શાકભાજીના ભાવો ઘટ્યા : ગૃહિણીઓને રાહત
ટામેટા, કોબીજ, ફુલાવરના કિલોના ભાવ રૂ.ર થી ૪
(પ્રતિનિધિ) અમદાવાદ: ગત સપ્તાહમાં ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠા થવાને કારણે ખેડૂતો તેમના ખેતરમાં પકવેલા શાકભાજીમાં સડો ન પેસે બે બગડી ન જાય તે માટે જે ભાવ મળે તે ભાવે ટામેટા, કોબીજ, ફલાવર વેચી રહ્યા છે.
અમદાવાદમાં જથ્થાબંધ માર્કેટમાં ખુબ જ પ્રમાણમાં શાકભાજી ઠલવાતા, મોટાભાગના શાકભાજી ઘટયા હોવાનું જાણવા મળે છે. જથ્થાબંધ માર્કેટમાં આજે ફલાવર, કોબીજ, ટામેટા રૂ.ર થી રૂ.૪ના કિલોના ભાવે વેચાઈ રહ્યા છે.
જથ્થાબંધ માર્કેટમાં અન્ય શાકભાજીના ભાવો પણ ૧પ થી ર૦ ટકા ઘટયા હોવાનું જાણવા મળે છે જથ્થાબંધ માર્કેટમાં શાકભાજીના ભાવોમાં સતત થઈ રહેલ ઘટાડાની અસર છુટક બજારમાં પણ થતાં મધ્યમવર્ગના લોકો માટે ખુશીના સમાચાર છે. ગૃહિણીઓને શાકભાજીના ભાવ ઘટતા હોવાના સમાચારે રાહત આપી છે થોડાક દિવસો પહેલા ફલાવર, કોબીજ, ટામેટા છુટક બજારમાં રૂ.૪૦ થી રૂ.પ૦ના કીલો મળતા હતા તે હવે સસ્તા મળશે તેવી આશા ગૃહિણીઓ રાખી રહી છે.
જથ્થાબંધ માર્કેટના એક વેપારીએ જણાવ્યું હતું કે જે રીતે ખેડૂતો શાકભાજી બજારમાં લાવી રહ્યા છે તે જાતા શાકભાજીના ભાવો હજુ ઘટે તેવી શક્યતા છે.