શાળાઓએ વિદ્યાર્થીઓ માટે બેન્ચની ડિઝાઇન બદલીઃ ત્રણના બદલે બે જ વિદ્યાર્થી બેસી શકશે

પ્રતિકાત્મક
નવી બેન્ચ વચ્ચેના ગેપમાં બેગ મૂકવા બાસ્કેટઃ શહેરના ૪૫ ટકા ખાનગી કોચિંગ ક્લાસે પણ બેન્ચની ડિઝાઇન બદલી
અમદાવાદ, કોરોનાકાળની પરિસ્થિતિ સામે સરકારે બે ગજની દૂરી, ખૂબ જ જરૂરી મંત્ર આપ્યા બાદ હવે કોરોના આવે તો પણ સલામતીના ભાગરૂપે સ્કૂલોની બેન્ચોની ડિઝાઇન પણ બદલાઇ ગઇ છે. હવે એક બેન્ચ પર ત્રણ નહીં, પણ બે જ વિદ્યાર્થી બેસી શકે એ રીતે નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. શહેરની મોટાભાગની શાળાઓમાં તેમજ ૪૫ ટકા જેટલા કોચિંગ ક્લાસીસે નવી બેન્ચ બનાવવા ઓર્ડર આપ્યા હોવાનું જાણવા મળે છે.
કોરોના ઘટતા રાજ્ય સરકારે નવી ગાઇડલાઇન જાહેર કરીને સ્કૂલો અને ખાનગી કોચિંગ ક્લાસીસને ધોરણ-૬થી ૧૨માં ઓફલાઇન એજ્યુકેશન આપવાની મંજૂરી આપી દીધા બાદ ગાઇડલાઇનમાં સ્પષ્ટ લખાયું છે કે કોરોનાનો ફેલાવો રોકવા સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવુ પડશે, જેને કારણે સ્કૂલો અને ખાનગી કોચિંગોને એક બેન્ચ પર બે જ વિદ્યાર્થીઓને બેસાડી રહી છે.
કેટલીક કંપનીઓએ સ્કૂલો અને ખાનગી કોચિંગ ક્લાસીસ માટે નવી ડિઝાઇનની બાસ્કેટ બેન્ચ તૈયાર કરી છે. આ નવી બેન્ચમાં સેનિટાઇઝર તેમજ વોટર બેગ મૂકવાની ખાસ વ્યવસ્થા આપવામાં આવી છે. નવી ડિઝાઇનની બેન્ચોમાં વચ્ચેના ગેપમાં બેગ મુકવા બાસ્કેટ છે.
જેથી સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઇ રહેશે. આ સાથે બેન્ચ માટે સેનિટાઇઝર અને વોટર બોટલ મૂકવા માટે સ્ટેન્ડ પણ અપાયા છે. પહેલાની બેન્ચો પર પાટિયા નીચે બેગનું બોક્સ હતું. જે ઘણી વખત લાંબા વિદ્યાર્થીઓને પગમાં વાગતું હતું. જેથી તેમાં પણ આ બદલાવ કરાયો છે.
સામાન્ય બેન્ચ સાડા ત્રણથી ચાર હજારની પડતી હતી. જાેકે, નવી બેન્ચમાં એમએસના પાઇપનો ઉપયોગ વધારે હોવાથી ભાડા ચારથી સાડા પાંચ હજાર સુધીનો ગણાય છે. એજન્સીઓને માર્ચથી જ નવા ઓર્ડર મળતા હોય છે.