શાકભાજીની દુકાનો શરૂ થશે- સવારે ૮ થી બપોરે ૩ દરમિયાન જ આ વેચાણ થઇ શકશે

Files Photo
વન અને પર્યાવરણ વિભાગના એડીશનલ ચીફ સેક્રેટરી શ્રી રાજીવકુમાર ગુપ્તાએ જણાવ્યું છે કે, અમદાવાદ શહેરમાં સ્થિતી સામાન્ય બનાવવા તેમજ લોકોની સુવિધા વધારવા મહત્વનો નિર્ણય કરાયો છે. તેના ભાગરૂપે આવતીકાલ તા. ૧૫મી મે થી શાકભાજી, ફળતેમજ દવા અને કરીયાણાંની દુકાનો શરૂ કરવામાં આવશે. જો કે સવારે ૮ થી બપોરે ૩ દરમિયાન જ આ વેચાણ થઇ શકશે તેમ તેમણે જણાવ્યું હતું.
શ્રી ગુપ્તાએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં ૧૭૦૦૦ જેટલા ફળ, શાકભાજીના ફેરિયાઓ અને દુકાનદારોને હેલ્થ કાર્ડ અપાયા છે. વેચાણના સમય દરમિયાન અગવડ ન પડે તે માટે સવારે ૮ થી ૧૧ દરમિયાન મહિલાઓ – બાળકો અને ૧૧ પછી પુખ્ત વયના લોકો ખરીદી કરે તો સુગમતા જાળવી શકાશે. સાથે સાથે આ દુકાનોમાં વેચાણ સતત ચાલુ જ રહેવાનું છે એટલે કોઇપણ વ્યક્તિ સંગ્રહ ન કરે અને લોકો શિસ્ત દાખવીને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની સાથે સાથે માસ્કપહેરવા અને સેનીટાઇઝેશન, ઘરે જઇને કપડાં બદલવા તેમજ સ્નાન કરી લેવા તેમણે અપીલ કરી છે.