શાંધાઈમાં ટેસલાનો પ્લાન્ટ ખૂલી ગયો, ૪૦ બસમાં કર્મચારી કામ પર આવ્યા
ફોર્ડ, હોન્ડા અને બીજી ઓટો કંપનીઓના પ્લાન્ટ પણ શરૂ -કોરોના વાઈરસના ચેપથી બંધ પ્લાન્ટ ફરી શરૂ થયો
શાંધાઈ, ચીનમાં કોરોના વાઈરસના ચેપના કારણે ઘણી ફેકટરીઓને પ્રોડકશન બંધ કરવા કહી દેવામાં આવ્યું હતું પણ સોમવારથી ચીનમાં ફેકટરીઓ ખોલવા અને ઓફિસોને શરૂ કરવાની આંશિક છૂટ અપાઈ હતી. પરિણામે શાંધાઈના પુડોંગ જિલ્લામાં આવેલા ઈલેકિટ્રક કાર ટેસલા ગીગાનો પ્લાન્ટ ખૂલી ગયો હતો. ફોર્ડ, હોન્ડા અને બીજી ઓટો કંપનીઓના પ્લાન્ટ પણ શરૂ થઈ ગયા છે.
ચીનમાં નવા વર્ષની રજાઓ બાદ સોમવારથી લોકો કામ પર પાછા ફરવા લાગ્યા છે. બિઝનેસ હાઉસો સોમવારથી ખૂલી ગયા છે પણ વ્હાઈટ કોલર કર્મચારીઓ ઘરેથી જ કામ કરશે. ચીનમાં સ્કૂલો અને યુનિવર્સિટીઓમાં ફેબ્રુઆરીના અંત સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો આદેશ અપાયો છે.
સોમવારે સવારે શાંધાઈમાં ટેસલાના પ્લાન્ટામાં ૪૦ શટલ બસો ભરેલા કર્મચારીઓ કામ પર આવ્યા હતા. સામાન્ય દિવસોમાં ૧૦૦ બસો ભરેલા કર્મચારીઓ આવે છે. આ કંપની એક અઠવાડિયામાં મોડેલ-૩ની ૩,૦૦૦ કારનું ઉત્પાદન કરે છે.
ટેસલા ચાઈનાની વાઈસ પ્રેસિડન્ટ તાઉ લીને સ્થાનિક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વાઈબો ઉપર કર્મચારીઓને સલામત પ્રવાસ કરવા અને પોતાને સુરક્ષિત રાખવા અપીલ કરી હતી. તેણે ઈન્ફોગ્રાફિકની મદદથી કર્મચારીઓને શું કરવું અને શું ન કરવું એની જાણકારી આપી હતી.
કર્મચારીઓને વારંવાર હાથ ધોવાની સલાહ આપવામાં આવી હતી. શનિવારે શાંધાઈની સ્થાનિક સરકારે ટેસલા અને બીજા ઈન્ડસ્ટ્રિયલ હાઉસો સાથે ચર્ચા કરી હતી અને ફેકટરીઓ ફરીથી શરૂ કરવા માટે તમામ સહાય આપવાની ખાતરી આપી હતી. ટેસલા માટે બેટરી બનાવતી એલ.જી કેમ કંપનીએ પણ સોમવારથી પ્રોડકશન શરૂ કરી દીધું હતું. ફોર્ડ હોન્ડા અને બીજી ઓટો કંનીઓએ પણ તેમના પ્લાન્ટ શરૂ કર્યા હતા. જાકે બીએમડબ્લ્યુનો પ્લાન્ટ ૧૭ ફેબ્રુઆરીથી શરૂ થવાનો છે. (એન.આર.)