શાળાઓનું સીલ ખોલી આપવા માટે સંચાલકોનું તંત્ર પર ભારે દબાણ

પ્રતિકાત્મક
(એજન્સી)અમદાવાદ, રાજકોટ અગ્નિકાંડ બાદ સીલ કરાયેલી શહેરની સ્કૂલો પૈકી ઈમ્પેકટ ફી માટે અરજી કરનાર સ્કૂલોના સીલ આગામી બે દિવસમાં ખોલી દેવાશે તેવું ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ અત્યાર સુધી નીતિ-નિયમો નેવે મૂકીને રાજ કરતા શાળા સંચાલકો તેમની શાળાઓ સીલ થતાં હવે ઘાંઘા બન્યા છે.
યેનકેન પ્રકારે શાળાનું સીલ ખોલી દેવા માટે જાતજાતના ગતકડાવાળા બહાના અને તંત્ર ઉપર દબાણ લાવી રહ્યા છે. સંચાલક મંડળના હોદ્દેદારો તંત્ર સમક્ષ રજૂઆત કરી રહ્યા છે કે હજારો વિદ્યાર્થીઓના ભાવિ અંગેની ચિંતા તેમને સતાવી રહી છે.
બીજી તરફ તંત્ર પણ આ વખતે મજબૂત અને કડક વલણ અપનાવીને સહેજ પણ બાંધછોડ કરવા તૈયાર નથી. તંત્રનું કહેવું છે કે, પહેલાં દસ્તાવેજોની પૂર્તતા કરો અને નિયમોનું પાલન કરો. શહેરની શૈક્ષણિક સત્ર શરૂ થતાં પહેલાં સીલ ખોલવાની માંગ સાથે મ્યુનિ. કમિશનર અને કલેકટરને રજૂઆત કરવામાં આવી રહીછે.
રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના કાંડે ભલભલા ખેરખાંઓને દોડતા કરી દીધા છે. હવે તો રાજકારણીઓ પણ આ મુદ્દે વચ્ચે પડવા તૈયાર નથી. શહેરમાં નાના-મોટા મકાનોમાં શરૂ થયેલી બેરોકટોક પ્રિ-સ્કૂલોને પણ સીલ લાગી ગયા છે.
હવે પ્રિ-સ્કૂલોના સંચાલકો જીડીસીઆરના નિયમ મુજબ રહેણાંક હેતુનું બી.યુ. સર્ટીફિકેટ માન્ય રાખવા માટે માંગ કરી રહ્યા છે. રહેણાંક સોસાયટીઓના બંગાળામાં પ્રિ-સ્કૂલ શરૂ કરીને ટ્રાફિક જામ કરતાં અને ખાસ્સી કમાણી કરી ચૂકેલા પ્રિ-સ્કૂલ સંચાલકોને પણ હવે પ્રિ-સ્કૂલ ફરી શરૂ કરવા માટે છટકબારીઓ ખોલવી છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રિ-સ્કૂલને રજિસ્ટ્રેશન કરાવવા માટે ફેબ્રુઆરી-ર૦રપ સુધીનો સમય આપવામાં આવ્યો છે.
આ દરમિયાન રાજકોટમાં બનેલી દુર્ઘટનાના પગલે સરકારની સૂચનાથી દરેક એકમોને ત્યાં બી.યુ. સર્ટિફિકેટ અને ફાયર એનઓસી બાબતે ચકાસણી કરવામાં આવી રહી છે. બીજી તરફ સીબીએસઈ શાળાઓમાં વેકેશન પૂર્ણ થતાં શાળાઓ રાબેતા મુજબ શરૂ થઈ ચૂકી છે. જો કે, સ્કૂલોને તાકીદ કરવામાં આવી છે કે ટ્રાફિક સિગ્નલના લીધે વિદ્યાર્થીઓ ૧પ મિનિટ મોડા પડે તો વિદ્યાર્થીને કલાસમાં બેસવા દેવા, જો કે, એનઓસી ન હોય એવી શાળાઓ ખૂલી નથી.