શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત હ્રદય રોગની સારવાર થકી અભાપુરાના બે જોડીયા ભાઈઓને મળ્યું નવજીવન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/01/19-3-1024x683.jpg)
સરકારશ્રીના માનવતાલક્ષી અભિગમથી મારા બન્ને દિકરાઓને નવજીવન મળ્યું છે– શ્રીમતી આશાબેન બારડ
ગામડામાં રહેતો છેવાડાનો માણસ પણ સારવારના અભાવે ન પિડાય તે માટે રાજ્ય સરકારશ્રીના આરોગ્ય વિભાગ દ્વારા સંખ્યાબંધ યોજનાઓ અમલી બનાવાઇ છે તેમજ વિવિધ કાર્યક્રમો ઝુંબેશ સ્વરૂપે હાથ ધરવામાં આવ્યા છે. રાજ્ય સરકારશ્રીના શાળા આરોગ્ય તપાસ કાર્યક્રમ અંતર્ગત શાળામાં ભણતા બાળકો કોઈ ગંભીર બીમારીથી પીડાય નહીં તે માટે શરૂ કરવામા આવેલ અભિયાન હેઠળ દાંતા તાલુકાના અભાપુરા ગામમાં રહેતા બન્ને જોડીયા ભાઈઓ હ્રદયરોગની બિમારીમાંથી મુક્ત થયા છે. આજે આપણે વાત કરવાની છે બે જોડીયા ભાઈઓની કે જેઓ જન્મથી જ હ્રદયની ગંભીર બિમારીથી પીડાઈ રહ્યા હતાં.
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના નાનકડા અભાપુરા ગામમા રહેતાં શ્રી કિરીટસિંહ બારડ જે ખેતીનું કામ કરે છે. તેમના ઘરે તા. ૨૨ મે- ૨૦૦૮ના રોજ બે જોડીયા પુત્રો ધવલસિંહ અને ધ્રુવસિંહ જન્મ થયો. અને ઘરમાં બે પુત્રરત્નોનું આગમન ખુશીના બદલે દુઃખમાં પરિણમ્યું, કારણ કે આ બંન્ને દિકરાઓ જન્મથી જ હ્રદય રોગની ગંભીર બિમારીથી પીડાઈ રહ્યા હતાં.
આ વાતની જાણ તેમણે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કરી અને સરકારશ્રીના શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત તેમની તપાસ કરવામા આવી. જેમાં બન્ને ભાઈને હ્રદય રોગ હોવાનું જાણવા મળ્યું. તેથી નવાવાસ પી. એચ. સી.ના મેડીકલ ઓફિસરશ્રી ડૉ. તુષારભાઈ ત્રિવેદી અને તાલુકા હેલ્થ ઓફીસર દ્વારા માર્ગદર્શન આપવામા આવ્યું તથા વધુ તપાસ માટે પાલનપુર સીવીલ હોસ્પિટલમાં લાવવામા આવ્યા હતાં. ત્યારબાદ ઓપરેશન માટે અમદાવાદ ખાતે આવેલ યુ.એન.મહેતા હોસ્પિટલ રીફર કરવામાં આવ્યાં, ત્યાં ધવલનું તા. ૨૦ ડિસેમ્બર-૨૦૧૯ અને ધ્રુવનું તા.૨૩ ડિસેમ્બર-૨૦૧૯ના રોજ સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેનો તમામ ખર્ચ રાજ્ય સરકારશ્રી દ્વારા ઉઠાવ્યો છે. હવે બન્ને બાળકોની તબિયત ખુબ સરસ છે. બન્ને ભાઈઓ નજીકના ગામની ગંગવા પ્રાથમિક શાળામાં ધોરણ-૭ માં અભ્યાસ કરી રહ્યાં છે.
ધવલ અને ધ્રુવના માતા શ્રીમતી આશાબેન બારડે એક મુલાકાતમાં કહ્યુ કે, રાજય સરકારશ્રીના શાળા આરોગ્ય કાર્યક્રમ અને સરકારની સહાયથી મારા બન્ને દિકરાઓને હ્રદયની બિમારીનું ઓપરેશન મફતમાં થયું છે. અમારે એક પણ રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો નથી. જો આ ઓપરેશન પ્રાઈવેટ હોસ્પિટલમાં કરાવ્યો હોત તો અંદાજે આઠ થી દસ લાખ રૂપિયા સુધીનો ખર્ચ થાય જે અમને પોસાય તેમ ન હતો. પણ રાજ્ય સરકારશ્રી અમારી વ્હારે આવી અને અમારા બન્ને
દિકરાઓને નવજીવન બક્ષ્યું છે તેથી અમારો પરિવાર સરકારશ્રીનો ખુબ ખુબ આભાર માને છે.
ધવલ અને ધ્રુવના પિતાશ્રી કિરીટસિંહ બારડે એક મુલાકાતમાં કહ્યું કે, સરકારશ્રીના શાળા આરોગ્ય કાર્યક્રમ અને સરકારની સહાયથી મારા દિકરાની તકલીફો અને અમારા પરિવારની મોટી મુશ્કેલી દૂર થઇ છે અને તેને જીવન જીવવાનું નવું જોમ મળ્યું છે. જેથી અમારો પરિવાર પણ આનંદ અને ખુશખુશાલ રહે છે. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનો અને આરોગ્ય વિભાગના ર્ડાકટરોનો અમે ખુબ ખુબ આભાર માનીએ છીએ.