શારદાબેન હોસ્પિટલના તબીબોનું અમાનવીય વર્તન
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પીટલો માત્ર તબીબોની મરજી મુજબ જ ચાલી રહી છે. મ્યુનિ. કોર્પોરેશન તરફથી “સારી અને શ્રેષ્ઠ” સારવારના ભરપુર દાવા કરવામાં આવી રહયા છે. પરંતુ વાસ્તવિક પરિસ્થિતી અલગ જ છે.
દર્દીઓને સમયસર સારવાર જ મળતી ન હોય ત્યારે “સારી અને શ્રેષ્ઠ” સારવારના સુત્ર કેટલા અંશે સાચા છે તે બાબત સમજી શકાય તેમ છે. તેવી જ રીતે સત્તાધારી પાર્ટી એ પેશન્ટ સાથે એક જ વ્યક્તિને રહેવા માટે કરેલા નિર્ણયના કારણે પણ અગવડ વધી રહી હોવાના આક્ષેપ થઈ રહયા છે.
ગોમતીપુર વોર્ડના કોંગી કોર્પોરેટર ઈકબાલ શેખે સીધા આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે મ્યુનિ. હોસ્પીટલો જુનિયર તબીબોના ભરોસે ચાલી રહી છે. જેના કારણે ગંભીર દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. કેટલીક વખત બેડ ખાલી હોવા છતાં પણ દર્દીને દાખલ કરવામાં આવતા નથી જેના કારણે ગરીબ દર્દીઓને મોંઘી હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી રહી છે.
ગોમતીપુર વિસ્તારની શકરા ઘાંચી ચાલીમાં રહેતા પરવીનબાનુ (ઉ.વ.પ૮)ને પગમાં નાની ગાંઠ હોવાથી પગ કાપવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયુ હતું. આ અંગે હોસ્પિટલના સીએમઓ ને પણ જાણ કરવામાં આવતા તેમણે જુનિયરને ભલામણ કરી હતી હોસ્પિટલના આઈસીયુ-૯ યુનિટ-ર માં બેડ ખાલી ન હોવાના કારણો આપી દર્દીને દાખલ ન કરવા પ્રયાસ કર્યા હતા તેથી મેં સર્જીકલ યુનિટના સીનીયર અને એશોસીએટ પ્રોફેસર ડો. દિપક વોરાનો ટેલીફોનિક સંપર્ક કર્યા હતા.
દુઃખદ બાબત એ છે કે સીનીયર તબીબે પણ જુનિયર તબીબનો સંપર્ક કરવા તથા બેજવાબદારી પૂર્વક મને ફોન ન કરવા જણાવ્યું હતું તેથી મારા દ્વારા અન્ય સીનીયર તબીબનો સંપર્ક કરવામાં આવ્યો હતો જેમણે માનવતા દાખવી દર્દીને સર્જીકલ વોર્ડમાં બેડ ફાળવી સંપૂર્ણ સારવાર અપાવી હતી તથા દર્દીના પગ ના કાપવા સુધીની સર્જરી કરાવી હતી આમ, શારદાબેન હોસ્પીટલના જુનીયર તબીબો તથા સર્જીકલ યુનિટના સીનીયર તબીબના અમાનવીય વર્તનના કારણે એક દર્દીની જીંદગી જાેખમાઈ હતી તેમજ મ્યુનિ. કોર્પોરેશનને પણ લાંછન લાગ્યુ હતુ તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.