં ભુલુ પડી શકે છે. ચીની સૈનિકો સરહદ પાર લાંબો સમય રોકાવવા માટે કાયમી બંકર બનાવી રહ્યા છે.
શિયાળામાં પહેરી શકાય એવા વસ્ત્રો અને અન્ય સાધન સામગ્રી તેમને પુરી પાડવામાં આવી રહી છે. લદ્દાખ સરહદે અત્યારે તાપમાન ઓલરેડી શૂન્ય નીચે પહોંચી ગયું છે. એ સંજોગોમાં ટકી રહેવું ચીની સેના માટે વધારે કપરું છે. સાથે સાથે ચીન દ્વારા સતત લશ્કરી સામગ્રી પણ ખડકાઈ રહી છે. તેના આધારે સ્પષ્ટ થાય છે કે ચીન લાંબો સમય સુધી સરહદે ટકી રહેવાનો મલીન ઈરાદો ધરાવે છે. ચીને થોડા દિવસો પહેલા જ સરહદે માઈન્સ (જમીની સુરંગ) બિછાવી શકતા રોકેટનું પણ પરીક્ષણ કર્યું હતું. સામે પક્ષે ભારતીય સૈનિકો પણ મક્કમ છે. ભારતીય સેનાએ લદ્દાખ સરહદે અનેક ઊંચા સ્થળોએ પેટ્રોલિંગ વધારી દીધું છે.
લદ્દાખમાં ભારતીય સૈનિકો દ્વારા કરવામાં આવી રહેલી અસાધારણ કામગીરીના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વખાણ કર્યા હતા. બિહારના છપરામાં સભા સંબોધતા રાજનાથ સિંહે કહ્યું હતું કે, જે સૈનિકો સરહદે વિષમ પરિસ્થિતિમાં રખોપું કરી રહ્યા છે, તેમનું ઋણ આપણે કોઈ રીતે ચૂકવી શકીએ એમ નથી. હું તેમના પ્રદાનને વંદન કરું છું. સાથે સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે ભારતની એક ઈંચ જેટલી ભૂમિ પણ કોઈ દેશ આંચકી શકશે નહીં. ભારતે ચીનનો સૈનિક સલામત રીતે પરત કરી દેતા ચીની સેનાએ ભારતીય સૈન્ય અને સરકારનો આભાર માન્યો હતો. ભારતીય સૈન્યના આ માનવતાવાદી પગલાની સર્વત્ર પ્રસંશા થઈ હતી. કેમ કે અત્યારે જે પ્રકારનો તંગ માહોલ છે, તેમાં સામાન્ય રીતે કોઈ દેશ દુશ્મનના સૈનિકને પરત મોકલે નહીં.SSS