શાકભાજીના ભાવમાં કડાકો બોલાતાં ખેડૂતોની કફોડી સ્થિતિ
ગાંધીનગર, સાબરકાંઠા જિલ્લામાં શાકભાજીના ભાવોમાં ઘટાડો થયો છે. એક બાજુ ખેડૂતો કમોસમી વરસાદને લઈ પરેશાન છે ત્યાં હવે શાકભાજીના ભાવો પણ નીચા રહેતાં ખેડૂતો પરેશાન બન્યા છે. તો હાલમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઈને પણ શાકભાજીના ભાવ પર અસર પડી રહી છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં ફુલાવર અને કોબીજનું વાવેતર વધુ થાય છે તો વડાલી પણ શાકભાજીનું હબ છે. જ્યાં વાલોળ સહીત શાકભાજીનું વાવેતર વધુ થાય છે. ત્યારે લોકડાઉનમાં પણ શાકભાજીનું વાવેતર કરતાં ખેડૂતોને નુકસાન ભોગવવું પડ્યું હતું તો અનલોક બાદ ખેડૂતોએ શાકભાજીનું વાવેતર કર્યું પરંતુ કમોસમી વરસાદને લઈને ખેડૂતોને કરેલું વાવેતર કોહવાઈ ગયું હતું તો ફૂલવારનો ધરું પણ માથે પડ્યો હતો.જેથી કરેલો ખર્ચ માથે પડ્યો હતો અને ફરીથી ધરું સાથે માવજતનો ખર્ચ કરવો પડ્યો હતો ત્યાં જ શિયાળો શરુ થતા શાકભાજીના વાવેતર બાદ ઉત્પાદન વધી ગયું હતું. જેથી હોલસેલ બજારમાં ખેડૂત જયારે પોતાનું ઉત્પાદન વેચવા આવે ત્યારે કરેલ ખર્ચ પણ નીકળતો નથી. નફો થવાની વાત તો ક્યાય રહી પરંતુ નુકશાન થઇ રહ્યું છે. જે નુકશાનમાં ઓછો ભાવ મળતા નુકશાનમાં થોડો ઘટાડો થયો છે. પણ નફો નથી થતો. જેથી હવે ખેડૂતો ઓછા ભાવે ના વેચે તો વધુ નુકશાન ભોગવવું પડે છે.
તો બીજી તરફ દિલ્હીમાં ચાલી રહેલ આંદોલનને લઈને શાકભાજીનો નિકાસ થતો નથી જેથી ભાવ પણ તળિયે આઈ ગયા છે.હોલસેલ બજારમાં શાકભાજીના ભાવ થોડા સમયે પહેલા ૨૦ કિલોના રૂ.૨૦૦ થી રૂ.૩૦૦ હતો તો હાલના સમયમાં રૂ ૧૦૦ થી રૂ.૩૦૦ નો થયો છે.જેથી ખેડૂતોની ઉપજનો ભાવ ઓછો મળી રહ્યો છે. કુદરતી અને માનવ સર્જિત આફતો વચ્ચે મહામુસીબતે ખેડૂતોએ પકવેલા શાકભાજી તૈયાર થયા બાદ જયારે હોલસેલ બજારમાં વેચાણ અર્થે આવે છે ત્યારે ઉપજ જેટલો પણ ભાવ ખેડૂતોને મળતો નથી તો બીજી તરફ મધ્યમ વર્ગીય ગૃહિણીઓ જયારે શાકભાજીની ખરીદી માટે જતા હોય છે ત્યારે પણ શાકભાજીના ભાવો આસમાને હોય છે.જેને લઈને ખેડૂતો તો મુશ્કેલીનો સામનો કરે છે સાથે મધ્યમ વર્ગને પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે બંનેની મુશ્કેલીઓ વચ્ચે વેપારીઓ બમણો નફો કરી રહ્યા છે.
શિયાળામાં અને સાથે જ હાલમાં ચાલી રહેલા રોગચાળા વચ્ચે લીલા શાકભાજી સ્વાસ્થ માટે ખુબ મહત્વ પૂર્ણ હોય છે. ત્યારે લીલા શાકભાજી આરોગવા મજબુર લોકોએ ઊંચા ભાવે પણ શાકભાજીની ખરીદી કરવી પડતી હોય છે. એટલે કે હાલના સમયમાં ખેડૂત અને સામાન્ય વર્ગ શાકભાજીના ભાવોમાં બંને તરફથી પીસાઈ રહ્યો છે. આમ ખેડૂતના વેચાણ ભાવ સામે ગ્રાહકોએ હાલમાં વધુ પ્રમાણમાં ભાવ ચુકવવા પડે છે.તો વેપારીઓને હાલના ચાલી રહેલા દિલ્હી આંદોલનને લઈને નિકાસના અભાવે શાકભાજી આવક સામે વધુ આવતા ભાવમાં મંદી હોવાની વાત કરી રહ્યા છે. ગત સાલે પાછોતરા વરસાદે ખેડૂતોને પાયમાલ કર્યા હતા તો બીજી તરફ ચાલુ સાલે સારા ઉત્પાદન અને સારા ભાવની આશાએ ખેડૂતોએ શાકભાજીનું હોંશભેર વાવેતર કર્યું હતું.પરંતુ માવઠાના મારે ખેડૂતોને પાયામાલ કર્યા હતા.એટલુજ નહિ પરંતુ માનવ સર્જિત આફતે ખેડૂતોની મુશ્કેલીમાં આંશિક વધારો કર્યો છે.ત્યારે હવે ખેડૂતોને મફતના ભાવે શાકભાજી વેચવા મજબુર થવું પડ્યું છે.SSS