શાકભાજી- કરીયાણાવાળા સુપર સ્પ્રેડર નથીઃ તંત્ર એ ટેસ્ટ બંધ કર્યાં

પ્રતિકાત્મક
છેલ્લા “વેવ” માટે ચૂંટણી અને મેચ જવાબદારઃ નિષ્ણાંતો
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા કોરોના કેસને નિયંત્રણમાં લેવા માટે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ટેસ્ટીંગ અને વેકસીન વધારવામાં આવ્યા છે. ભુતકાળના અનુભવને ધ્યાનમાં રાખીને શાકભાજી ફેરીયા, કરીયાણાવાળા, દુધ વિક્રેતા, મેડીકલ સ્ટોર્સ, રીક્ષાચાલકોના એન્ટીજન ટેસ્ટ કરવા માટે જાહેરાત કરવામાં આવી હતી,
પરંતુ માત્ર પાંચ દિવસમાં જ સુપર સ્પ્રેડરના ટેસ્ટ બંધ કરવામાં આવ્યા છે. કોરોનાના છેલ્લા “વેવ”માં કરીયાણા- શાકભાજીવાળા નહિ પરંતુ રાજકારણીઓ સુપર સ્પ્રેડર સાબિત થઈ રહયા હોવાની ચર્ચા ચાલી રહી છે.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા લગભગ દસ દિવસ અગાઉ સુપર સ્પ્રેડરના ફરજીયાત એન્ટીજન ટેસ્ટ માટે ફરમાન કરવામાં આવ્યુ હતુ તેમજ તેના માટે ર૦ કરતા વધુ સેન્ટરોની યાદી પણ જાહેર કરવામાં આવી હતી તેવી જ રીતે હોમ ડીલીવરી તથા મોલ્સમાં નોકરી કરનાર માટે આરટી- પીસીઆર ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યા હતા
જેમાં ખાનગી લેબોરેટરી સાથે કરાર પણ કરવામાં આવ્યા છે પરંતુ તંત્રને આ કવાયત દસ દિવસમાં જ બંધ કરવાની ફરજ પડી ે. મ્યુનિ. આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવ્યા મુજબ તંત્ર દ્વારા પાંચ દિવસમાં ૬ હજાર જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા જે પૈકી માત્ર પ૦ થી ૬૦ પોઝીટીવ કેસ મળ્યા હતા. તદ્પરાંત શાકભાજી, કરીયાણા કે અન્ય તમામ છુટક વેપારીઓ ટેસ્ટ માટે સ્પષ્ટ ના કહી રહયા છે જેના કારણે પણ તંત્ર એ “સુપર સ્પ્રેડર” ટેસ્ટીંગ બંધ કર્યા છે. તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.
અત્રે નોંધનીય બાબત એ છે કે કોરોનાની છેલ્લી “લહેર” માટે નાના અને છુટક વેપારીઓ નહીં પરંતુ ચૂંટણી અને મેચ જવાબદાર હોવાનું સાબિત થઈ રહયુ છે. અમદાવાદ શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં જે કેસ નોંધાયા છે તેમાં ચૂંટણી સમયે પ્રચાર કરનાર કાર્યકરો કે ચૂંટણી લડનાર ઉમેદવારો સંક્રમિત થયા છે તેવી જ રીતે મોટેરા સ્ટેડિયમમાં ક્રિકેટ મેચ જાેવા જનાર લોકો એ સુપર સ્પ્રેડર સાબિત થયા છે. આઈઆઈએમ તેનું ઉદાહરણ છે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.