‘’શાળા બંધ છે, શિક્ષણ નહી’’ સૂત્રને સાર્થક કરે છે કાવીઠાના શિક્ષકો
ઓનલાઇન શિક્ષણ ક્યારે અને કેવી રીતે મળશે તેની માહિતીના બેનર ગામમાં લગાવ્યા
વર્તમાન સમયની કોરોનાની મહામારીની વિકટ પરિસ્થિતિમાં જ્યારે શિક્ષણકાર્ય શાળા સંકુલની અંદર બંધ છે ત્યારે શાળા બંધ છે પણ શિક્ષણ નહી એ ઉક્તિને કાવીઠાના શિક્ષકોએ ઉત્તમ રીતે સાબિત કરી છે. શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ઘરે બેઠા જ હોમ લર્નિંગ થકી ઓનલાઇન શિક્ષણ દુરદર્શનની ડીડી ગિરનાર ચેનલ પર તથા વિવિધ એપના માધ્યમથી મોબાઇલના Q R કોડથી બાળકોને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.
અમદાવાદ જીલ્લાના બાવળા તાલુકાના કાવીઠા ગામમાં સેવા-વિસ્તરણ પ્રાથમિક શાળાનાં શિક્ષકો દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવી રહ્યો છે. જેમાં શાળા દ્વારા જ શિક્ષણની માહિતી આપતા બેનરો બનાવવામાં આવ્યા છે. જેનો હેતું એ છે કે વિદ્યાર્થીઓ ભુલ્યા વિના યોગ્ય સમયે ઓનલાઇન હાજર રહીને પોતાનો અભ્યાસ કરમ ભણી શકે. કાવીઠા ગામનાં બાળકોને જાગૃતતા માટે ઓનલાઇન શિક્ષણ ક્યારે અને કઇ ચેનલમાં કેટલા વાગે મળી રહેશે તે વિશેની વિગતો દર્શાવતા બેનર ગામના વધું અવરજવર ધરાવતા મહોલ્લામાં લગાવવામાં આવ્યા છે.
સાથોસાથ ફેસબુક, યુટ્યુબ અને દિક્ષા એપને ડાઉનલોડ કર્યા બાદ Q R કોડથી સ્કેન કરીને તેનો ઉપયોગ કેવી રીતે કરવો, ક્યા સમયે કયા ધોરણનું શિક્ષણઅને તેનુ સમયપત્રક જાણી શકાય છે.
અત્રે ઉલ્લેખ્નીય છે કે ધોરણ ૩ થી ૮ ના તમામ વિદ્યાર્થીઓને તેમના ધોરણના અભ્યાસક્રમનું માર્ગદર્શન શાળાના શિક્ષક શ્રી ગિરીશભાઇ મક્વાણા અને શાળા વ્યાવ્સ્થાપન સમિતિ – સ્કૂલ મેનેજ્મેંટ કમિટી (SMC) ના અધ્યક્ષ શ્રી સચીનભાઈ પ્રજાપતિ દ્વારા વિદ્યાર્થીઓને સાથે વાલીગણને હાજર રાખીને આપવામાં આવે છે.
આમ “શાળા બંધ છે પણ શિક્ષણ ચાલુ છે “એ સૂત્ર ને કાવીઠાના તમામ શિક્ષકો થકી સાર્થક કરવાનો અવિરત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. – મનીષા પ્રધાન