Western Times News

Gujarati News

શાકભાજી વેચતી ગરીબ મહિલા દર્દીના ગળાની ગાંઠનું સફળતાપૂર્વક ઓપરેશન વિનામૂલ્યે થયું

ગુજરાત કૅન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટની સફળતા- અમદાવાદ મેડિસિટી સ્થિત ગુજરાત કૅન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના તબીબોએ ૯ કલાકની જહેમતના અંતે ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું

ખાનગી હોસ્પિટલમાં અંદાજે રૂ. ૫ લાખના ખર્ચે થતું ઓપરેશન ગુજરાત કૅન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ વિના મૂલ્યે થયું

⦁ ગુજરાત કૅન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ ગરીબ દર્દીનું વિના મૂલ્યે ઓપરેશન કરાયું – ડો.શશાંક પંડ્યા, વડા, ગુજરાત કૅન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, સિવિલ મેડિસિટી, અમદાવાદ

⦁ મસ્તિષ્ક અને ગળામાં આટલી મોટી ગાંઠ હોવાનું ઉપ્લબ્ધ તબીબી સાહિત્યમાં નોંધાયું નથી – ડૉ. પ્રિયાંક રાઠોડ, હેડ એન્ડ નેક ડિપાર્ટમેન્ટ, ગુજરાત કૅન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, સિવિલ મેડિસીટી, અમદાવાદ

અમદાવાદની સિવિલ મૅડિસિટી ખાતે ગુજરાત કૅન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના હેડ એન્ડ નેક ઓન્કોલોજી વિભાગના તબીબોએ 9 કલાકની ભારે જહેમત બાદ રાજકોટના શાકભાજી વેચતા ગરીબ મહિલા દર્દી શ્રી સોનલબહેનની ગળા પરની ગાંઠનું સફળતાપૂર્વક ઓપરેશન કર્યું.

અમે ગુજરાત કૅન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના હેડ એન્ડ નેકના સર્જન શ્રી પ્રિયાંક રાઠોડને પૂછ્યું કે, કૅન્સર રિસર્ચ ઈન્સ્ટિયૂટમાં અનેક ઓપરેશન થતા હોય છે ત્યારે આ ઓપરેશન આપની ટીમ માટે કેમ પડકારરૂપ હતું ? જવાબમાં ડો. રાઠોડ કહે છે : આ કેસમાં દર્દીનું ટ્યૂમર ધમની અને શીરાને ચોંટેલુ હતુ અને જો ઓપરેશન દરમિયાન રક્તસ્ત્રાવ થાય તો દર્દીનું મૃત્યું થવાનું જોખમ રહેલું હતું. આમ, આ ઓપરેશન ઘણું જોખમી હતું. ડો. પ્રિયાંક ઓપરેશન માટે અન્ય ટીમના સભ્યોને શ્રેય આપતા કહે છે, આ અઘરું ઓપરેશન એનેસ્થેસિયા અને પ્લાસ્ટિક સર્જરીની ટીમ સાથેના સંકલન અને સહયોગના કારણે આ અમે કરી શક્યા.

આ ઓપરેશનનો બીજો પડકાર વર્ણવતા ડો. પ્રિયાંક રાઠોડ કહે છે – દર્દીના ગળાની ડાબી બાજુએ અંદાજે 2.5 કિલોની ગાંઠ હતી. આ ગાંઠ દૂર કરીએ તો રિકન્સ્ટ્રક્શન માટે આટલી ચામડી લાવવી કઈ રીતે તે પણ એક પ્રશ્ન હતો. પણ પ્લાસ્ટિક સર્જરી ટીમે તે કાર્ય ઉત્કૃષ્ટ રીતે કર્યું.

તબીબી પરિભાષામાં સુપ્રા મેજર સર્જરી તરીકે ઓળખાતી આ સર્જરી વિશે ડો.પ્રિયાંક કહે છે કે, દર્દીના ગળાની ડાબી બાજુએ 19 X 15 X12 સેન્ટીમીટરની આશરે અઢી કિલોની આટલી મોટી ગાંઠ અગાઉ ક્યારેય કોઈ દર્દીમાં જોવા મળી નથી. વળી, ઉપ્લબ્ધ તબીબી સાહિત્યમાં પણ આવી ગાંઠ વિશે કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી.

આ ઓપરેશનને તબીબી ભાષામાં સમજાવતા ડો. રાઠોડ કહે છે કે, આ ગરદન પરની ગાંઠનું નિદાન Malignant Peripheral Nerve Sheath Tumor તરીકે થયું હતું. સરળ ભાષામાં તેને ચેતાતંતુમાં થતુ સારકોમા( કેન્સરનો એક પ્રકાર) તરીકે ઓળખાવી શકાય.

ગુજરાત કૅન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના વડા ડૉ. શશાંક પંડ્યા તેમની તબીબી ટીમની કામગીરીને બિરદાવતા કહે છે કે, પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના( PMJAY) હેઠળ ગરીબ દર્દીની સફળતાપૂર્વક સર્જરી કરી ડો. પ્રિયાંક અને તેમની ટીમે સંસ્થાને ગૌરવ અપાવ્યું છે.

ડો. પંડ્યા આ ઓપરેશન અંગે સંતોષનો ભાવ વ્યક્ત કરતા કહે છે : પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ કૅન્સરથી પીડાતા અનેક ગરીબ દર્દીઓના વિના મૂલ્યે ઓપરેશન થાય ત્યારે તે મનને સંતોષ આપે છે.
આમ, સોનલબહેની સર્જરી થકી ગુજરાત કૅન્સર રીસર્ચ ઈન્સ્ટીટ્યૂટના તબીબોએ પુરવાર કર્યું છે કે, આજે પણ લાખો ગરીબ દર્દીઓ માટે સરકારી હોસ્પિટલ જ આશાનું છેલ્લું કિરણ બની રહે છે.

સુપ્રા મેજર સર્જરી એટલે શું ?

ગુજરાત કૅન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટની તબીબી ટીમ દ્વારા કરવામાં આવેલી આ સુપ્રા મેજરી સર્જરી ( 9 કલાકની) હતી. તબીબી ભાષામાં 3 કલાકથી વધુ ચાલતી સર્જરીને સુપ્રા મેજર સર્જરી કહે છે. જ્યારે 3 કલાક સુધી ચાલતી સર્જરીને મેજર સર્જરી કહેવાય છે.

પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના – ગરીબ દર્દીને સરકારી સહાયરૂપ મલમ

પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના ગરીબ-મધ્યમવર્ગના દર્દીઓ માટે આશિર્વાદરૂપ બની રહી છે. રાજકોટના શાકભાજી વેચતા સોનલબહેન રમેશભાઈ ચોવસીયાની( ઉ.35 વર્ષ) સર્જરી તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. શાકભાજી વેચીને પેટિયું રળતા સોનલબહેનને ગળાની ડાબી બાજુએ ગાંઠ થઈ,

ત્યારે ખાનગી હોસ્પિટલોમાં તબીબોએ સર્જરીનો ખર્ચ અંદાજે રૂ. 5 લાખ કહ્યો. જે ગરીબ દંપતી માટે અશક્ય હતો. પણ પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના ગરીબ મહિલાની વહારે આવી. ગુજરાત કૅન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે વિના મૂલ્યે સર્જરી કરી માત્ર મહિલા દર્દીનું જીવન જ નથી બચાવ્યું, પણ આ ગરીબ પરિવારને દેવાના ડુંગર તળે દબાતું પણ બચાવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.