શાકભાજીના ભાવમાં વધારાથી ગૃહિણીઓના બજેટ ખોરવાયા
કોરોના સંક્રમણને લઇને જમાલપુર માર્કેટ બંધ કરાયા બાદ શહેરમાં શાકભાજી લાવવું મુશ્કેલ બની રહ્યું છે
અમદાવાદ, શહેરમાં છેલ્લા ૧૫ દિવસમાં શાકભાજીના ભાવ આસમાને ગયા છે. જેના કારમે ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ છે. કોરોના સંક્રમણને લઇને જમાલપુર માર્કેટ બંધ કરાયા બાદ શહેરમાં શાકભાજી લાવવું મુશ્કેલ બની રહ્યું છે. રાજ્ય અને દેશભરમાંથી શાકભાજી લઇને આવતા ખેડૂતો માટે સરળતા પડે તેવી કોઇ ચોક્કસ જગ્યા તંત્ર દ્વારા કરવામાં આવી નથી. શહેરમાં શાકભાજી સપ્લાયની આખી ચેન વિખાઈ ગઈ છે. આ સ્થિતિમાં શહેરના જુદા-જુદા વિસ્તારોમાં શાકભાજીના મનફાવે તેવા ભાવ બોલાઇ રહ્યા છે. જેના કારણે લોકો પણ શાકભાજીની ખરીદીમાં ખુલ્લેઆમ લૂંટાઇ રહ્યા છે અને ગરીબ- મધ્યમ વર્ગ માટે બે ટાઇમ શાકભાજી ખાવુ કપરું બની રહ્યું છે.
દસ દિવસ પહેલા હોલસેલમાં ૬ થી ૧૦ રૂપિયે કિલો મળતા ભીંડા હાલમાં ૪૦ થી ૫૦ રૂપિયે કિલો મળી રહ્યા છે. તેવી જ રીતે ગીલોડા ૧૦ થી ૨૦ના હવે ૫૦ થી ૮૦ થયા છે. ગવાર ૨૦ થી ૩૫ના ૫૦ થી ૯૦ થયા છે. કારેલા ૧૦ થી ૧૫ના સીધા ૩૦ થી ૪૦ થયા છે. ધાણા જે પહેલા ૧૫થી ૩૦માં મળતા હતા તે હાલમાં ૧૦૦ થી ૨૦૦ રૂપિયે કિલો હોલસેલમાં મળી રહ્યા છે. ફૂલાવર ૧૦ થી ૨૦ના ૪૦ થી ૬૦ ભાવ થઇ ગયા છે. દરેક શાકભાજી મોંઘુ થઇ ગયું છે.આ અંગે વેપારીઓના જણાવ્યા મુજબ ભાવ આપવા છતાંય માલની ગુણવત્તા મળતી નથી. ૨૦ કિલોના શાકભાજીમાં ૫ થી ૭ કિલો માલ સડેલો નીકળે છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ અમદાવાદમાં માલ ઠાલવવાનું ચોક્કસ સ્થળ ન હોવાથી ખેડૂતોએ તેમનો માલ લઇને રખડવું પડે છે.એક તરફ ભારે વરસાદના કારણે માલને નુકસાન થયું છે. ખેતરોમાં જ માલ સડી ગયો છે. તેથી ખેડૂતોને પણ નુકસાન થઈ રહ્યું છે. આ સ્થિતિમાં હાલમાં શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા શહેરમાં આવતા શાકભાજી માટે યોગ્ય અને તમામને અનુકુળ રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી નથી. ત્યારે શહેરમાં વસતા ૬૦ લાખથી વધુની જનસંખ્યાને હાલમાં મોંઘા ભાવે શાકભાજી ખાવાની ફરજ પડી રહી છે.