શારજહામાં તૈયારીઓનું સૌરવ ગાંગુલી દ્વારા નિરીક્ષણ કરાયું
દુબઈ: ઈન્ડિયન પ્રીમિયર લીગનો રંગ ૧૯ સપ્ટેમ્બરથી સંયુક્ત આરબ અમીરાતના આકાશમાં છવાઈ જશે. ટૂર્નામેન્ટ માટેની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. દરમિયાન બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયાના પ્રમુખ સૌરવ ગાંગુલી આઈપીએલ લીગ માટેની તૈયારીઓના નિરીક્ષણ માટે યુએઈ પહોંચ્યા હતા. ગયા અઠવાડિયે યુએઈ પહોંચેલા બોર્ડના ચીફ અને અન્ય અધિકારીઓને છ દિવસ માટે ક્વોરન્ટાઈનમાં રોકાવું પડ્યું હતું. સૌરવ ગાંગુલી બીસીસીઆઈના અન્ય અધિકારીઓ સાથે શારજાહ પહોંચ્યા હતા.
જ્યાં તેમણે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમની મુલાકાત લીધી. આઈપીએલ ૨૦૨૦ની આગામી ૧૯ સપ્ટેમ્બરથી શરૂ થશે અને તમામ મેચ અબુધાબી, શારજાહ અને દુબઈમાં રમાશે. ગાંગુલીએ શારજાહ ક્રિકેટ સ્ટેડિયમની તસવીર તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરતાં લખ્યું છે કે, “પ્રખ્યાત શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ આઈપીએલ ૨૦૨૦ માટે તૈયાર છે.”
સૌરવ ગાંગુલી તે ત્રણ સ્થળોની મુલાકાત લેવા જઈ રહ્યા છે જ્યાં આઈપીએલ ૨૦૨૦ મેચ રમાશે. પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. આઈપીએલ ૨૦૨૦ની ૨૪ મેચ દુબઈમાં રમાશે, જ્યારે અબુધાબીમાં ૨૦ અને ૧૨ મેચ શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાશે. બીસીસીઆઈએ ક્વોલિફાયર અને અંતિમ મેચના સ્થળની જાહેરાત કરી નથી.
તાજેતરમાં, શારજાહ સ્ટેડિયમ ખાતે પણ મોટાપાયે નવીનીકરણનું કામ કરવામાં આવ્યું હતુ. ગાંગુલી આ પ્રવાસ દરમિયાન આઈપીએલના અધ્યક્ષ બ્રિજેશ પટેલ, ભૂતપૂર્વ આઈપીએલ વડા રાજીવ શુક્લા અને સીઓઓ હેમાંગ અમીન સાથે હતા. આઈપીએલ ૨૦૨૦ને કોરોના વાઈરસ રોગચાળાને કારણે દેશની બહાર લઈ જવો પડ્યો છે. ૨૦૧૪ દરમ્યાન પણ યુએઈમાં આ લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે લીગને સફળ બનાવવા માટે સૌરવ ગાંગુલી પોતે તેની બીસીસીઆઈ ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે. કોરોના વાઈરસને કારણે બોર્ડે સલામતી માટે અનેક ર્નિણયો લીધા છે. યુએઈ પહોંચ્યા પછી તમામ ખેલાડીઓએ ક્વોરન્ટાઈનમાં રોકાવું પડ્યું હતુ, તે પછી જ તેણે પ્રેક્ટિસ શરૂ કરાઈ હતી.