રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમઃ અમદાવાદ જિલ્લાના ૧૨ લાખ બાળકોને આવરી લેવાશે
અમદાવાદના વટવા વિસ્તારની પ્રા. શાળા ખાતે શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત બાલ આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ(આર.બી.એસ.કે) સમગ્ર વર્ષ દરમિયાન ચાલતું અભિયાન છે. આ વર્ષે આર.બી.એસ.કે ૨૦૧૯-૨૦ અંતર્ગત અમદાવાદ જિલ્લાની તમામ શાળા, આંગણવાડી અને આશ્રમને આવરી લઇ અંદાજે ૧૨,૫૦,૪૯૬ બાળકોની તબીબી તપાસ કરવામાં આવશે.
જેમા ૨૮૬૦ આંગણવાડી, ૫૦૫ નગરપાલિકાની શાળા, ૨૦૨૩ ખાનગી શાળા, ૦૬ આશ્રમશાળા, ૦૫ અનાથ આશ્રમ, ૧૫ દિવ્યાંગ-અંધજન શાળા, ૦૨ બાલ ગૃહ, ૨૭ મદ્રેસા, ૦૪ કેન્દ્રીય વિદ્યાલય અને ૦૩અન્ય શાળાનો સમાવેશ થાય છે. આર.બી.એસ.કે ૨૦૧૯-૨૦ અંતર્ગત જિલ્લામાં ૧૭૦ તબીબી ટીમ કાર્યરત થનાર છે.
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત તબીબી તપાસ બાદ આપવામાં આવતો સંદર્ભ પત્ર એક વર્ષ સુધી માન્ય ગણાય છે જેના આધારે બાળકની નિશુલ્ક સારવાર થઈ શકે છે. આ સંદર્ભ કાર્ડ અધિકૃત તબીબ દ્વારા ભરવામાં આવે છે જેના આધારે જરૂરી નિદાન કરાવવા માટેની સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવે છે. આ સમારોહમાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ, બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમના લાભાર્થીઓ, શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.