Western Times News

Gujarati News

શામળાજી નજીક રાજસ્થાને શ્રમિકોને જ પ્રવેશતા અટકાવતા રતનપુર ચેકપોસ્ટ પર મેળાવડો 

લોકડાઉનની સ્થિતિમાં રાજસ્થાની શ્રમિકો પગપાળા વતન તરફ 

ગુજરાતમાં કોરોના વાઈરસને અટકાવવા મધ્યરાત્રીથી લોકડાઉન લાગુ થતાની સાથે અમદાવાદ સહીત ગુજરાતમાં રોજગારી અર્થે આવતા શ્રમિકોએ કોઈ કામકાજ ન રહેતા બુધવારે વતનની વાટ ભણી છે સરકારી અને ખાનગી પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ થતા શ્રમિકોએ પગપાળા પરિવાર સાથે ઉચાળા ભરી નીકળી પડતા હાલ અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર વાહનયાત્રા તો થંભી પણ પદયાત્રા વણથંભી બની હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે બીજીબાજુ રાજસ્થાન પોલીસતંત્ર અને વહીવટી તંત્રે આંતરરાજ્ય સરહદો બંધ કરી દેતા રાજસ્થાની શ્રમિકોનો મેળાવડો જામ્યો હોવાની સાથે સ્થિતિ દયનિય બની છે.

સમગ્ર ગુજરાત લોકડાઉન છે પરંતુ રાજસ્થાન તેમજ મેઘરજ તરફના બહાર રહેતા લોકો જીવ પડીકે બાંધી અમદાવાદ સહિતના શહેરો છોડીને વાહનયાત્રા બંધ હોવા છતાં વતન તરફ દોટ લગાવી છે. એક તરફ સરકારનો ઘરમાં જ પુરાઈ રહેવાનો આદેશ છે પરંતુ લોકોને વતનમાં પહોંચી જવાની ભારે ઉતાવળ હોય તેમ જે સાધન મળ્યું તે ન મળે તો પદયાત્રા કરીને વતન તરફ દોટ લગાવી હોવાના કિસ્સા સામે આવ્યા છે.

ગુજરાત રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ સમગ્ર ગુજરાતમાં ફરજીયાત લોકડાઉન કર્યું છે છતાં પદયાત્રા કે બાઈકો લઈને આવેલા લોકોનો શામળાજી બોર્ડર પર રાજસ્થાનના લોકોનો મેળાવડો જોવા મળ્યો હતો. ત્યારે આ રીતે લોકો નિકળી પડ્યા છે ત્યારે પોલીસની ઢીલી નિતિ સામે આવી છે. જો કે બીજી બાજુ પોલીસની સરાહનીય કામગીરી પણ જોવા મળી હતી. જેમાં બોર્ડર પર એક કેન્સરયુક્ત વ્યક્તિને પોલીસે મદદ કરી હતી. બીજી બાજુ રાજસ્થાન પોલીસ આ લોકોને રાજસ્થાનમાં પ્રવેશ આપતી ન હોવાનું પણ સામે આવ્યું હતું.

કોરોના વાયરસની મહામારી ના પગલે ગત રાત્રીના 12 વાગ્યાથી સમગ્ર ગુજરાતમાં પ્રાઇવેટ છકડા, રીક્ષા,ઈકો કાર જીપો, ટ્રાવેલ્સ બસો ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂક્યો છે. જેનું મુખ્ય તાત્પર્ય એ છે કે લોકો પોતાના ઘરમાં જ રહે અને બહાર ન નિકળે ત્યારે અમદાવાદ અને ગુજરાતના અન્ય વિસ્તારમાં રહેતા રાજસ્થાનના તેમજ મેઘરજ પંથકના લોકો પોતાના વતનમાં મોટર સાયકલો,ખાનગી વાહનો અને પગપાળા પણ પસાર થઇ રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા રોકવામાં આવતા અરવલ્લી જિલ્લાના શામળાજી – રતનપુરમાં રાજસ્થાન સરહદે લોકોના મોટા મેળવડા થઈ ગયા છે.

રાજસ્થાન પોલીસ ગુજરાતમાંથી આવતા મુસાફરોને રાજસ્થાનમાં દાખલ ન થવા દેવાના કિસ્સાઓ મંગળવારના રોજ સામે આવ્યા હતા. બીજી બાજુ બોર્ડર ઉપર લક્ઝરી બસો પ્રાઇવેટ વાહનો નાના વ્હિકલોની લાઈન લાગી ગઈ છે. અમદાવાદથી ડુંગરપુરના લોકો રાત્રે હિંમતનગર, ચિલોડાથી પગપાળા આવી રહ્યા હતા જેઓની સાથે નાના છોકરા પણ ચાલતા નજરે પડી રહેલ છે. બીજી બાજુ મોડાસાથી મેઘરજ તરફના માર્ગો ઉપર પણ કેટલાય લોકો પદયાત્રા કરતા નજરે ચઢ્યા હતા. જેમાંથી એક વ્યક્તિની પુછપરછ કરતાં તે અમદાવાદથી આવ્યો હતો. જ્યારે કઈ રીતે અમદાવાદથી મોડાસા આવ્યો તેની જાણકારી લેતાં તેણે જણાવ્યું હતું કે છુટા છવાયા વાહનો તેમજ વાહન ન મળે તો પગે ચાલીને મોડાસા પહોંચ્યા છીએ. હવે મેઘરજ તરફ ચાલવા માંડ્યું છે.

સાબરકાંઠા પોલીસ રાજસ્થાની શ્રમિકોની વ્હારે 

સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક ચૈતન્ય માંડલિક  દ્વારા પેટ્રોલિંગ દરમ્યાન મજરા થી રાજેન્દ્રનગર સુધીના હાઈવે પર રાજસ્થાનના શ્રમિકો પગપાળા રાજસ્થાન તરફ પ્રયાણ કરતા ઠેર ઠેર જોવા મળતા સ્થિતિને પારખી તમામ શ્રમિકો માટે   નાસ્તા, પાણીની વ્યવસ્થા કરવાની સાથે શ્રમિકો કોરોનાથી સંક્રમિત ના થાય તેની તકેદારી રાખી તેમના વતન તરફ જતા વાહનો ઉભા રખાવી ૪ થી વધુ લોકો વાહનમાં ન બેસે તેની તકેદારી રાખી માનવતાની મિશાલ પુરી પાડી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.